ગુજરાતમાંથી ઘણીવાર કારમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી સિરામિક ઉદ્યોગપતિની ગાડીમાં કોઈ ટેકનિકલ કારણોસર આગ લાગવાની ઘટના બની. જોતજોતામાં આગે આખી ગાડીને ઝપેટમાં લઇ લીધી. ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે પ્રયાસ કર્યો પરંતુ આ ઘટનામાં એકનું મોત થયુ.
આગ લાગતા કારના દરવાજા લોક થઈ ગયા હતા અને તેને કારણે કારની અંદર બેઠેલ ચાલક ભડથું થઈ ગયો. આ ઘટનાની જાણ મોરબી એ-ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે ગાડીમાંથી રોકડા પાંચ લાખ, એક પિસ્તોલ, ઘડિયાળ અને આઠ મોબાઈલ સહી સલામત મળી આવ્યા હતા જે ફાયરની ટીમે મૃતકના કૌટુંબિક ભાઈને પોલીસની હાજરીમાં આપ્યા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા 39 વર્ષિય અજય ગોપાણી કિયા ગાડી લઈ મોરબીના લીલાપર કેનાલ રોડ પરથી બપોરના 1 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ગાડીમાં આગ લાગી અને આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા. આને કારણે અજયભાઈ કારની બહાર નીકળી શક્યા નહિ અને ભડથુ થઇ ગયા.
જો કે, ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યા. જો કે અજયભાઈ ભડથું થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.