જ્ઞાન-જાણવા જેવું નીરવ પટેલ લેખકની કલમે

કોરોના, લોકડાઉન, બેરોજગારી, ગરીબી, સેવા, દાન અને મધ્યમવર્ગની કફોળી બનતી હાલત, જરૂર વાંચજો

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી રહ્યો છે ત્યારે આપણા દેશમાં પણ આ વાયરસે પોતાનો પગપેસારો કર્યો, સાથે જ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પહેલા દિવસે જનતા કર્ફ્યુ અને ત્યારબાદ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી, આજે 14 એપ્રિલના રોજ લોકડાઉનનો પહેલો તબક્કો પૂરો થયો અને આજે જ દેશને સંબોધન કરતા મોદીજીએ લોકડાઉનની સમય મર્યાદામાં વધારો કરીને 3 મે સુધીનું કરી દીધું. કોરોના વાયરસને હરાવવા માટે આ ખુબ જ સારું પગલું છે.

Image Source

પહેલા તબક્કાના લોકડાઉનમાં આપણે જોયું કે ઘણા લોકો બેરોજગાર બન્યા, ગરીબ લોકો જે દિવસ દરમિયાન મજૂરી કરી અને પોતાનો રોટલો રળતા હતા એ લોકોની રોજી રોટી પણ આ લોકડાઉનમાં મળતી બંધ થઇ ગઈ પરંતુ સામે ઘણા સેવાભાવી લોકો, એ લોકોની મદદ માટે પહોંચ્યા, તેમને રાશનની કીટ સાથે તૈયાર જમવાનું પણ પહોચાડ્યું. ઘણા દાતાઓ આગળ આવ્યા, આ દરમિયાન એક નવો નજારો પણ જોવા મળ્યો કે ઘણા લોકો દાન કરતા વધારે સેલ્ફી પડાવવામાં રસ હતો એ માટે થઈને પણ એમને લોકોને મદદ કરી. હશે, એમને મદદ તો કરી, એ રીતે પણ તેમને કોઈની આંતરડી તો ઠારી.

લાખો અને કરોડોમાં દાન કરનારા દાતાઓ પણ આપણને જોવા મળ્યા, બોલીવુડના સિતારાઓથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ કોરોનાની લડત માટે દેશને મોટાપ્રમાણમાં પોતાનું યોગદાન આપ્યું, જેમને પણ આ સમયે દાન આપ્યું એ સૌએ સાબિત કરી આપ્યું કે દેશના એક સાચા નાગરિક છે અને દેશને જરૂર પડે ત્યારે તે લોકો મદદ માટે આવીને ઉભા રહે છે.

Image Source

પરંતુ મારે આજે વાત કરવી છે મધ્યમવર્ગની, અમીરોએ મોટા દાન આપ્યા તો ગરીબોને મદદ મળી ગઈ, મધ્યમવર્ગના પણ ઘણા લોકોએ પોતાનાથી બનતા દાન ચોક્કસ કર્યા હશે પરંતુ આવનાર સમય તેમના માટે પણ ખુબ જ ભયાનક આવવાનો છે. મધ્યમવર્ગમાં ઘણા એવા લોકો છે જેમને કોઈ નાનો મોટો વ્યવસાય કરવા માટે લોન લીધી હશે, ઘણા એવા લોકો પણ હશે કે જેમને ઘર બનાવવા માટે લોન લીધી હશે. અને આ લોકડાઉન પૂરું થતા જ તેમના માથે હપ્તાનું ભારણ આવવાનું છે. ભલે મોદીજીએ આજે કહ્યું હોય કે નોકરિયાત લોકોનો પગાર ના કાપવો અને આવા સમયે તેમને મદદ કરવી, પરંતુ શું તમને લાગે છે કે ઘરેબેઠા લોકોને પગાર મળી શકશે? કેટલાક માનવપ્રેમી લોકો કદાચ આ કામ કરી પણ લે અને પોતાના કર્મચારીઓને પગાર પણ ચૂકવી દે, પરંતુ શું બધા જ લોકો આમ કરી શકશે?

