જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

સુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે ડિપ્રેશનમાં? મધ્યમવર્ગ માથે મોટી મુસીબત

સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી એના સમાચાર માત્ર થોડી જ ક્ષણોમાં આખી દુનિયામાં ફેલાઈ ગયા, પરંતુ આ ડિપ્રેશનમાં સિલીબ્રીટી જ નહિ પરંતુ લાખો હજારો સામાન્ય માણસો પણ જીવતા હોય છે, પરંતુ એમની નોંધ કદાચ કોઈ ચોપડે જોવા નહિ મળે, સુશાંત તો આટલો મોટો અભિનેતા હતો, ઘણા રૂપિયા પણ તેની પાસે હતા, જેના કારણે તે ડોકટરની પણ સલાહ લઈ રહ્યો હતો એમ પણ જાણવા મળ્યું, પરંતુ એવા લોકોનું શું જેમની પાસે જીવન જરૂરિયાત માટેના પૂરતા નાણાં નથી ? તો એ ડોક્ટરની સલાહ તો ક્યાંથી લઇ શકે ?

Image Source

જો સુશાંત ડિપ્રેશનમાં ડોક્ટરની સલાહ લેવા છતાં પણ પોતાની જાતને આત્મહત્યા સુધી લઈ જવામાં રોકી ના શકતો હોય તો સામાન્ય માણસની તો વાત જ કરવી મુશ્કેલ છે. આજે સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો ડિપ્રેશનથી બચાવના લાખો ઉપાયો લોકો જણાવી રહ્યા છે, પરંતુ એ બધા જ ઉપાયો શું કારગર ખરા? હકીકત તો એજ છે કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં જીવતું હોય તેનું જ મન જાણે કે તેના ઉપર શું વીતી રહી છે.

Image Source

લોકડાઉનના કારણે ઘણું બધું બદલાઈ ગયું, આર્થિક સ્થિતિથી લઈને માનસિક સ્થિતિમાં પણ ઘણો બદલાવ થયેલો જોવા મળ્યો છે, અને તેના કારણે જ આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે, અને હજુ પણ આવનાર સમયમાં આવી ઘટનાઓ બનશે તો પણ નવાઈ નથી, કારણ કે લોકો આર્થિક રીતે જ નહીં માનસિક રીતે પણ નબળા પડતા જાય છે. આર્થિક પરિસ્થિતિને તો ચાલો કોઈપણ રીતે પહોંચી વળીશું, પરંતુ માનસિક સ્થિતિને પહોંચી વળવા માટે શું કરવું? એ ના તમને ખબર છે ના મને !!

Image Source

આ સમય મધ્યમવર્ગના લોકો માટે ખુબ જ ભારે છે, હાલમાં તેમની પાસે કામ રહ્યું નથી, ધંધો કરનારા લોકો પાસે ગ્રાહકો નથી, બજારો પણ ખાલી છે, દરેક વ્યક્તિના મનમાં કોરોનાનો ડર છે જેની અસર ધંધા ઉપર પણ પડી રહી છે, મધ્યમવર્ગના લોકો ના માંગીને ખાઈ શકે છે, ના છીનવીને. સામે બેંકની લોનોના હપ્તા ચઢતા જાય છે, વ્યાજે લીધેલા નાણાંનું બમણું વ્યાજ ચૂકવવા માટે પૈસા નથી, ઉઘરાણી વાળા અને બેંક વાળા ફોન કરી અને હેરાનગતિ કરતા હોય છે, ત્યારે માણસ ડિપ્રેશનમાં ના આવે તો બીજું થાય શું? એક તરફ પરિવારની જવાબદારીઓ હોય, બીજી તરફ માથે આવેલી મુસીબતો સામે કેવી રીતે પહોંચી વળવું તેના અસંખ્ય વિચારો ચાલતા હોય, અને તેવામાં જ માણસ ડિપ્રેશનનો શિકાર થાય છે.

Image Source

અમીર લોકો આલીશાન મહેલના એકાંતના કારણે ડિપ્રેશનમાં આવે છે તો મધ્યમવર્ગનો માણસ માથે આવી પડેલી મુસીબતોના કારણે ડિપ્રેશનમાં આવે છે અને આ બંનેવર્ગના લોકો ડીપ્રેશનમાંથી બહાર નીકળવા માટેનો એક જ માર્ગ સૂઝતો હોય છે, આત્મહત્યા !!!

Image Source

હું પણ માનું છું કે આત્મહત્યા એ ઉકેલ નથી, આત્મહત્યા કર્યા બાદ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તે આપણે સૌએ જોઈ જ છે. પરંતુ ડિપ્રેશન એવી વસ્તુ છે જે માણસને આત્મહત્યાના વિચારો કરવા માટે જ વધુ પ્રેરે છે અને ત્યારે તેને કોઈ સલાહ, કોઈ માહિતી રોકી નથી શકતી. પરંતુ હા, જયારે વક્તિ ડિપ્રેશનનો શિકાર થતો હોય ત્યારે જ તેને બચાવી શકાય છે, એકબીજાના સાથથી, હૂંફથી, પ્રેમથી.

Image Source

હું આ વિશે વધારે માહિતી આપી શકું એટલો મહાન તો નથી જ, છતાં પણ એક વાત ચોક્કસ કહીશ કે આજના લોકો ઓફલાઈન કરતા ઓનલાઇન દુનિયા તરફ વધારે વળ્યાં છે, ઓનલાઇન લોકોને ખુશ રાખી રહ્યા છે, પરંતુ ઓફલાઈન તેમની પાસે રહેલી વ્યક્તિ દુઃખી છે તે વાતનો અણસાર પણ તેમને નથી આવતો, આજના પરિવારોમાં પણ વાતચીત કરતા વધારે મોબાઈલ જ વપરાય છે. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા કરવાની થાય ત્યારે સોશિયલ મીડિયાની કોઈ એપ્લિકેશન ઉપર ગ્રુપ બનાવીને ચર્ચાઓ થતી હોય, ત્યારે તેમાં ભાવનાઓ તમને ક્યાં દેખાવવાની ? બસ શબ્દો દેખાશે, આંખોમાંથી નીતરતું એ દુઃખ તમે ક્યારેય નહીં વાંચી શકો, માટે જો તમારી આસપાસના વ્યક્તિને જો તમે ખોવા ના માંગતા હોય તો એકબીજાને સમય આપો, સાથ આપો, પ્રેમ આપો, હૂંફ આપો. શું ખબર કદાચ તમારા સમય, સહકાર અને સાઠના કારણે કોઈનું જીવન પણ બચી જાય….!!!!

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.