‘મારી બહેન મોનિકાને ઝેર પીવડાવી મારી નાખી…’ સુરત મોનિકા વેકરિયા કેસમાં પીડિતાની બહેને જુઓ શું શું કહ્યું

સુરતમાં એક પરણિતાની સાસરિયાએ ઝેર આપીને કથિત રીતે હત્યા કરવાના આરોપમાં પરિજનોમાં રોષની લાગણી છે. સુરતના ઉત્રાણ પોલિસ સ્ટેશનમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. હાલ ત્રણ આરોપીની ધરપકડ કરાઇ છે, જ્યારે ચાર ફરાર છે. મોનિકાના પરિજન સુરત પોલિસ કમિશ્નર કાર્યાલય પહોંચ્યા હતા. આ મામલે ફરિયાદ દાખલ થઇ હોવાના ચારેક દિવસ બાદ પણ ચાર આરોપીઓની ધરપકડ હજુ સુધી થઇ શકી નથી.

મોનિકાની બહેનના કહેવા પ્રમાણે, મારી બહેન મોનિકાને ઝેર પીવડાવી મારી નાખવામાં આવી છે. જેને લઇને તેઓએ સાત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અત્યારે ત્રણ લોકોને પકડી લેવામાં આવ્યા છે અને ચાર લોકો ફરાર છે. તો જલ્દીથી જલ્દી તેમને પકડી હાજર કરે એવી અમારી માગ છે. મોનિકાની બહેન કહે છે કે મોનિકાનો પતિ ટેનિશ અત્યારે ઇઝરાયલ છે અને તેને વહેલી તકે અહીં સુરત બોલાવી પાસપોર્ટ અને વિઝા બંને કેન્સલ કરી તેને અને મોનિકાની સાસુને આજીવન કેદ થવી જોઇએ.

શું છે સમગ્ર મામલો :
સુરતમાંથી ચારેક દિવસ પહેલા જ એક ચકચારી કિસ્સો સામે આવ્યો. જેમાં એક પરિણીતાનું રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ અને ઝેરી દવા પીધેલી હાલતમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. જે બાદ મૃતકના પિતાએ સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, પરિણીતાનો પતિ ઈઝરાયલમાં હીરાનો વેપાર કરે છે, તેના બીજી યુવતી સાથે આડાસંબંધો છે અને તેને કારણે તે વારંવાર છૂટાછેડા માટે પરણિતા પર દબાણ કરતો હતો.

Source: surties

જેને લઇને સાસરિયા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ આપવામાં આવી હતી.પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ તેના પિતાને મોત પહેલા છેલ્લે ફોન કર્યો હતો, જેમાં તેણે તેના પિતાને કહ્યુ હતુ કે- પપ્પા, મારે જીવવું છે પણ મારા સાસુ-નણંદ મારી સાથે ખરાબ વર્તન કરે છે. મારે જીવવું છે પણ ખાવામાં કંઇક નાખી દેશે અને મને મારી નાખશે.સાસુ એવી ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે.”મૃતક મોનિકા વેકરિયા મોટાવરાછા ઓપેરા હાઉસમાં રહેતી હતી અને તેને ગત શુક્રવારના રોજ બપોરે ઘરેથી ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી,

જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જે બાદ મોનિકાના પિતાએ પોતાની પુત્રીને પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યુ હોવાની ફરિયાદ નોંધાવી અને પોલિસે તપાસ હાથ ધરી. મોનિકા અને તેના પિતા તેમજ મોનિકાની સાસુ અને કોઇ અજાણી વ્યક્તિની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. જે બાદ મામલો વધુ ગરમાયો હતો. મોનિકાના પિતાએ દીકરીના પતિ સહિત 7 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો અને તે બાદ પોલિસે કાર્યવાહી કરી ત્રણની ધરપકડ કરી હતી. જોકે, ચાર લોકો હજી પણ ફરાર છે.

Shah Jina