કૌશલ બારડ ખબર લેખકની કલમે

નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વિશે બહુ રોચક અને મજાની વાત કરી! જાણો શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા આજે દેશવાસીઓને સંબોધિત કર્યા. આજે અખાત્રીજ, ભગવાન બસવેશ્વર જયંતિ, જૈનધર્મીઓ માટે ભગવાન આદિનાથનો તહેવાર અને માહે-રમઝાન જેવાં વિવિધ ધર્મોનાં પર્વો નિમિત્તે વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ સાથે સંદેશ પણ આપ્યા.

‘મન કી બાત’માં નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વિશે વાત કરી. આ ત્રણે શબ્દોનો ફરક સમજાવતા વડાપ્રધાને કહ્યું કે, આ શબ્દોને એકસાથે જોડીને જોવામાં આવે અને તેમની પાછળનો ભાવાર્થ નજરમાં લાવવામાં આવે તો જીવનને સમજવાનું એક નવું બારણું ખૂલતું જોવા મળશે.

‘પ્રકૃતિ’ એટલે શું?:

વડાપ્રધાનમાં મંતવ્ય પ્રમાણે પ્રકૃતિ અને માનવ વચ્ચેના સબંધની અહીં વાત છે. ‘આ મારું છે’ અને આથી ‘હું આનો ઉપયોગ કરું છું’ એનું નામ પ્રકૃતિ! આવી ધારણા બહુ સ્વાભાવિક છે. કોઈને આમાં વાંધો હોતો નથી. આ પ્રકૃતિ છે.

‘વિકૃતિ’ એટલે શું?:

‘જે મારું નથી’ અને ‘જેના પર મારો કોઈ હક્ક નથી’, એટલું જ નહી પણ ‘જે હું બીજા પાસેથી ઝૂંટવી લઉં છું’ અને પછી ‘એનો મારા સ્વાર્થ માટે ઉપયોગ કરું છું’ – આનું નામ વિકૃતિ!

‘સંસ્કૃતિ’ એટલે શું?

પ્રકૃતિ અને વિકૃતિથી જે પર છે, અલગ છે, તે છે સંસ્કૃતિ. જ્યારે કોઈ પોતાના હક્કની ચીજ, પોતાની વસ્તુ કે જે પોતે મહેનત કરીને કમાયેલી છે, વળી પોતાના નિર્વાહ માટે જરૂરી પણ છે, એ ઓછી છે કે વધારે એની લગીરે ચિંતા કર્યા વગર, પોતાના હક્કનો હિસ્સો જતો કરીને, બીજાને એ જરૂરી છે એ માટે આપી દે છે એનું નામ સંસ્કૃતિ!

ઘણીવાર આપણા લોકસાહિત્યકારો પણ આ વાતને કહેતા હોય છે. આજે વડાપ્રધાને પણ કહ્યું. અખાત્રીજ અર્થાત્ ‘અક્ષય-તૃતીયા’ વિશે જણાવતા વડાપ્રધાને કહ્યું કે, જેનો ક્ષય નથી થતો તે એટલે ‘અક્ષય’. જરૂરિયાતમંદોને આજે કરેલી મદદનું પુણ્ય હંમેશા માટે રહેશે એવું જણાવીને તેમણે નિરાધારને મદદ કરવાનો પણ સંકેત કર્યો.

Author: Kaushal Barad GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.