ખુદ પ્રધાનમંત્રી મોદીએ “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મ વિશે કહી એક મોટી વાત, બધાને આ જરૂર સાંભળવું જોઈએ

દેશભરમાં હાલ દરેક વ્યક્તિના મોઢા ઉપર ફક્ત એક જ વાત સાંભળવા મળી રહી છે, “ધ કાશ્મીર ફાઇલ્સ” જોવા માટે જાવ. ઘણા લોકો આ ફિલ્મને જોઈ ચુક્યા અને તેમના મિત્રો અને પરિવારજનોને પણ આ ફિલ્મ જોવા અનુરોધ કરી રહ્યા છે, આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરીને આ ફિલ્મ જોવાની વાત જણાવી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે જ પીએમ મોદીએ પણ “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મને લઈને વાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની પીડાને દર્શાવતી ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ”ની ફરી પ્રશંસા કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય દળની બેઠકમાં કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ખૂબ જ સારી ફિલ્મ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તમે બધાએ આ ફિલ્મ જોવી જોઈએ.

મળતી માહિતી મુજબ, બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ પણ કહ્યું કે આવી વધુ ફિલ્મો બનવી જોઈએ. બીજેપી સંસદીય દળની બેઠક બાદ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે “પીએમએ કહ્યું કે એક જૂથ હજુ પણ સત્યને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પીએમએ એમ પણ કહ્યું કે આ લોકો પહેલા પણ આવું જ કરતા હતા.”

મનોજ તિવારીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આપણે દેશની સામે યોગ્ય તથ્યો લાવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પીએમ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. “ધ કશ્મીર ફાઇલ્સ”ની ટીમ પીએમ મોદીને મળી અને ત્યારબાદ ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે તસવીરો શેર કરીને જાણકારી આપી કે પીએમએ ફિલ્મની પ્રશંસા કરી.

તમને જણાવી દઈએ કે “ધ કાશ્મીર ફાઇલ્સ” બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મે રિલીઝ થયાના ચાર દિવસમાં 42.20 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ત્યાં જ પીએમ મોદીએ પણ સાંસદોને આ સંદેશ આપ્યો કે તમે બધાએ આ ફિલ્મ જોવી જોઈએ.

Niraj Patel