ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં એક રાજા રણછોડ રાયનું પવિત્ર યાત્રાધામ ડાકોર. એવું પણ કહેવાય છે કે તમે ગમે તેટલી જાત્રાઓ કરી લો છેલ્લે ડાકોર ના જાવ તો તમારી જાત્રા અધૂરી જ રહી ગણાય. ડાકોરમાં બિરાજતા રાજા રણછોડ રાયના મંદિર ઉપરાંત બીજા ઘણાં મંદિરો પણ ત્યાં જોવા લાયક છે, સાથે એ મંદિરોનું માહાત્મ્ય પણ નિરાળું છે.
ડાકોરમાં રહેતા રાજા રણછોડ રાયના પ્રખર ભક્ત બોડાણા રણછોડ રાય ભગવાનના આદેશથી તેમને બળદ ગાડામાં દ્વારિકાથી ડાકોર લઇ આવ્યા હતા અને ત્યાર બાદ રણછોડરાય કાયમ માટે ડાકોરમાં આવીને વાસી ગયા. દ્વારિકાથી તેમના ભક્તો રણછોડ રાયને લેવા માટે પણ આવ્યા હતા પરંતુ ભગવાન એ સમયે ગોમતી તળાવમાં છુપાઈ ગયા અને દ્વારિકાના બ્રામ્હણોએ ભગવાનની મૂર્તિના બદલામાં એટલું સોનુ માંગ્યું ત્યારે મૂંઝાયેલા બોડાણાનો સાથ ખુદ ભગવાને આપ્યો અને તેમની પત્નીની એક નાકની નથણી જેટલું જ વજન ભગવાનની મૂર્તિનું થયું અને દ્વારિકાના બ્રામ્હણોને પાછા ફરવું પડ્યું હતું.

ભક્ત બોડાણા જયારે ભગવાન રણછોડ રાયને પોતાના ગાડામાં લઈને આવતા હતા ત્યારે કેટલાક સ્થાનો ઉપર રોકાયા હતા અને આજે એ સ્થાનો નું પણ ઘણું જ માહાત્મ્ય છે. બીજી એક કથા એ પણ જોડાયેલી છે કે ભક્ત બોડાણાને વિશ્રામ આપવા માટે ભગવાને પોતે જ ગાડું હંકાર્યું અને ભક્ત બોડાણાને વિશ્રામ કરવા માટે કહ્યું, ત્યારે ભગવાને એક જ રાતમાં કેટલાય કિલોમીટરનું અંતર કાપી અને ગાડું રાતો રાત ડાકોર નજીક પહોંચવી દીધું હતું.

ત્યારે સવારે જે જગ્યા ઉપર ગાડું ઉભું રાખ્યું હતું એ જગ્યા ડાકોરથી એકદમ નજીકમાં જ હતી. સવારે દાતણ કરવા માટે ભગવાન રણછોડ રાયે એ જગ્યા ઉપર એક લીમડાની ડાળ તોડી હતી અને ત્યારેથી લઈને આજે પણ લીમડાની એ ડાળ મીઠી છે. કોઈ ચમત્કાર કહો કે બીજું કઈ પરંતુ આજે એ લીમડાની ડાળનો સ્વાદ મીઠો જ આવે છે. ભકત બોડાણા જયારે સવારે જગ્યા ત્યારે તેમને જોયું કે તે છેક ડાકોર નજીક પહોંચી ગયા છે, ભગવાનની આ લીલા જોઈને બોડાણા પણ તેમની સામે નતમસ્તક થયા હતા.

આ જગ્યા ડાકોરથી એકદમ નજીક આવેલી છે માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યાનું માહાત્મ્ય આજે પણ એટલું જ છે. ઘણા લોકો ડાકોર મંદિરે દર્શન કરવા માટે જાય છે પરંતુ એ જગ્યા કોઈને ખ્યાલ ના હોવાના કારણે જઈ શકતા નથી. પરંતુ આજે અમે તમને એ જગ્યા વિશે માહિતગાર કરીએ છીએ.
ડાકોરથી આણંદ, નડીઆદ તરફ જતા રોડ ઉપર 5 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ સ્થળ આવે છે. રસ્તામાં જ તમને ડાકોરની ભવન્સ કૉલેજ દેખાશે, તેનાથી થોડે આગળ આદર્શ હોટેલ આવશે, તેની એકદમ બાજુમાં આ સ્થળ આવેલું છે. સામે જ બિલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. આણંદ, નડીઆદ કે વડોદરા તરફથી તમે આવતા હોય તો ઉમરેઠ બાદ પણ આ જગ્યા તમને 5 કિલોમીટરના અંતરે મળી જશે.

પ્રસાશન દ્વારા આ સ્થળના વિકાસ માટે સારું કામ કરવામાં આવ્યું છે, એક સમયે આ સ્થળ પણ નિર્જન જગ્યા જેવું હતું, પરંતુ આજે ત્યાં સરસ મઝાનું વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું છે. મીઠા લીમડાની બાજુમાં જ એક મંદિર છે જેમાં તમને ભગવાન રણછોડ રાયના પગલાંના પણ દર્શન કરવાનો લાહ્વો મળશે. બાળકો માટે પણ આ સ્થળે રમત ગમતના સાધનો વિકસાવ્યા છે તો શાંતિથી બેસી શકાય એવી પણ વ્યવસ્થા આ સ્થળ ઉપર કરવામાં આવી છે.
જો તમે ઘરેથી નાસ્તો કે જમવાનું લઈને કોઈ શાંત જગ્યા ઉપર પરિવાર સાથે બેસીને ખાવા માંગો છો તો આ સ્થળ તમારા માટે શ્રેષ્ઠ છે. મનને પ્રફુલ્લિત કરવા અને બાળકો સાથે સમય વિતાવવા આ એક ઉત્તમ જગ્યા તમને ડાકોરની અંદર મળી રહેશે.

આ જગ્યા ઉપર એક સરસ મઝાનું ભજન પણ બનાવવામાં આવ્યું છે. “આખા લીમડામાં એક ડાળ મીઠી કે રણછોડ રંગીલા”. હવે તમે જયારે ડાકોરની મુલાકાત લો ત્યારે આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં તમને પણ આ જગ્યાએ અનેરો આનંદ આવશે તેની પાક્કી ગેરેન્ટી.
મીઠા લીમડા પાસે અમારી ટિમ દ્વારા લીધેલ એક લાઈવ વિડીઓમાં પણ તમે નિહાળી શકો છો કે આ જગ્યા કેવી સરસ મઝાની છે, તેમાં બીજી પણ ઘણી માહિતી તમને મળી રહેશે.
આવા જ ભક્તિમય, ધાર્મિક અને માહિતીસભર લેખ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે, આ લેખ વાંચીને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને માહિતી કેવી લાગી…!!!
“જય રણછોડ”
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.