શું પીએમ મોદીના આવ્યા પહેલા આ ભાઇને ચઢાવવામાં આવ્યુ મોટું પ્લાસ્ટર ? જાણો વાયરલ તસવીરની કહાની

ગુજરાતનું મોરબી શહેર હાલ મીડિયાની હેડલાઈન્સ બની છે. રવિવારના રોજ એટલે કે 30 ઓક્ટોબરની સાંજે અહીંનો પ્રખ્યાત કેબલ બ્રિજ તૂટી ગયો હતો જે ઝૂલતા પુલ તરીકે પણ ઓળખાય છે. તેને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના એવા સમયે બની જ્યારે સત્તાધારી ભાજપ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. સ્વાભાવિક છે કે અકસ્માત બાદ ગુજરાત સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે. આ બધાની વચ્ચે સમાચાર આવ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બર મંગળવારના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે.

આ સમાચાર આવતા જ મોરબી જીલ્લા વહીવટી તંત્ર અને સિવિલ હોસ્પિટલના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને મોરબીની આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે વડાપ્રધાનના આગમનના સમાચારને પગલે સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્ર ઢાંકપિછોડો કરવા માટે પૂરેપૂરા જુગાડમાં લાગી ગયું હતું. જેને લગતી ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.

વડાપ્રધાન મોદીના આગમનના સમાચાર મળ્યા ત્યારથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં રિપેરિંગનું અને રંગરોગાનનું કામ પૂરજોશમાં ચાલ્યુ હતુ. વોર્ડમાં રાખવામાં આવેલ પથારીઓ પણ સંપૂર્ણ રીતે ચમકી ગઇ હતી. આ ઉપરાંત રાતોરાત મોરબીની સિવિલ હોસ્પિટલને નવી કરી દેવામાં આવી. ત્યારે ગઇકાલે એટલે કે 9 નવેમ્બરના રોજ પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.પીએમએ મોરબી પહોંચ્યા બાદ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી.

મોરબી સિવિલમાં પીએમએ જે અશ્વિનભાઈના ખબર અંતર પૂછ્યા હતા, તે હાલ ઘણા ચર્ચામાં છે. અશ્વિનભાઇનું લગભગ દરેક મીડિયા ઇન્ટરવ્યુ લઇ રહી છે. ત્યારે એવો સવાલ થઇ રહ્યો છે અશ્વિનભાઇને પહેલા નાનો પાટો આવ્યો હતો અને તેમની એ તસવીર વાયરલ થઇ હતી, જે બાદ પીએમો મોદીએ જ્યારે તેમના ખબર અંતર પૂછ્યા તે સમયની તસવીર અલગ હતી. જેને જોઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

અશ્લિન ભાઇના પગમાં હાલ તો મોટો પ્લાસ્ટર પાટો જોવા મળી રહ્યો છે. લલ્લનટોપે અશ્વિનભાઇ સાથે વાતચીત કરી હતી, જેમાં અશ્વિનભાઇએ જણાવ્યુ હતુ કે, તેમને પહેલા નાનો પાટો હતો. એક્સ રે લેવામાં આવ્યો હતો અને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યુ, પરંતુ દુખાવો ન મટવાને કારણે ફરી તેમનો એક્સ રે કઢાવવામાં આવ્યો અને ત્યારે ફેક્ચર હોવાનું નિદાન થયુ હતુ, જેને લઇને પ્લાસ્ટર પાટો બાંધવામાં આવ્યો હતો.અશ્વિનભાઇ જે પહેલા 125 નંબરના બેડ પર હતા તે પીએમ મોદીની મુલાકાત સમયે 126 નંબરના બેડ પર હતા.

ત્યારે આને લઇને અશ્વિનભાઇએ કહ્યુ કે, પહેલા 4 ખાટલા હતા અને પછી ઓછા થવાને કારણે અને જગ્યા થઇ હોવાને કારણે તેમને 126 નંબર પર શિફ્ટ કરાયા. ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો એવું માની રહ્યા છે કે પીએમ મોદી મોરબી સિવિલ આવવાને કારણે અશ્વિનભાઇને પહેલા જે નાનો પાટો બાંધવામાં આવ્યો હતો તે નીકાળી મોટો પાટો બાંધી દેવામાં આવ્યો હતો.

Shah Jina