ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આઝાદીના દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જો કે, અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં ઘણો વરસાદ ખાબકી ચૂક્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે.
ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાઇ ગયા છે. જો કે હજુ પણ વરસાદ વરસવાનો ચાલુ જ છે. ત્યાં જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. મંગળવારે એટલે કે આજે વહેલી સવારથી જ અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. મેઘરજમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે,
આ ઉપરાંત શામળાજી અને ભિલોડા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં ત્રણેય નદીએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે, 20થી પણ વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, મેઘરજ – 96 મિમી, ધનસુરા – 23 મિમી, મોડાસા – 49 મિમી, માલપુર – 24 મિમી, ભિલોડા – 48 મિમી અને બાયડમાં 04 મિમી વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના પગલે શામળાજી-ઉદયપુર સ્ટેટ હાઇવે બંધ થઇ ગયો છે. વેણપુર પાસે વરસાદી પાણી ફરી વળતા 5 કિમીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત અરવલ્લીની ગીરીમાળામાં ભૂસ્ખલન થતા શામળાજી નેશનલ હાઈવે પર 20 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શિલાઓ પડતા ઘણા વાહનોને પણ નુકસાન થયું છે. ટીટોઈમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે.