ઈદ ઉપર અબ્બાસ માટે ખાસ જમવાનું બનાવતી હતી મા હીરાબા, જુઓ કેવી રીતે PM મોદી સાથે જ રહીને ભણ્યો ગણ્યો તેમના પિતાના મુસ્લિમ દોસ્તનો દીકરો

“માતા જેટલો પ્રેમ પોતાના બાળકોને કરતાં એટલો જ પ્રેમ અબ્બાસને કરતાં” જુઓ પીએમ મોદીએ તેમના ઘરે રહેતા અબ્બાસ વિશે શું કહ્યું ?

પીએમ મોદીના માતૃશ્રી હીરાબા આજે 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે પીએમ મોદીએ વડોદરા જતા પહેલા સવારે જ પોતાના ગાંધીનગર સ્થિત આવેલા ઘરે જઈને માતૃશ્રીના આશીર્વાદ લીધા હતા, માતાના ચારણ સ્પર્શ કરી અને તેમને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ માટે શુભેચ્છા પણ પાઠવી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના બ્લોગની અંદર પણ પોતાના માતાના સંઘર્ષ અને જીવનકાળ વિશેની ઘણી અજાણી વાતો શેર કરી છે. પીએમ મોદીએ હૃદયસ્પર્શી વાતો આલેખીને માતા પ્રત્યેનો પ્રેમ અને તેમને સંગર્ષ વ્યક્ત કર્યો છે.

પોતાના બ્લોગમાં એવી જ એક વાતમાં તેમને પોતાના પિતાના મુસ્લિમ દોસ્તના દીકરા વિશેની પણ એક વાત આલેખી છે. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે, “મારી માતા અન્ય લોકોની ખુશીમાં રાજી થાય છે. અમારું ઘર નાનું લાગી શકે, પણ તેમનું હૃદય ઉદાર હતું. મારા પિતાના એક ગાઢ મિત્ર નજીકના ગામમાં રહેતાં હતાં. તેમનું અકાળે અવસાન થયા પછી મારા પિતા તેમના મિત્રના પુત્ર અબ્બાસને અમારા ઘરે લાવ્યાં હતાં.”

તેમને આગળ જણાવ્યું કે, “અબ્બાસ અમારી સાથે રહ્યાં અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો. મારી માતા જેટલો પ્રેમ પોતાના બાળકોને કરતાં એટલો જ પ્રેમ અબ્બાસને કરતાં અને તેની કાળજી રાખતાં. દર વર્ષે ઇદ પર તેઓ અબ્બાસની મનપસંદ વાનગીઓ બનાવતાં હતાં. તહેવારોમાં અમારું ઘર પડોશીના બાળકો માટે મનપસંદ સ્થળ હતું અને તેઓ મારી માતાના હાથે તૈયાર થયેલી વાનગીઓ માણવા પહોંચી જતાં હતાં.

જ્યારે કોઈ સાધુ અમારા પડોશમાં આવતાં હતાં, માતા તેમને અમારાં સાદા ઘરમાં અન્નગ્રહણ કરવાં આમંત્રણ આપતાં હતાં. પોતાના સ્વાભાવિક સ્વભાવ મુજબ તેઓ સાધુઓને પોતાને બદલે પોતાના બાળકોને આશીર્વાદ આપવા વિનંતી કરતાં હતાં. તેઓ સાધુઓને વિનંતી કરતાં, “મારાં બાળકોને આશીર્વાદ આપો, જેથી તેઓ અન્ય લોકોની ખુશીમાં રાજી થાય અને તેમના દુઃખના દિવસોમાં મદદ કરે. તેમને ભક્તિ અને સેવાભાવ મળે એવા આશીર્વાદ આપો.”

મારી માતાને મારી ક્ષમતા અને તેમણે મને આપેલા સંસ્કારોમાં હંમેશા વિશ્વાસ છે. મને લગભગ એક દાયકાઓ અગાઉની એક ઘટના યાદ આવે છે. એ સમયે હું સંગઠનમાં કામ કરતો હતો. એ સમયગાળા દરમિયાન મારા મોટા ભાઈ માતાને બદરીનાથજી અને કેદારનાથજી લઈ ગયા હતા. તેમણે બદરીનાથજીમાં દર્શન કર્યા પછી કેદારનાથજીમાં સ્થાનિકને જાણ થઈ હતી કે, મારી માતા મુલાકાત લેશે.

જોકે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. કેટલાંક લોકો ધાબળા લઈને તળેટીમાં આવી ગયા હતા. તેઓ માર્ગો પર દરેક વયોવૃદ્ધ મહિલાને પૂછતાં હતાં કે, તેઓ નરેન્દ્ર મોદીના માતા છે. છેવટે તેમને મારી માતા મળી ગયા તથા ચા અને ધાબળો આપ્યો હતો. તેમણે કેદારનાથજીમાં તેમના રોકાણ માટે સુવિધાજનક વ્યવસ્થાઓ કરી હતી. આ ઘટનાની મારી માતાના મન પર ઊંડી છાપ પડી હતી. તેઓ પછી મને મળ્યાં હતાં અને કહ્યું હતું કે, “લાગે છે કે તેં સારાં કાર્યો કર્યા છે, કારણ કે લોકો તને ઓળખે છે.”

આજે ઘણા વર્ષો પછી જ્યારે લોકો તેમને પૂછે છે કે, તેમને તેમના પુત્ર પર ગર્વ છે, કારણ કે તેમનો પુત્ર દેશનો પ્રધાનમંત્રી બની ગયો છે, ત્યારે માતા નમ્રભાવે પ્રતિભાવ આપે છે. તેઓ કહે છે કે, “જેટલો તમને ગર્વ થાય છે એટલો ગર્વ મને થાય છે. મારું કશું નથી. હું ઈશ્વરની યોજનામાં માત્ર એક માધ્યમ બની છું.”

Niraj Patel