વધુ એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં ગુમાવ્યો જીવ, લેબોરેટરીઝની બહાર મળી લાશ

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ અને ભારતીયોના રહસ્યમય મોત તેમજ હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ખબર આવી કે અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પર્ડ્યૂ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યુ છે.

રવિવારે સવારે 11:30 વાગ્યા આસપાસ વેસ્ટ લાફાયેટના 500 એલિસન રોડ પર ટિપેકેનો કાઉન્ટી કોરોનર ઓફિસના અધિકારીઓને સંભવિત મૃતદેહ માટે બોલાવવામાં આવ્યા હતા. જે પછી પર્ડ્યુના કેમ્પસમાં મોરિસ જે.ઝુક્રો લેબોરેટરીઝની બહાર એક વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ વિદ્યાર્થીની ઓળખ નીલ આચાર્ય તરીકે થઇ છે. નીલ લગભગ 12 કલાકથી ગુમ હતો. યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના અંતરિમ પ્રમુખે સોમવારે ડિપાર્ટમેન્ટને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે, “ખૂબ જ દુખ સાથે હું તમને સૂચિત કરી રહ્યો છું કે અમારા એક વિદ્યાર્થી નીલ આચાર્યનું અવસાન થયું છે. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ તેના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કરે છે. તેમના જવાથી ખૂબ જ દુખી છું. મારા સંવેદનાઓ તેના મિત્રો, પરિવાર અને અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે.નીલ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો.

તેણે કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડિગ્રી મેળવી અને જ્હોન માર્ટિસન ઓનર્સ કોલેજમાં ભણતો હતો. નીલના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

નીલના મૃત્યુની પુષ્ટિ કરતા પહેલા તેની માતા ગૌરી આચાર્યએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું હતું, ‘અમારો પુત્ર નીલ આચાર્ય 28 જાન્યુઆરીથી ગુમ છે. તે અમેરિકાની પર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.છેલ્લી વખત તે ઉબર ડ્રાઈવર દ્વારા જોવામાં આવ્યો હતો, તેમણે તેને પર્ડ્યુ યુનિવર્સિટી છોડ્યો હતો. જો તમને કંઈ ખબર હોય તો કૃપા કરીને અમને મદદ કરો.’

Shah Jina