અમદાવાદનો પરિવાર નીકળ્યો હતો દ્વારકાધીશના દર્શન કરવા, નડ્યો અકસ્માત, એક પરિવારના જ હતા 16 લોકો

અમદાવાદ : ઇસનપુર વિસ્તારમાં ગોવિદવાડી પાસે આવેલી લેકવી સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ શાહ કોરોના બાદ પરિવારજનો સાથે શુક્રવારના રોજ રાત્રે 8.30 વાગ્યાના સુમારે દ્વારકાધીશના દર્શન માટે ખાનગી મીની બસમાં પરિવાર સાથે નિકળ્યા હતા. તેમની સાથે અમદાવાદમાં રહેતા દિકરી, જમાઇ, વેવાઇ અને બહેનો મળી કુલ 16 લોકો હતા. આ દરમિયાન ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો અને તે વ્યક્તિને બચાવવા માટે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને મીની બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતને કારણે અફરા તરફીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની વિગત અનુસાર અમદાવાદથી વૈષ્ણવ-વણિક પરિવાર દ્વારકાધીશના દર્શન અર્થે જતો હતો તે જ સમયે એક વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો અને આ વ્યક્તિને બચાવવા જતા ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવ્યો હતો અને મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મીની બસ પલ્ટી ખાધેલ હાલતમાં હોવાથી થોડી વારની જહેમત બાદ આગળ-પાછળના કાચ તોડી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને ચોટીલા, થાનગઢ, વાકાનેર, કુવાડવાની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માતમાં 12 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પોંહચી હતી. જેમા અજાણ્યા વ્યક્તિ સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી.

હાઇવે વચ્ચે અકસ્માત સર્જાતા રોડ બ્લોક થઈ ગયો હતો જેસીબી મશીન દ્વારા પલટી ખાઇ ગયેલ મીની બસને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina