ખબર

ગરમીથી મળશે છુટકારો, આટલા દિવસમાં જ આવી રહ્યો છે વરસાદ, જાણો હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી આગાહી

દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, તો ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદમાં ચોમાસાનું આગમન પણ થયેલું જોવા મળ્યું છે, પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર પાંચ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અથવા તો હળવા વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત  24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તાર અને કચ્છમાં વાતાવરણ સૂકુ રહેશે.

હાલમાં સમગ્ર રાજ્યની અંદર ગરમી અને બફાટના કારણે લોકો પરેશાનીનો સામનો પણ કરી રહ્યા છે અને વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યની અંદર ચોમાસુ દસ્તક દઈ શકે છે.

તો આ ઉપરાંત આગામી 15 થી 17 જૂન વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે તેવું હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે. દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી પવન ફુંકાવાને કારણે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 15-17 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. મુંબઈના દરિયામાં સાંજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે