કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

લંડનની ઊંચી નોકરી છોડીને વતનને વ્હાલું બનાવનાર આ મેર દંપતિ આજે ડેરી ફાર્મિંગ અને ઇન્ટરનેટથી કરે છે લાખોની કમાણી

નોકરીધંધાની આજના યુગની દોડધામમાં આપણે આપણી ધરોહરને કેટલી હદે વિસરી ગયા છીએ? સારા ધંધા-નોકરીની તલાશ આજે સૌને હોય છે, સ્વાભાવિક રીતે જ. એ માટે કદાચ વિદેશ જવું પડે તો પણ પેટ ખાતર તો બધું કરવું પડતું હોય છે. પણ એકવાર કોઈ પરિવારનું સંતાન વિદેશની ધરતી પર કાયમી માટે પગ મૂકે એટલે એ વખતથી જ માતૃભૂમિનો એનો વારસો લગભગ વિસરાઈ જ જતો હોય છે.

આ પરિસ્થિતીમાં આજે વાત કરવી છે પોરબંદરના મેર દંપતિની,  જેણે ઇંગ્લેન્ડમાં સારી એવી જોબ છોડીને વતન પરત ફરી બાપદાદાનો ધંધો સંભાળી લીધો! સંભાળ્યો પણ એવી રીતે કે, આજના ડિજીટલ યુગમાં ગુજરાતના હરેક યુવાન માટે, હરેક જણ માટે એક નવતર પ્રેરણા બની રહ્યો. હાલ યુ-ટ્યુબના માધ્યમથી જેની વાત ઘરઘર સુધી પહોંચી રહી છે, જેની સમૃધ્ધિ અને સંસ્કારની મીઠી ઇર્ષ્યા થાય તેમ છે એવા ભારતીબેન ખૂંટી અને રામદેભાઈ ખૂંટીની વાત વાંચીને તમે પણ કંઈક અલગ વિચારોમાં ખોવાઈ જશો એની ગેરેન્ટી! ચાલો, વાંચી લો આ મેર-મેરાણીની અનોખી જીંદગીની વાત :

ઇંગ્લેન્ડમાં સારા દરજ્જાની નોકરી છોડીને ભેંસો દોહવાનું ચાલુ કર્યું 

પોરબંદરના ઘેડ વિસ્તારની ‘મેર’ કોમ જૂના કાળથી એની મર્દાનગી, સ્વાસ્થય, સદાચાર, ભાતીગળ પોશાક સંસ્કાર અને ભવ્ય વારસા માટે જાણીતી છે. ભારતીબેન અને રામદેભાઈ આવા જ એક મેર પરિવારમાંથી આવે છે. ભારતીબેન જ્યારે સાયન્સ પ્રવાહમાં બારમા ધોરણનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે બંનેની સગાઈ થઈ. એ પછી થોડા સમય બાદ તેઓના વિવાહ થયા.

રાજકોટમાં રહીને કેટલોક સમય ભારતીબેને એર હોસ્ટેસ અને એરપોર્ટ મેનેજમેન્ટનો કોર્સ કર્યો. પછી પતિ રામદે સાથે લંડન જતા રહ્યા. પતિએ લંડનમાં ધીમે-ધીમે સેલ્સ કંપનીઓમાં કામ કરવાનું શરૂ કર્યું અને આ બાજુ ભારતીબેને એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી B.Scની ડિગ્રી મેળવી. પતિનો પૂરો સાથ મળતા ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ આરંભ્યો. એ સાથે તેમણે એમેઝોન જેવી ઓનલાઇન સેલ્સ વેબસાઇટ પર જોબ પણ આરંભી.

 

ડિગ્રી પૂર્ણ થવાને લગભગ છએક મહિનાનો સમય બાકી હતો ત્યારે આ દંપતિના ઘરે પુત્રજન્મ થયો. હવે બંને જણે વિચાર્યું કે, આ બધું છોડીને હવે તો ફરીવાર ઘેડનો પંથક જ વ્હાલો કરવો છે! ગાયભેંસના દૂઝાણાંની કાયમ ઉડતી છોળો, પોરબંદરના પાણીદાર અશ્વોની રેવાલ ચાલ, ખેતરોની વચ્ચે વાતો ટાઢોબોર સ્ફૂર્તિવાન વાયરો… આ બધા વચ્ચે બાળકનો ઉછેર થાય તો એથી વધારે રૂડું શું હોય? બંને લંડન છોડી પોતાને ગામ આવી વસ્યાં.

