શેફે બનાવી દીધો ચોકલેટ સોસ નાખીને આઈસ્ક્રીમ વાળો વેજીટેબલ પીઝા, જોઈને તમે પણ કહેશો, આ બકવાસ આઈટમ કોણ ખાય ?, જુઓ વીડિયો

ખાણીપીણીના વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે. ઘણા વીડિયોની અંદર એવી એવી વાનગીઓ જોવા મળે છે જેને જોઈને આપણું મન પણ તેને ખાવા માટે લલચાઈ જાય. તો ઘણી પરંપરાગત વાનગીઓ સાથે છેડછાડના વીડિયો પણ સામે આવતા હોય છે અને તેને જોઈને ખાણીપીણીના રસિયાઓનો મૂડ પણ બગડી જતો હોય છે. એવી જ એક વાનગી છે પીઝા. બજારમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા પીઝા મળે છે, જે લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે ચોકલેટ સોસ અને આઇસ્કીમથી બનેલો વેજીટેબલ પીઝા ખાધો છે ? હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્ટ્રીટ વેન્ડર પિઝાનો બેઝ લઈને તેના પર ચોકલેટ સોસ રેડે છે. પછી કાંદા, કેપ્સિકમ અને ટામેટા જેવા કેટલાક શાકભાજીને બેઝ પર મૂકે છે. ત્યાર બાદ તેના ઉપર ચીઝ અને આઈસ્ક્રીમ નાખીને પિઝાને ઓવનમાં પકાવવા માટે મૂકે છે, આ જોઇને લોકો દંગ રહી ગયા છે. એટલું જ નહીં, વિક્રેતા તેના પર આઈસ્ક્રીમ અને ચોકલેટ સોસ નાખીને સર્વ કરે છે. આ પ્રક્રિયા જોઈને ઘણા લોકો ચોંકી ગયા હતા.

આ વિચિત્ર સંયોજન સાથેના આ પિઝાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર radiokarohan નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો થોડા  દિવસ પહેલા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે. જો કે, આ વીડિયોના છેલ્લા ભાગમાં જેણે આ પિઝા ટ્રાય કર્યો છે, તેનું જ મોઢું બગડી ગયેલું જોવા મળી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by RJ Rohan (@radiokarohan)

વાયરલ વીડિયો પર લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા પિઝા પ્રેમીઓ તેને વાહિયાત ગણાવે છે. તે જ સમયે, ઘણા યુઝર્સે શેરી વિક્રેતાઓને આ વાનગીને ડસ્ટબિનમાં ફેંકવાની સલાહ આપી છે. અન્ય એક યુઝરે મજાકમાં ડોમિનોઝ અને પિઝા હટને ટેગ કરીને લખ્યું કે આ વાનગી જરૂર ટ્રાય કરવી જોઈએ. અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરી, “જો કોઈને બીમાર થવાનું મન થાય છે તો આને અજમાવી જુઓ. હું તે વ્યક્તિને મળવા માંગુ છું જેણે ચોકલેટ સોસ પર ડુંગળી નાખવાનું વિચાર્યું હતું.”

Niraj Patel