ધાર્મિક-દુનિયા

આ નવરાત્રી દર્શન કરો દેશના પ્રસિદ્ધ માતાના 9 મંદિરોમાં, અહીં દર્શન માત્રથી પુરી થાય છે મનોકામનાઓ

નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા-અર્ચના કરીને ભક્તો પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે માતાજીના આશીર્વાદ મેળવે છે. આ વખતે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જે 7 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રીમાં નવ દિવસ માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. લોકો માતાને પ્રસન્ન કરવા જુદા-જુદા ઉપાયો કરતા હોય છે. આખા દેશમાં માતા દુર્ગાની પૂજાની ધૂમ હોય છે. નવરાત્રીના દિવસોમાં માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપોની પૂજા સાથે, દેશના આવા પ્રખ્યાત મંદિરોની પણ મુલાકાત લેવી જોઈએ જ્યાં માતાજી વિવિધ સ્વરૂપોમાં બિરાજમાન છે. તો આજે જાણીએ દેશમાં આવેલા માતાજીના મોટા અને ચમત્કારિક મંદિરો વિશે…

  • જ્વાલા જી મંદિર, કાંગરા, હિમાચલ પ્રદેશ
Image Source

માતાના સૌથી પ્રખ્યાત મંદિરોમાં એક જ્વાલા દેવીનું મંદિર છે અને તે આખા વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. મા દુર્ગાના નવ સ્વરૂપો મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યાવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી અંબિકા અને અંજાદેવીની જ્યોતિ આ મંદિરમાં હંમેશા પ્રજ્વલિત રહે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં એક સાથે નવ સ્વરૂપોના દર્શનના થાય છે. આ મંદિરને જોતાવાળી માતાનું મંદિર પણ કહેવામાં આવે છે. માતાના અન્ય મંદિરોની તુલનામાં આ મંદિર અનન્ય છે કારણ કે અહીં કોઈ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી, પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી નવ જ્વાળાઓની પૂજા કરવામાં આવે છે. જ્વાલાદેવી મંદિરમાં તેલ-ઘી વગર સદીઓથી કુદરતી રીતે 9 જ્વાળાઓ સળગી રહી છે.

  • મનસા દેવી મંદિર, હરિદ્વાર, ઉત્તરાખંડ
Image Source

હરિદ્વારમાં માતા મનસા દેવીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, આ મંદિરને મનસા દેવી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીં પ્રત્યેક શ્રદ્ધાળુ પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને માતાજી આ બધાની જ મનોકામનાઓ પુરી કરે છે. આ મંદિરના પરિસરમાં એક ઝાડ આવેલું છે, જ્યા લોકો તેમની માનતા પુરી કરવા માટે દોરો બાંધે છે, જ્યારે લોકોની માનતા પુરી થઇ જાય ત્યારે તેઓ આ મંદિરમાં આવીને દોરો ખોલી જાય છે. મા મનસા દેવીનું પ્રખ્યાત મંદિર હરિદ્વારથી ત્રણ કિલોમીટર દૂર શિવાલિક પર્વતમાળા પર બિલ્વા નામની ટેકરી પર આવેલું છે. આ મંદિરમાં દેવીની બે મૂર્તિઓ છે. એક મૂર્તિના પાંચ ભુજા અને ત્રણ મોઢા છે. જ્યારે બીજી મૂર્તિમાં આઠ ભુજાઓ છે.

  • કરણી માતા મંદિર, બિકાનેર, રાજસ્થાન
Image Source

કરણી માતાનું મંદિર રાજસ્થાનના બિકાનેરનું સૌથી પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના પરિસરમાં લગભગ 20000 જેટલા ઉંદરો રહે છે અને તેમણે કરણી માતાના સંતાન માનવામાં આવે છે, આ મંદિરને ઉંદરોનું મંદિર પણ કહેવામાં આવે છે. અહીં કરણી માતાની પ્રતિમા સ્થાપિત છે, જેને માતા જગદંબાનો અવતાર માનવામાં આવે છે. અહીં દર્શન માટે દૂર-દૂરથી દર્શન માટે આવે છે.

  • માતા વૈષ્ણો દેવી મંદિર, કટરા, જમ્મુ-કાશ્મીર
Image Source

વૈષ્ણો દેવી મંદિર દેશનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે, જેનું ખૂબ જ મહત્વ છે. આને હિન્દુઓનું પ્રમુખ તીર્થસ્થાન માનવામાં આવે છે. આ મંદિર જમ્મુના ઊંચા પહાડ પર સ્થિત છે. આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ લાગેલી રહે છે. પરંતુ નવરાત્રી દરમ્યાન અહીં દર્શન માટે આવો તો અહીંનું વાતાવરણ જ અલગ હોય છે. નવરાત્રીના દિવસોમાં અહીં દાર્શ માટે ભક્તોની ભારે ભીડ લાગેલી રહે છે. માતા વૈષ્ણોદેવીનું આ મંદિર દેશના 51 શક્તિપીઠોમાંનું એક છે, અહીં માતાજી પિંડી સ્વરૂપમાં વિરાજમાન છે.

