મોરબી નજીક થયો ગમખ્વાર અકસ્માત, ઉભી રહેલી બંધ ટ્રક પાછળ અચાનક પુરપાટ ઝડપે આવતી કાર ઘુસી ગઈ, 5 લોકોના મોત

મારુતિની આ ગાડીમાં 5 લોકો તડપી તડપીને મૃત્યુ પામ્યા, દર્દનાક તસવીરો જોતા જ આત્મા કંપી જશે

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોનું પ્રમાણ ખુબ જ વધ્યું છે, જેમાં ઘણા લોકો પોતાનું જીવન પણ ગુમાવી રહ્યા છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત મોરબી નજીક સર્જાયો છે, જેમાં એક ઉભી રહેલી બંધ ટ્રકની પાછળ એક પુરપાટ ઝડપે આવતી કાર ઘુસી જવાના કારણે કારમાં સવાર 5 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ટીમ્બડી પાટિયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં એક બંધ ટ્રક પાછળ  જીજે ૩૬ એફ ૧૦૫૯ નંબરની સ્વીફ્ટ કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માતની અંદર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટિમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતના બનાવની વધુ તપાસ ચલાવી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મોરબીના ભરતનગર ગામ નજીક ઓફિસ ધરાવતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આનંદ શેખાવત તારાચંદ, બિરજુભાઈ, પવન મિસ્ત્રી સહિતના પાંચ વ્યક્તિ કાર લઈને ભરતનગર ઓફિસથી મોરબી પોતાના ઘર તરફ હતા ત્યારે એક બાઇકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી

આ અકસ્માત  એટલો ભયાનક હતો કે કાર આંખે આખું પડીકું વળી ગઈ હતી જેના કારણે કારમાં બેઠેલા તમામ લોકોના મૃતદેહ કારમાં જ ફસાઈ ગયા હતા. જેના બાદ કારનું પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ પાંચેય મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Niraj Patel