“જાહેર જનતાને બચાવવાના બદલે તમે બુટલેગરોને ન્યાય આપવાનો પ્રયાસ કરો છો ?” એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ… જુઓ વીડિયો

મેહુલ ભાઈએ ફરી સુરત પોલીસની આબરૂના કર્યા ધજાગરા, દારૂ પીધેલ હાલતમાં બુટલેગરોએ ખતરનાક એક્સીડંટ કર્યું, નિર્દોષને અડફેટે લીધા, હાડકાના ટુકડા થઇ ગયા – જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ દારૂબંધી છે પરંતુ છાસવારે ગુજરાતમાંથી દારૂ પકડાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં એક એવા જ મુદ્દા પર સુરતમાં પોતાની વાત બેખોફ રીતે રાખનારા એડવોકેટ મેહુલ બોઘરાએ પણ વાત કરી છે અને એક લાઈવ વીડિયો કરીને પોલીસ અને બુટલેગરોની મીલીભગત હોવા અંગે પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને મેહુલ બોઘરાને જનતાનું સમર્થન પણ મળી રહ્યું છે.

મેહુલ બોઘરા લાઈવ વીડિયોની અંદર એક હોસ્પિટલમાં બેઠા છે અને ત્યાં અકસ્માતનો ભોગ બનનારા એક વાહન ચાલકની મુલાકાત લે છે અને આખો અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે તે જણાવી રહ્યા છે. મેહુલ બોઘરા જણાવી રહ્યા છે કે બુટલેગરો એક્ટિવા લઈને દારૂની ડિલિવરી કરવા માટે જાય છે અને પછી રસ્તા પર જતા અન્ય વાહન ચાલકોને અડફેટે લેતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવી ઘટનાઓ નાથવાના બદલે તેમના પર કોઈ કાયદાકીય પગલાં લેવાને બદલે તેમને છવારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનનારા એક વ્યક્તિ લાઈવ વીડિયોમાં આખી ઘટના કેવી રીતે બની હતી તેના વિશે પણ જણાવી રહ્યો છે. અકસ્માતનો ભોગ બનનારા વ્યક્તિનું નામ છે કરણભાઇ મહેતા. જે જણાવે છે કે, “હું બુલેટ લઈને જતો હતો 30-35ની સ્પીડ પર, ત્યારે સામેથી એક્ટિવા લઈને એક વ્યક્તિ 80-90ની સ્પીડ પર આવ્યો, અને સીધી જ બુલેટની સામે નાખી દીધી.” તેમણે એમ પણ જણાવ્યું કે એક્ટિવ આખું દારૂથી ભરેલું હતું અને એક્ટિવા ચલાવનારો પણ ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતો.

વીડિયોમાં કરણ મહેતા પોતાની ઇન્જરી વિશે જણાવી રહ્યા છે અને કહે છે કે આખા પગમાં ફેક્ચર આવ્યું છે, હાડકાના ટુકડે ટુકડા થઇ ગયા છે. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ સાગર ભાઈ પણ ઘાયલ થયા હતા તેમને પણ પગમાં ફેક્ચર થયું છે અને તેમના પણ હાડકાના ટુકડા થઇ ગયા હોવાનું વીડિયોમાં મેહુલ બોઘરા બતાવી રહ્યા છે.

વીડિયોમાં આગળ તે પોલીસ પર આકરા પ્રહાર કરતા જણાવી રહ્યા છે કે આ લોકોને આટલી ગંભીર ઇજા થઇ છે તે છતાં પણ પોલીસની કામગીરી સારી નથી. મેહુલ બોઘરા ઘાયલ વ્યક્તિને પણ પૂછે છે કે પોલીસના સ્ટેટમેન્ટમાં તેમને દારૂ પીધેલી હાલતમાં હોવાનો ઉલ્લખ કર્યો છે ત્યાર બાદ મેહુલ બોઘરા FIRની કોપી બતાવે છે અને તેમાં તે બતાવે છે કે આખી FIRમાં ક્યાંય પણ દારૂનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

ઘાયલ કરણ મહેતાના મોટાપપ્પાએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તેમની સાથે પણ વાત કરતા તેમને જણાવ્યું કે અમે પોલીસને બધી જ હકીકત જણાવી હતી કે આ લોકો દારૂ પીધેલા હતા, વાહનમાં દારૂ હતો પરંતુ પોલીસે ફક્ત અકસ્માત વિશેનું જ લખ્યું. દારૂ વિશે કંઈ ના લખ્યું. આ ઉપરાંત પણ મેહુલ બોઘરાએ પોલીસની કામગીરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ બુટલેગરોને પોલીસ સાચવી રહી છે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો તે પણ લાઈવ વીડિયોમાં જ તેમને બતાવ્યું.

Niraj Patel