મૂળે રામદેભાઈના પિતાને ખેતીવાડી તો હતી જ. લગભગ પંદરેક વર્ષ સુધી તો રામદેભાઈને પણ ખેતી કરવાનો અનુભવ હતો. એટલે એમણે પિતાની સાથે ખેતીનું કામ ઉપાડી લીધું. પણ હંમેશા માટે ભણતરના એકમાત્ર ધ્યેય સાથે ઉછેરેલ ભારતીબેન માટે આ કામ કપરું થઈ પડ્યું. ભારતીબેન જણાવે છે કે, શરૂશરૂમાં તો ભેંસોના આંચળ કેમ સરખી રીતે પકડવા અને દૂધ કેમ કાઢવું એ જ ખબર નહોતી. આંચળ પકડતા અંગૂઠા અને આંગળી વચ્ચે અસહ્ય દર્દ થતું. પણ હવે અહીં રહેવું હોય તો આ તો શિખવું જ રહ્યું! આખરે પાંચેક મહિનાના સખત મહાવરા બાદ ભારતીબેને ભેંસો દોહવાનું તો શીખી જ લીધું. વધારે ભેંસો લીધી. તબેલામાં હકડેઠઠ બોલવા માંડી. રોજ સવારસાંજ સારું એવું દૂધ ઉત્પાદન થવા માંડ્યું. આજે તેઓ લગભગ ૭૦,૦૦૦ ઉપરની આવક માત્ર દૂઝાણાંમાંથી જ મેળવે છે.

યુ-ટ્યુબ ચેનલ થઈ રહી છે વાઇરલ 

આ મેર દંપતિએ એક યુ-ટ્યુબ ચેનલ પણ ખોલી છે, જેનું નામ છે – ‘Live village life with Om & family’ આજે તેના લાખો સબસ્ક્રાઇબર છે અને દરરોજ અપલોડ થતા વીડિઓમાં ઢગલાબંધ વ્યુઅર્સ મળે છે. પોતાની ગામડાની રોજીંદી જીંદગીની લાઇફસ્ટાઇલ વિશે તેઓ નિત્યક્રમે વીડિઓ અપલોડ કરતા રહે છે. ખેતરમાં થતો પાક, લણણી, ભેંસોની સંભાળ,ટ ઘોડાની દેખભાળ અને સવારી, મેર કલ્ચર વિશે માહિતી, પરંપરાગત ભોજન અને એવા અનેક વિષય વિવિધતા ધરાવતા તેમના વીડિઓ ખાસ્સી પ્રશંસાને પાત્ર બને છે. પોતાના નાનકડા દીકરાને ઓમને ઉચ્ચ દરજ્જના સંસ્કાર મળે એ તેમનો મુખ્ય હેતુ રહ્યો છે. ભારતીબેનના સસરાને જોતા તો એમ લાગે જ કે, આને કહેવાય સાચું મેરનું પાણી!

યુ-ટ્યુબ દ્વારા થતી આવક 

એક સામાન્ય નિયમ છે કે, ડિજીટલ પ્લેટફોર્મ યુ-ટ્યુબ પર તમે તમારું મૌલિક, કંઈક યુનિક, સોસાયટી માટે લાભપ્રદ કન્ટેન્ટ ધરાવતા વીડિઓ અપલોડ કરો તો ચોક્કસપણે વ્યુઅર્સ મળવાના અને સારી એવી કમાણી પણ થવાની. (અલબત્ત, એ વાત અલગ છે કે, આને માટે લોઢાના ચણા ચાવવા પડે છે! કાયમની ધીરજ અને નુકસાન વેઠવાની તૈયારી હોય તો જ આ શક્ય છે. આજે જે લોકોને એમ લાગે છે કે, યુ-ટ્યુબ એ પૈસાની ‘કોથળી’ છે – એ કાં તો અજ્ઞાનતામાં રાચી રહ્યા છે અને કાં એને આ પ્લેટફોર્મના નોલેજની જરૂર છે.)

એક વીડિઓમાં ભારતીબેન જણાવે છે કે, હાલ તેઓ યુ-ટ્યુબમાંથી દરમહિને ૧૫૦૦ ડોલરની આસપાસ કમાઈ લે છે. જો કે, તેઓની મહેનત પણ આ પાછળ જણાઈ આવે છે. દેશપરદેશથી લોકો તેમના વીડિઓ જૂએ છે અને પ્રશંસા કરે છે. ખેતી, પશુપાલન અને ડિજીટલ પ્લેટફોર્મનો ત્રિવેણીસંગમ કઈ હદે રંગ લાગે તેનો આ ઉત્તમ દાખલો છે.

આજના યુવાનોને આ બાબત પરથી એક વાતની ખાસ પ્રેરણા લેવાની જરૂર છે કે, જો બાપદાદાની સારી એવી જમીન હોય તો જેવીતેવી નોકરી કરવી એના કરતા ખેતી કરવી જ ઉત્તમ! જો કે, એ સૌ-સૌની પસંદગી પર આધાર રાખે છે. પણ જો બાવડામાં બળ હોય તો સ્વાસ્થય માટે લાભદાયક અને મન માટે હિતકારક આ બિઝનેસ જ છે.

[ માહિતી સારી લાગી હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ! ]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks