રસોઈ

બાળકોને ખવડાવો તમારા હાથથી બનેલી અને અવનવા શેપની ચોકલેટ… મોલ્ડેડ ચોકલેટ બનાવવા રેસિપી વાંચો

ચોકલેટ નું નામ આવે એટલે બાળકો ને જાણે બધુ મળી ગયું. ચોકલેટ ની કોઈ લાલચ આપે અને બાળક કેવું ફટાફટ કોઈપણ કામ કરવા લાગે. કેમ કે ચોકલેટ છે જ એવી કે બાળકોને તે ખૂબ ભાવે. પણ જો આ ચોકલેટ ને ઘરે જ બનાવી ને બાળકો ને આપીએ તો કેવી મજા પડે. નાના થી માંડી ને મોટા ઓ દરેક ને ચોકલેટ ભાવતી જ હોય. તો આજે અમે તમને આ મોલ્ડેડ ચોકલેટ ની રેસીપી શીખવાડીશું.

મોલ્ડેડ ચોકલેટ બનાવવા માટે ની સામગ્રી

 • ડાર્ક કમ્પાઉન્ડ – 500 ગ્રામ
 • વ્હાઇટ કમ્પાઉન્ડ – 250 ગ્રામ
 • કાજુ – 2 થી 3 ટેબલ સ્પૂન
 • બદામ – 2 થી 3 ટેબલ સ્પૂન
 • કિશમિશ – 2 ટેબલ સ્પૂન
 • અખરોટ – 10 થી 12 ટેબલ સ્પૂન
 • ચોકલેટ મોલ્ડ્સ

મોલ્ડેડ ચોકલેટ બનાવવા માટેની રીત

 • ચોકલેટ ને ડાર્ક કમ્પાઉન્ડ અને વ્હાઇટ કમ્પાઉન્ડ ને પિગાળીને બનાવવા માં આવે છે. આ માટે આપણે સૌ પહેલા આપણે ડાર્ક કમ્પાઉન્ડ અને વ્હાઇટ કમ્પાઉન્ડ ના નાના-નાના ટુકડા કરવા પડશે.
 • સૌપ્રથમ ડાર્ક કમ્પાઉન્ડ અને વ્હાઇટ કમ્પાઉન્ડ ને ચાકુ થી ખૂબ જ ઝીણા બનાવી લો અથવા પોલીથીન (પ્લાસ્ટિક ની બેગ) માં મૂકી કોઈ વજન વાળી વસ્તુ થી તેને તોડી નાખો. અને અલગ-અલગ વાસણ માં તેને ભરી લો.

ચોકલેટ ને મેલ્ટ કરો

 • ચોકલેટ ને બે રીતે મેલ્ટ કરી શકીએ છીએ. ડબલ બાયલર દ્રારા અને બીજું માઇક્રોવેવ માં. માઇક્રોવેવ માં ચોકલેટ ખૂબ જલ્દી મેલ્ટ થઈ જાય છે. જ્યારે ડબલ બાયલર માં ચોકલેટ ને થોડીક વધારે વાર આગે છે મેલ્ટ થવા માં.

ડબલ બાયલર માં ચોકલેટ ને મેલ્ટ કરી લો.

 • એક એવા વાસણ ને લઈ લો જેમાં અથવા જેની ઉપર બીજા બે વાસણ માં ચોકલેટ ભરી ને મેલ્ટ કરવા માટે મૂકી શકાય. આ વાસણ માં 1 અથવા 1 થી ½ કપ પાણી નાખી તેને ધીમા તાપે ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. અને તેની ઉપર ચોકલેટ ભરેલા વાસણ ને મૂકી દો. જ્યારે ચોકલેટ પીગળવા નું શરૂ કરે ત્યારે તેને એક ચમચા થી હલાવી લો. તાપ હંમેશા ધીમો રાખવો. ચોકલેટ ખૂબ જ સેન્સટિવ હોય છે. થોડોક પણ વધારે તાપ લાગે તો એ વધારે ગરમ થઈ જશે. આમ ધીમા ગેસે ચોકલેટ ને થોડા થોડા સમયે હલાવો અને ચોકલેટ ને પૂરી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી પીગળવા દો.
 • મેલ્ટ કરેલી ચોકલેટ ને ગરમ પાણી ના વાસણ માથી કાઢી લો અને કોઈ એક સાફ અને કોરા કપડાં પર મૂકી દો, જેના થી વાસણ માં રહેલી નમી પણ કપડું શોષી લે. ચોકલેટ ને થોડી ઠંડી કરી લો. આ ચોકલેટ ને ચમચા થી સતત હલાવતા 1 થી 2 મિનિટ માટે એમ જ રહેવા દો. ચોકલેટ ઠંડી થઈ જાય ત્યારે તેમાં કડક ચોકલેટ નાખી દો, અને તેને મિક્સ કરી નાખો. આ રીતે ચોકલેટ જલ્દી ઠંડી થઈ જશે.

ચોકલેટ ને મોલ્ડ કરી લો

 • પીગળેલી ચોકલેટ ને જે આકાર ના વાસણ માં નાખશો તેવા આકાર ની બની જશે. આમ ચોકલેટ ને જેમાં મોલ્ડ કરવી છે તેવું એક કોરું વાસણ લઈ લો, આમ મોલ્ડ માં કોઈ પણ પ્રકાર ની નમી ના હોવી જોઈએ. મોલ્ડેડ ચોકલેટ ને વાસણ માં ચમચી થી ભરી લો, આમ મોલ્ડ ના દરેક ખાના ભરી લો. ચોકલેટ ભરેલા આ મોલ્ડ ને બરાબર હલાવી લો, જેથી નીચે હવા હોય તો નીકળી જાય. ચોકલેટ ભરેલા આ મોલ્ડ ને 5 થી 10 મિનિટ માટે ફ્રીઝર માં મૂકી દો, આમ ચોકલેટ જામી ને તૈયાર થઈ જશે. મોલ્ડ ને ફ્રીઝર માં થી કાઢી લો, અને તેને ઊલટું કરી મોલ્ડ માથી ચોકલેટ ને એક પ્લેટ માં કાઢી લો. આમ ચોકલેટ બની તૈયાર છે.

ડ્રાયફ્રુટ ચોકલેટ

 • થોડુક મોટા ખાના વાળું મોલ્ડ લઈ લો, મોલ્ડ એકદમ સૂકું હોવું જોઈએ, ડાર્ક મોલ્ડેડ ચોકલેટ મોલ્ડ માં થોડી થોડી નાખી દો, આ ચોકલેટ ને અડધા થી ઓછું ભરો, આવી રીતે બધા ખાના ભરી ને તૈયાર કરી લો. હવે થોડાક ખાના માં અડધી અખરોટ, અને થોડાક ખાના માં બદામ નાખો, ઉપર થી થોડી ચોકલેટ નાખી ખાનું ભરી દો. આવી રીતે બધા ખાના માં ડ્રાયફ્રુટ ની ઉપર ચોકલેટ નાખી તૈયાર કરી લો. મોલ્ડ ને હલાવી લો જેથી કરીને નીચેની હવા નીકળી જાય. મોલ્ડ ને 5 થી 10 મિનિટ માટે ફ્રીઝર માં રાખો, ચોકલેટ જામી ને તૈયાર થઈ જશે. ચોકલેટ ને ફ્રીઝર માથી કાઢી ઊંધી કરી ચોકલેટ ને એક પ્લેટ માં કાઢો. આમ અખરોટ, બદામ, કાજુ અને કિશમિશ ની ચોકલેટ બનાવી શકાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