મોરબી : પતિના અવસાન બાદ પત્નીનું પણ થોડીવારમાં થયુ અવસાન, છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યો સાથ

જયારે પણ લગ્ન થાય છે ત્યારે દુલ્હા-દુલ્હન ભગવાનની સાક્ષીમાં વચન લે છે કે તેઓ સુખ દુખમાં એકબીજાનો સાથ આપશે અને તેઓ જીવવા મરવાની પણ કસમ ખાતા હોય છે. ત્યારે આજના સમયમાં અનેક યુગલો એવા હોય છે કે જેઓ જીવતા પણ સાથે રહેતા નથી અને ત્યારે હાલ ગુજરાતના મોરબીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિના અવસાન બાદ થોડી જ વારમાં તેમના પત્નીએ પણ અનંતની વાટ પકડી હતી. આ વૃદ્ધ દંપતિના એક જ ચિતામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ તો આ કિસ્સો સમગ્ર જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે.

મોરબીના સાદુળકામાં આ કિસ્સો બન્યો છે. જેમાં પતિનું મોત થયા બાદ તેમની સ્મશાનયાત્રાની તૈયારી થઇ રહી હતી અને નનામી પણ બંધાઇ ગઇ હતી, પત્ની પતિને કાયમી વિદાય આપવા માંગતા હતા નહિ અને તેમની અચાનક જ તબિયત ખરાબ થઇ ગઇ હતી ત્યારે તેઓ પણ પતિ સાથે ચાલી નીકળ્યા હતા. ગણતરીના કલાકોમાં જ પરિવારમાંથી બે વડીલોના અવસાન થઇ જતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.

પતિની સ્મશાન યાત્રા સ્મશાન સુધી પહોંચે તે પહેલા જ પત્નીનું પણ અચાનક અવસાન થઇ ગયુ હતુ. મોરબીના સાદુળકા ગામના રહેવાસી પથુભા ચકુભા ઝાલાનું અવસાન થતા પરિવાર અને સંબંધીઓની હાજરીમાં તેમની સ્મશાન યાત્રા નીકળી હતી.  હજુ તો તેમની યાત્રા સ્મશાન સુધી પહોંચે તે પહેલા જ તેમના પત્ની વિલાસબા ઝાલાનું પણ અવસાન થઇ ગયુ. તેમણે પતિ સાથે અનંતની વાટ પકડતા પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો.

મૃતકને સંતાનમાં એક દીકરો છે અને ગણતરીના કલાકોમાં જ મૃતકના દીકરાએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી હતી. પિતાની અંતિમ યાત્રા નીકળી તે દરમિયાન રિવાજ અનુસાર વિલાસબાને સ્નાન કરાવવામાં આવ્યુ અને ત્યારે તેઓએ પતિના પગલે અનંતની વાટ પકડી હતી.

Shah Jina