સાત સમુદ્ર પારથી ભરૂચમાં ફરવા માટે આવેલું દંપતી થયું ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત, મંદિરમાં કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ તસવીરો
ગુજરાત સમેત દેશભરમાં ફરીવાર લગ્નની સીઝન ધમધમી ઉઠી છે અને ઘણા બધા યુગલો પ્રભુતામાં પગલાં પણ માંડી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કેટલાક અનોખા લગ્નની ખબરો પણ સામે આવતી રહે છે. જેમાં વિદેશી દુલ્હા દુલ્હન ભારતીય યુવક અને યુવતીઓ સાથે લગ્ન કરવા માટે આવે છે અને અહીંયા આવીને તે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર ખુબ જ ધામધૂમથી લગ્નના બંધનમાં પણ બંધાતા હોય છે.
ત્યારે હાલ એક એવા લગ્નની ખબર સામે આવી છે જેણે લોકોમાં પણ અચરજ જન્માવ્યું છે. વિદેશથી આવેલા એક દંપતીએ ભરૂચની અંદર સમગ્ર હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્નના સાત ફેરા ફર્યા. આ અનોખા લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જયારે ઘણા ભારતીય લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવા પાછળ પડ્યા છે ત્યારે આ વિદેશી દંપતીના ભારતીય રીતિ રિવાજ અનુસારના લગ્ન પણ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
આ લગ્ન યોજાયા હતા રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી, ડિસ્ટ્રીક્ટ 3060ના રોટરી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આવેલા એક મેક્સિકન યુગલના. જેઓ ભરૂચમાં લગ્નના બંધનમાં બંધાયા. તેમની ઈચ્છા હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવાની હતી જેના કારણે ભરૂચમાં તેમના ખુબ જ ધામધૂમથી અને સમગ્ર હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા.
મૂળ મેક્સિકન કપલ અને હાલ ભરૂચ પ્રવાસ પર આવેલા પેડ્રો અને એરિકા ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજોથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે હિન્દુ પરંપરા અનુસાર લગ્ન કરવાની ઈચ્છા વ્યક્તિ કરી હતી. જેના બાદ રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી, ડિસ્ટ્રીક્ટ 3060ના સભ્યોએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું અને ભરૂચમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં અગ્નિની સાક્ષીએ તેઓ લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા.
પેડ્રોએ આ નિમિત્તે “આઈ લવ હિન્દુ ક્લચર” પણ કહ્યું હતું. સમગ્ર હિન્દુ રીતિ રિવાજ સાથે યોજાયેલા આ લગ્નની અંદર ગણેશ સ્થાપના, પીઠી અને મહેંદી જેવી તમામ વિધિઓ પણ કરવામાં આવી હતી. લગ્ન દરમિયાન પેડ્રો ભારતીય વરરાજાની જેમ સજ્જ થયો હતો, જયારે એરિકાએ ભારતીય દુલ્હનની જેમ લગ્નનું પાનેતર પણ પહેર્યુ હતું. લગ્ન મંડપમાં પેડ્રોએ એરિકાના સેંથામાં સિંદૂર ભર્યું અને મંગળસૂત્ર પણ પહેરાવ્યું.