ગુજરાતના વકીલોની વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું નામ ખૂબ ચર્ચામાં રહે છે અને તે છે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા. મેહુલ બોધરા અવારનવાર કાયદાને લગતા વિષયો પર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં ફરી એકવાર એડવોકેટ મેહુલ બોઘરા મેદાને ઉતર્યા છે. જેમાં તેણે એક સોશિયલ મીડિયા વીડિયો દ્વારા ગુજરાતમાં દારૂડિયા, બુટલેગરો અને ચાલી રહેલા દારૂના અડ્ડાઓને લઈ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેર તો જાણે નશાખોરોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અમદાવાદમાં નશાની હાલતમાં નબીરાઓ સૌથી વધુ અકસ્માત સર્જે છે. તાજેતરમાં જ શહેરમાં આવી જ બે ઘટના બની છે. જેમાં, નશાની હાલતમાં કાર ચાલકો અકસ્માત સર્જી કેટલાય નિર્દોષ લોકોનાં જીવ લે છે.
પ્રખ્યાત એડવોકેટ મેહુલ બોઘરાએ આ જ વિષય પર ગુજરાત પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, “પહેલા તો દારૂના અડ્ડા બંધ કરો. દારૂ જ નહીં મળે તો આવી ઘટનાઓ બનશે નહીં. બુટલેગરો પર કાર્યવાહી ન કરતી પોલીસ જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી છે. તેમજ પોલીસ પોતે જ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવે છે.પોલીસ ડ્રાઈવમાં RC બુક, વીમો કે ગાડીની લાઈટો ચેક કરવાથી અકસ્માતો અટકવાનાં નથી. જયાં કાર્યવાહી કરવાની છે, ત્યાં તો કરતા નથી. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મેટ્રો સિટીને ડેથ સિટી જાહેર કરવા જોઈએ. શહેરના તમામ સર્કલ પર એક બોર્ડ મારવો જોઈએ કે, રાત્રે 8:00 વાગ્યા પછી કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. અહીં દારૂડિયા, બુટલેગર અને ગુજરાત પોલીસ બેફામ છે. આસમાનમાંથી ઉડતું મોત તમને કચડી શકે છે…””