ઘણા લોકોને તો આ લોકડાઉન દરમિયાન જ મૂંઝવણમાં આવી ગયા છે, ઘણા લોન ધારકોના હપ્તા કપાવવાના શરૂ પણ થયા છે, ઘણા પોતાની સવલત હોવાના કારણે ભરી રહ્યા છે તો ઘણા નથી ભરી શક્યા, લોન આપનાર કંપનીના કર્મચારીઓને પણ ઘરે બેઠા એવા લોકોને ફોન કરી હપ્તા ઉઘરાવવા માટેનું જણાવી દેવામાં આવ્યું છે જેના કારણે તે કર્મચારીઓ પણ લોનધારકોને ફોન ભરી અને બાકીનો હપ્તો ભરવા માટે દબાણ કરી રહ્યા છે.

Image Source

મધ્યમવર્ગના પરિવારો માથે આવી પડેલી આ મુશ્કેલીનો કોઈ ઉપાય ખરો? લોકડાઉન ખુલશે એટલે ગરીબ લોકો મહેનત મજૂરી કરી અને પોતાનું ગુજરાન પાછું ચલાવવા લાગી જશે, અમીર લોકોના વેપાર, ધંધા અને ઉદ્યોગો પાછા ધમધમવા લાગી જશે, પણ મધ્યમવર્ગનું શું? તેમના વિશે કોણ વિચારશે ?

મોટાભાગના મધ્યમવર્ગના પરિવારોના વેપાર ધંધા અત્યારે બંધ પડ્યા હશે, અને સામે પોતે ભાડે રાખેલી દુકાનનું ભાડું પણ ચઢવા લાગ્યું હશે? શું દુકાન માલિકો એ ભાડું માફ કરશે? શું એમની લોનના હપ્તા બેંક માફ કરશે? ના. આવું ક્યારેય કઈ થવાનું નથી, લોકડાઉન થયું એ ખોટું નથી, કોરોનાને રોકવા માટે આ સૌથી જરૂરી પગલું હતું, પરંતુ મધ્યમવર્ગના મારા જેવા કેટલાય લોકોનો વિચાર આવે છે ત્યારે હૈયું કંપી ઉઠે છે અને મનમાં સતત ડર રહ્યા કરે છે કે લોકડાઉન ખુલ્યા બાદ આ પરિસ્થિતિ ના જીરવાતાં કેટલાક લોકો આત્મહત્યા તરફ તો નહિ વળી જાય ને? જે કોરોનાથી જીવ બચાવવા માટે પોતાના ઘરમાં સુરક્ષિત બેઠા હતા એજ મહામારી પછી સર્જાતી સ્થિતિ માટે જીવ નહિ આપી દે ને?

Image Source

ના મધ્યમવર્ગનો માણસ આ સમયે મફતનું અનાજ લઇ શકે છે, ના રાહત માટેની કીટ, ના રસ્તે વહેંચતા ફૂડ પેકેટ. સમાજમાં મધ્યમવર્ગ એક એવું પાસું છે જે બંને વર્ગો વચ્ચે પિસાતું રહે છે, અને આ કોરોનાની મહામારીમાં પણ મધ્યમવર્ગ ખુબ પીસાઈ રહ્યો છે, પરંતુ ના તેની ચીસ કોઈને સંભળાય છે ના તેનું દર્દ કોઈને દેખાય છે.

દૂર દૂર સુધી આ મુશ્કેલીનો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો, મધ્યમવર્ગ માટે એક તરફ કોરોનાની લડાઈમાં જીત મેળવવાની છે તો બીજી તરફ માથે આવી રહેલી મુશ્કેલીઓ સામે જીત મેળવવાની મોટી મૂંઝવણ છે. કોરોના સામે લડવામાં તો પરિવાર એક બનીને ઘરમાં સાથે રહ્યો પરંતુ કોરોના બાદની સ્થિતિમાં પણ પરિવાર ઘરના મોભીનો ઉત્સાહ વધારજો, કારણ કે એ વ્યક્તિ તમને ક્યારેય કઈ કહેશે નહીં, પોતાના દુઃખને પોતે જ સહન કરી લેશે, પરંતુ તમે એ ના કહેલા દુઃખને સમજી જજો અને આવનાર સમયને સાચવી લેજો..!!

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.