રાજકોટમાં સગીર દીકરીને પ્રેમમાં ફોસલાવી ભગાડી જનાર યુવકને દીકરીના પિતાએ પતાવી દીધો, જામીન ઉપર જેલમાંથી આવ્યો હતો બહાર

દીકરીના બાપને ફોન કરી કહ્યું હું બહાર આવી ગયો છું પાછી ભગાડી જઈશ થાય તે કરી લે જો અને પરિણામ ભયંકર આવ્યું- જાણો વિગત

રાજ્યમાંથી હત્યા  એને આપઘાતના બનાવો સતત સામે આવી  રહ્યા છે ત્યારે હાલ રાજકોટમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં જામીન ઉપર છૂટેલા એક 32 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. અને આ હત્યાને અંજામ એ વ્યક્તિએ આપ્યો જેની સગીર દીકરીને આ યુવક એક વર્ષ પહેલા ભગાડી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કનકનગરમાં રહેતા કોળી પરિવારની સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં જેલમાં રહેલા અને દોઢ માસ પહેલા જામીન ઉપર મુક્ત થયેલા કોળી યુવકની સગીરાના પિતા અને મેલડી માતાના ભુવાએ સાથે મળી છરી અને ઘરીયાના 20 જેટલા ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરી નાખવામાં આવી છે.

તો આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવક જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ સગીરાના પિતાને ફોન કરીને ધમકી આપતો હતો કે તે ફરીથી તેમની દીકરીને ભગાડી જશે. જેના બાદ સગીરાના પિતા સુરેશ ભાઈ અને તેમનો મિત્ર મળી અને સગીરાને ભગાડી જનાર વિજય મેરની હત્યા કરવા માટે પાંચ દિવસથી પ્લાન બનાવી રહ્યા હતા.

પોલીસ પુછપરછમાં સગીરાના પિતા સુરેશ ભાઈએ જણાવ્યું હતું કે,”પાંચ દિવસથી વિજયને મારી નાખવાની ફિરાકમાં હતો. ગઇકાલે સવારે તેની સાંજની રોજીંદી બેઠક ઉપર ચક્કર મારી રેકી કરી લીધી હતી. આજે મારી દિકરી ૧૭ વર્ષ પુરા કરી ૧૮ વર્ષની થઇને મેં મારા દુશ્મન વિજયને અવ્વ્લ મંજીલે પહોંચાડી મારી માનતા પુરી કરી !”

ત્યારે આ મામલામાં પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે વિજય મેર પોતાના ઘર પાસે કોઈને સાથે બેઠો હતો ત્યારે સગીરાના પિતા અને તેના મિત્રએ અચાનક આવીને ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દરમિયાન આ હત્યા કરી ભાગી છુટેલા કનકનગરના 42 વર્ષીય સુરેશ સવજીભાઈ સાકરિયા અને મૂળ ગોલીડાના હાલ હંસરાજનગરમાં રહેતા માતાજીના ભૂવા 29 વર્ષીય દિનેશ ઉર્ફે ભુવાજી બચુભાઈ રંગપરાને પીએસઆઈ જેબલીયા અને ટીમે વહેલી સવારે દબોચી લીધા હતા. આરોપી સુરેશની સગીર દીકરીને ભગાડી ગયો હતો અને પકડાયા બાદ જામીન મુક્ત થયો હતો તે પછી પણ વિજય સુરેશ જ્યાં મળે ત્યાં તું મૂછો નથી રાખતો, તું મારું કશું બગાડી સકીશ નહિ, હું તારી દીકરીને હજી ભગાડી જઈશ તેવી ઉશ્કેરણીજનક ધમકી આપતો હતો વિજયની ધમકીઓથી સુરેશે મનોમન નક્કી કરી લીધું હતું અને જ્યાં સુધી બદલો ન લવ ત્યાં સુધી વાળ નહિ કપાવું તેવી માનતા રાખી હતી સહ આરોપી દિનેશ ભૂવો સુરેશને 10 મહિનાથી ઓળખે છે.

વિજયને મોતને ઘાટ ઉતારી બંને આરોપીઓ બાઈક લઈને આજી ડેમ નજીક આવેલ મંદિરે પહોચી ગયા હતા અને આખી રાત ત્યાં જ સુઈ ગયા હતા પરંતુ પોલીસની ભીસ વધી ગઈ હોય અને પરિવારજનોને સકંજામાં લીધાના સમાચાર મળતા વહેલી સવારે ઘર નજીક પહોચતા જ પોલીસે દબોચી લીધા હતા.

Niraj Patel