કળિયુગમાં પણ માણસને ઈશ્વરમાં શ્રદ્ધા છે, અને આ શ્રદ્ધાને ટકાવી રાખવાનું કામ પણ ખુદ ઈશ્વર જ કરે છે એટલે જ આપણે ત્યાં ઠેર ઠેર રહેલા મંદિરોમાં કોઈને કોઈ પરચાઓ મળતાં જ હોય છે. આવા જ એક પરચા યુક્ત મંદિર નડીઆદ પાસે મરીડા ગામમાં આવેલું છે જ્યાં મેલડી માતાજી નિવાસ કરે છે.

મરીડામાં બિરાજેલા મેલડી માતાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને આ મંદિર પૌરાણિક કે કોઈ ઇતિહાસ ધરાવતું પણ ના હોવા છતાં અહીંયા ભક્તોની ભીડ જામે છે, દર્શન કરીને લોકો ધન્ય થાય છે અને કહેવાય છે કે મંદિરમાં દર્શન કરવા માત્રથી જ દુઃખ અને તકલિફો દૂર થાય છે તેમજ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

મેલડી માતાજીના આ મંદિરની સ્થાપના 17 વર્ષ પહેલા એટલે કે 2003માં જ કરવામાં આવી છે, પરંતુ આ મંદિર બનવા પાછળનું પણ એક રહસ્ય છે. મરીડા ગામના જ રાજભા નામના એક વ્યક્તિને વિચાર આવ્યો કે મરીડામાં મેલડી માતાજીનું મંદિર તો હોવું જ જોઈએ, અને તેને રાજસ્થાનમાં જ કોઈ ઠેકાણે માતાજીની મૂર્તિ હોવાનો પણ સંકેત મળ્યો હતો.
મરીડા ગામ લોકોને પણ તે વ્યક્તિએ વાત કરી અને ગામવાળાને પણ આવા સંકેતો મળ્યા હોવાનું નક્કી થતા જ માતાજીની મૂર્તિ લેવા માટે રાજસ્થાનમાં આવેલા જયપુરમાં ગયા. ત્યાં જઈને જોયું તો તેમને મળેલા સંકેત અનુરૂપ જ માતાજીની મૂર્તિ ત્યાં બિરાજમાન હતી અને મૂર્તિ ઉપર કપડું પણ ઢાંકેલું હતું, મરીડા ગામના ભક્તો ઉત્સાહમાં આવી ગયા અને ત્યાંથી માતાજીની મૂર્તિ લઈને મરીડા આવવા માટે નીકળી ગયા.

મરીડા આવ્યા બાદ ગ્રામજનોએ માતાજીને ખુબ જ પ્રેમ અને ઉત્સાહથી વધાવ્યા તેમજ મંદિરનું ખાતમુહૂર્ત પણ કર્યું, વર્ષ 2003ની ચૈત્ર સુદી આઠમના દિવસે જ ખુબ જ ધૂમધામથી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ ઘણા ભક્તો રોજ આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા ગયા.
દર્શનની સાથે જ ભક્તો પોતાની મનોકામના લઈને પણ આવતા થયા અને મેલડી માતાજી તેમની મનોકામનાઓ પણ પૂર્ણ કરવા લાગ્યા અને આ રીતે જ આસપાસના ગામોમાં પણ આ વાત વહેવા લાગી, પછી તો દૂર દૂરથી માતાજીના મંદિરે ભક્તો દર્શન કરવા આવતા, પોતાની મનોકામના માંગતા અને એને પૂર્ણ થતા મંદિરના વિકાસમાં પણ પોતાનો સહયોગ આપવા લાગ્યા.

આજે આ મંદિરનું નામ ગુજરાતમાં ઘણું જ વખણાય છે, હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, માતાજી પાસે પોતાના દુઃખડા વ્યક્ત કરે છે અને માતાજી તમેને સહાય પણ કરે છે.
બોલો જય મેલડી મા!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.