ગુજરાતમાં આકાશમાં જોવા મળેલ ચમકતો પદાર્થ શું હતો ? આખરે સામે આવી જ ગઇ હકિકત

શનિવારની સાંજે ગુજરાતમાં આકાશમાં રહસ્યમય વસ્તુ જોવા મળી હતી, જે બાદ લોકોમાં રોમાંચ ફેલાયો હતો. ચેટી ચાંદના દિવસે લોકો ચંદ્રના દર્શન માટે જયારે આકાશ તરફ જોઇ રહ્યા હતા ત્યારે રમઝાન મહિનાનો ચાંદ દેખાવાનો હોઇ મોટી સંખ્યામાં લોકોની નજર આકાશમાં હતી. ત્યારે આ દરમિયાન ખૂબ જ રોમાંચિત ઘટના બની. આ ઘટનાથી લોતોમાં કૂતુહલ સર્જાયુ હતુ. સોશિયલ મીડિયામાં પણ આ સંદેશાની આપ લે શરૂ થઇ ગઇ હતી. જો કે, આકાશમાં જે દેખાયુ તે સ્પષ્ટ રીતે માલૂમ પડ્યુ નથી કે તે શું છે. પરંતુ નિષ્ણાંતો આ બાબતે માહિતીનુ આદાન-પ્રદાન કરી વધુ અભ્યાસ કરી તથ્ય જાણશે.

આકાશમાં તેજ ગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને લોકોમાં ડર ફેલાયો હતો અને સાથે સાથે કુતુહલ પણ સર્જાયુ હતુ. પ્રાપ્ત વિગતો મુજબ, સાંજે 7:30 વાગ્યાની આસપાસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એટલે કે ગુજરાતના બોટાદ, સાંતલપુર, રાધનપુર, મહીસાગર, વલસાડ, નવસારી, આણંદ સહિતના આકાશમાં ચમકતી લાઈટ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ દરમિયાનના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા. પહેલી નજરે આ વસ્તુ એવી હતી કે જાણે આકાશમાંથી તારો ખર્યો હોય અથવા તો ઉલ્કાપિંડ હોય તેવો આભાસ થયો હતો.

જો કે, નિષ્ણાતોનું એવું માનવુ છે કે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ન આવી શકે. ત્યારે હવે આ પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આવી ઘટના જોવા મળી હતી. સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરે આ બાબતે જણાવ્યું કે, તેઓ પરિવાર સાથે જદુરાથી ભુજ તરફ આવી રહ્યા હતા, ત્યારે સાંજે 7.43થી 7.46 દરમિયાન ખુબ જ પ્રકાશિત પદાર્થ પશ્ચિમથી પૂર્વ તરફ જતો દેખાયો. તેની તેજસ્વીતા શુક્ર તારાથી પણ વધારે હતી. જ્યારે તે મધ્ય આકાશે આવ્યો ત્યારે તેના કેટલાક ટુકડા પણ થયા હતા.

પૂર્વ બાજુ જેમ તે ગયો તેમ તેની તીવ્રતા પણ ઘટતી ગઇ. તેનો પ્રકાશનો રંગ ઓરેન્જ પીળો અને ત્યાર બાદ સફેદ થયો હતો. આ પ્રકાશિત પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાને કારણે લોકોએ તેની તસવીરો અને વીડિયો પણ સારી રીતે કેપ્ચર કર્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આકાશમાંથી આવીને સળગતો પ્રકાશ ગુજરાતના દરિયામાં પડ્યો હોવાની ચર્ચા છે. ભાવનગરના અલંગના દરિયા પરથી કોઈ ભેદી સળગતી વસ્તુ પસાર થતા ચકચાર મચી હતી.

આ સળગતી વસ્તુ કોઈ ઉલ્કા છે કે બીજું કાઈ તેની હજી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. ભાવનગર જિલ્લાના શિહોર, ભાવનગર, તળાજા મહુવા સહિતના પંથકમાં જોવા મળી હતી. આ સળગતી વસ્તુ તળાજા નજીકના સરતાનપરના દરિયામાં પડી હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. તો કેટલાક ભરૂચ પાસેના વાલિયા-ડહેલી વચ્ચે ઉલ્કા પિંડ પડ્યો હોવાનુ પણ કહી રહ્યાં છે. જો કે, આ બાબતે એક અમેરિકન વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આ ચીની રોકેટના ભાગો છે. અમેરિકાના વૈજ્ઞાનિક જોનાથન મેકડોવેલે ટ્વીટ કર્યું કે મને લાગે છે કે તે ચીનનું રોકેટ ચેંગ ઝેંગ 3B હતું, જે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું હતું.

આ રોકેટને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વી તરફ પાછા પડતી વખતે, વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે તેના ભાગો બળી રહ્યા હતા. કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં હાર્વર્ડ-સ્મિથસન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના વૈજ્ઞાનિક મેકડોવલે જણાવ્યું હતું કે ચીનનું રોકેટ ચેંગ ઝેંગ 3B સીરીયલ નંબર Y77 આ માર્ગ પરથી પડવાનું હતું. મને લાગે છે કે આકાશમાં દેખાતી તેજસ્વી રેખાઓ તેના બળવાને કારણે જન્મી હતી.

Shah Jina