ખબર

CM વિજય રૂપાણીનો મોટો નિર્ણય: હવે ગુજરાતમાં આટલા દિવસ મીની લોકડાઉન લંબાઈ ગયું

છેલ્લા દોઢ મહિનામાં હજારો લોકો કોવિડને લીધે મરી ગયા છે એવામાં ગુજરાતમાં કોરોના હાંફતો દેખાઈ રહ્યો છે. કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 15,198 દર્દીઓને સાજા થયા છે.

આ ઉપરાંત રાજ્યમાં આજે 2,18,513 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 10,990 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર પણ 80.04 ટકાએ પહોંચ્યો છે.

હવે વાત કરીએ એક્ટિવ કેસની તો ગુજરાતમાં હાલ કુલ 1,31,832 એક્ટિવ કેસ છે. જે પૈકી 798 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 13,1034 દર્દીઓ ની તબિયત સ્ટેબલ છે. જ્યારે 5,63,133 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યું છે. કુલ 8629 લોકોનાં મોત થયા છે. આજે ગુજરાતમાં કોવિડને લીધે 118 દર્દીનું નિધન થયું છે.

કોરોનાના વધતા જતા કેસ સામાન્ય માણસથી લઈને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યા છે. તંત્ર દ્વારા ગુજરાતના 36 શહેરોની અંદર મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુ લગાવવામાં આવ્યો હતો. જે ગઈકાલે 12 મેના રોજ પૂર્ણ થવાનો હતો, પરંતુ કોરોનાના વધતા કેસોને જોતા સરકાર દ્વારા તેની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસો ઘટાડવામાં સફળતા મેળવી છે. 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે.”

કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ 11 મે-2021 સુધી રાખવામાં આવેલો તે 12મે-2021 થી 18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

આ નવા નિયમો અનુસાર તમામ જરૂરિયાત સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે. ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.