  • શારદા મંદિર, મેહર, મધ્યપ્રદેશ
Image Source

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં શારદા દેવીનું આ મંદિર લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. આ મંદિરમાં ભક્તોને રોકવાની અનુમતિ નથી. કહેવામાં આવે છે કે જે અહીં રાત રોકાય છે એનું બીજા જ દિવસે મૃત્યુ થાય છે. આ મંદિરમાં માતા શારદાની મુખ્ય પૂજા કરવામાં આવે છે પણ સાથે જ અહીં દેવી કાલી, દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષનાગ, શ્રી કાલ ભૈરવી, ફૂલમતી માતા, બ્રહ્મદેવ, હનુમાનજી અને જલાપા દેવીની પણ પૂજા થાય છે. માતાજીના દર્શને આવનારા ભક્તોએ 1063 દાદરા ચઢવા પડે છે. ભક્તોનું માનવું છે કે મેહરમાં શારદા માતા પાસે માંગેલી દરેક મનોકામનાઓ પુરી થાય છે.

  • કામાખ્યા મંદિર, ગુવાહાટી, આસામ
Image Source

આસામની રાજધાની દિસપુર નજીક ગુવાહાટીથી 8 કિમી દૂર આવેલું કામાખ્યા મંદિર ભારતનું એક પ્રખ્યાત મંદિર છે. આ મંદિર શક્તિની દેવી સતીનું મંદિર છે. આ મંદિર એક ટેકરી પર આવેલું છે અને તેનું તાંત્રિક મહત્વ પણ છે. દસ મહાવિદ્યા, કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની પૂજા પણ કામાખ્યા મંદિરના પરિસરમાં કરવામાં આવે છે. આ મંદિરમાં ગર્ભગૃહમાં કોઈ તસ્વીર કે મૂર્તિ નથી, પણ અહીં ગર્ભગૃહમાં યોની આકારનો પથ્થર છે. માં ભગવતીની યોનિના રૂપનું આ નોખું મંદિર છે. આખા બટ્રહ્માંડનુ કેન્દ્ર બિંદુ આ મંદિર માનવામાં આવે છે. માન્યતા છે કે માતાની યોની અહીં પડી હતી. આ મંદિર દર મહિને ત્રણ દિવસો માટે બંધ રાખવામાં આવે છે.

  • પાટન દેવી, બલરામપુર, ઉત્તર પ્રદેશ
Image Source

સિદ્ધપીઠ, શક્તિપીઠ અને યોગપીઠ માનવામાં આવતા મા પાતાલેશ્વરીનું મંદિર ઉત્તર પ્રદેશના બલરામપુરમાં આવેલું છે. પાતાલેશ્વરી દેવીને પાટન દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશમાં ફેલાયેલા 51 શક્તિપીઠોમાંનું એક મંદિર શિવ અને સતીના પ્રેમનું પ્રતીક છે. મંદિરમાં એક કુંડ છે. લોકવાયકાઓ અનુસાર, મહાભારતના સમયના આ કુંડમાં સ્નાન કરવાથી રક્તપિત્ત અને ત્વચાના રોગો મટી જાય છે. માન્યતા અનુસાર આ એ જ જગ્યા છે જ્યાંથી માતા સીતા ધરતી માતામાં સમાઈને પાતાળલોકમાં ગયા હતા, એટલે જ આ સ્થાનને પાતાલેશ્વરી દેવી કહેવામાં આવે છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. અહીં એક ચાંદીનો ચબુતરો છે, જેની નીચે એક ઢંકાયેલી સુરંગ છે.

  • નૈના દેવી મંદિર, બિલાસપુર, હિમાચલ પ્રદેશ
Image Source

અહીં દુર્ગા મા, કાલી માતા અને ભગવાન ગણેશની મૂર્તિ બિરાજમાન છે. મંદિરની પાસે એક ગુફા છે, જેને નૈના દેવી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. મા દુર્ગાના 51 શક્તિપીઠોમાંથી એક, નૈના દેવી મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં સ્થિત છે. શિવાલિક પર્વતમાળાની ટેકરીઓ પર સ્થિત આ ભવ્ય મંદિર સમુદ્ર સપાટીથી 11000 મીટરની ઊંચાઈએ આવેલું છે. એવું માનવામાં આવે છે કે માતા સતીના નેત્રો આ સ્થળે પડ્યા હતા. એ જ કારણે આ શક્તિપીઠનું નામ નૈના દેવી રાખવામાં આવ્યું. આ મંદિર દુર્ગા માતાના ભક્તોની આરાધનાનું કેન્દ્ર છે.

  • અંબાજી મંદિર, બનાસકાંઠા, ગુજરાત
Image Source

ગુજરાતનું અંબાજી મંદિર ખૂબ પ્રાચીન છે. મા અંબા-ભવાનીની શક્તિપીઠોમાંના એક આ મંદિર પ્રતિ માતાના ભક્તોમાં અપાર શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માતાની કોઈ પ્રતિમા સ્થાપિત નથી. આ મંદિર શક્તિના ઉપાસકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. અહીં શ્રીયંત્ર સ્થાપિત છે. આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવ્યું છે કે જોવાવાળાને લાગે કે માતા અંબે અહીં સાક્ષાત બિરાજેલા છે. આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરના નવીનીકરણનું કામ 1975માં શરૂ થયું હતું અને આજ સુધી ચાલુ છે. સફેદ આરસપહાણમાં બનાવેલું આ મંદિર ખૂબ ભવ્ય છે. મંદિરનું શિખર એકસો ત્રણ ફુટ ઊંચું છે. શિખર પર 358 સુવર્ણ કળશ લગાવવામાં આવેલા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.