ખબર

ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાનું આગમન, ગુજરાતના આ વિસ્તારમાં 4 દિવસમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં તાઉ તે નામનું વાવાઝોડું આવી ગયું, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળ્યા, જેના બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વાવઝોડાની અસર ચોમાસા ઉપર પણ પડશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વાવાઝોડાની અસર ચોમાસા ઉપર નહિ પડે અને ચોમાસુ તેના નિયત સમયે જ આવી જશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી લઈને 20 જૂન વચ્ચે થઇ જશે. ત્યારે કેરળમાં ચોમાસાનું આગમન 3 જૂનના રોજ થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ સુધી વાતાવરણ પણ વાદળછાયું રહેશે.

આ સાથે જ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ચાર દિવસોમાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ પણ વરસી શકે છે. આ ઉરપટ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં પણ 3 અને 4 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મે મહિનામાં અમદાવાદની અંદર ગરમીનો પારો પણ 44થી ઉપર રહેતો હોય છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર અમદાવાદમાં આ વર્ષે મે મહિનામાં પારો 43ની નીચે જોવા મળ્યો હતો. આ સાથે હવામાન વિભાગ દ્વારા 5-6 જૂનના રોજ અમદાવાદમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.