થોડા દિવસો પહેલાં ભગુડા ખાતે મોગલ માતાના મંદિરનો ભવ્ય એવો ૨૩મો પાટોત્સવ યોજાઈ ગયો. દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે અહીં પાટોત્સવનું આયોજન થાય છે. ૧૯૯૭માં નૂતન શિખરબંધ મંદિર બન્યું ત્યારથી આ પરંપરા ચાલુ છે. દરવર્ષે આ ઉત્સવમાં અવનવી ભવ્યતાઓ પવિત્રતાના ધોરણે ઉમેરાતી જાય છે.

ગુજરાત આખાના ચારણો ઉપરાંત અન્ય અઢારે વર્ણના લોકો આ પર્વમાં ભાગ લે છે. દિવસે ઉત્સવ – માતાજીની પૂજા તો રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અનેક પ્રખ્યાત કલાકારો હાજરી આપી માની સ્તુતિ કરે છે. વળી, ‘માંગલ શક્તિ એવોર્ડ’ પણ દરવર્ષે આપવામાં આવે છે. પૂજનીય શ્રીમોરારીબાપુના હસ્તે આ એવોર્ડ કોઈ વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓને મળે છે.

આ વખતનો ઉત્સવ પણ હતો ભવ્ય —
ગુજરાતભરમાં આમ તો મોગલ માતાજીના ઘણાં સ્થાનક આવેલાં છે. ભીમરાણા, ઓખાધર, ગોરવિયાળી અને કબરાઉ જેવાં સ્થળો મોગલ માતાના મહાત્મય માટે પ્રસિધ્ધ છે. પણ ભાવનગરના મહુવા તાલુકાનું ભગુડા ગામ આ સર્વેમાં વધારે પ્રખ્યાત છે. કામડીયા આહિરોના શરૂઆતમાં ૬૦ ખોરડાં ધરાવતું આ ગામ લીલોતરીયુક્ત શોભી રહ્યું છે. વળી, મોગલ માતાજીના બેસણાં હોઈ અહીં લીલાલહેર હોવાના જ! ગામના ઘરને કદી તાળા લાગતાં નથી!

અહીં ‘મોગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ – ભગુડા’ દ્વારા મોગલ માતાજીના મંદિરનું સંચાલન કરવામાં આવે છે. અહીં કોઈ જાતના દોરા-ધાગા કરવામાં આવતા નથી. માતાજીની કૃપા લઈને જાઓ એ જ બસ! દરવર્ષે પાટોત્સવ નિમિત્તે યોજાતો ઉત્સવ આ વર્ષે પણ ભવ્ય હતો. અનેક કલાકારોએ લોકડાયરામાં રંગ જમાવ્યો તો અનેક ક્ષેત્રની સફળ હસ્તીઓએ પણ મોગલના ચરણોમાં આવી હાજરી આપી.
રાજકીય ક્ષેત્રના આગેવાનો પણ હોય છે એકસાથે —

ભગુડા એટલે માતા મોગલનો દરબાર! અહીં પહોંચતા જ એક અલગ સરકારના સાન્નિધ્યમાં આવ્યા હોવાનું અનુભવાય. એ એટલે મોગલ સરકાર! માના દરબારમાં તો સૌ કોઈ આવે. એમાં કોણ રંક ને કોણ રાવ? અહીં શ્રેષ્ઠીઓ પણ સરખા ને ઉત્પન્નભક્ષી મજૂરો પણ સરખા!
મોગલધામના ૨૩માં પાટોત્સવ નિમિત્તે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણી એક સાથે નજર આવ્યા હતા. જો કે, આમાં કોઈ નવાઈ જેવું છે નહી. રાજકીય કાવાદાવાઓ એક તરફ અને અખિલ બ્રહ્માંડની શક્તિનો આશરો એક તરફ!

વિશેષ — મોગલ માતાના ભગુડામાં અવતરણનો વિશેષ શ્રેય કામળીઆ આહીરોને જતો હોવાનું જણાવાય છે. આથી, દર ત્રણ વર્ષે આ આહીર કુંટુંબો દ્વારા માતાજીનો ભેળીયો અને લાપસી થાય છે. મૂળે ચારણ આઈ માત મોગલ ખરેખર તો અઢારે વર્ણની માતા છે. અહીંનો દરબાર દરેક માટે ખુલ્લો છે.
મા ઉદો-ઉદો આશાપુરી!
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks