મહેસાણાના યુવક-યુવતિના કેનેડામાં પ્રેમ લગ્ન મામલે આવ્યો નવો વળાંક, યુવતિએ વીડિયો બનાવી કહ્યુ એવું કે…

Mehsana girl video : ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે લોકો પણ ચોંકી જાય છે. ત્યારે હાલમાં જ મહેસાણાનાં યુવક-યુવતીના કેનેડામાં લવમેરેજનો મામલો સામે આવ્યો અને આ મામલે યુવતિના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરાયો હતો. ત્યારે હવે આ બબાલમાં એક નવો વળાંક આવ્યો છે. પ્રેમી સાથે કેનેડામાં લગ્ન કરનારી ખુશી પટેલે એક વિડીયો જારી કર્યો છે, જેમાં તેણે જણાવ્યું કે તે હાલ કેનેડામાં છે અને સહી-સલામત છે અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. ખુશીનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેનો પતિ પ્રિન્સ પણ જોઈ શકાય છે.

ખુશીએ વીડિયો કર્યો જારી 
ખુશીએ વીડિયોમાં તેના પિતાને એવી વિનંતી પણ કરી કે તેના સસરાને હેરાન કરવાનું તેઓ બંધ કરે. જણાવી દઇએ કે, ખુશીએ કેનેડામાં પરિવારજનોની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કરી લીધા અને આ વાતનો ખાર રાખી તેના માતા-પિતાએ તેના સાસુ-સસરા પર રવિવારે મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ ઉપરાંત ખુશીના પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો કે કેનેડામાં ખુશીની હત્યા કરી દેવાઈ છે, અને આ જ વાત પર તેમણે વિજાપુરના બિલીયા ગામમાં રહેતા યુવક પ્રિન્સના માતા-પિતાના ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો અને ઘરમાં ઘણી તોડફોડ કરી હતી.

15 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
આ ઉપરાંત મારામારી પણ કરી હતી અને યુવકના માતા-પિતાના જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ જેમાં યુવતીના માતા-પિતા અને ભાઈ-ભાભી સહિતના બીજાનો પણ સમાવેશ થાય છે. મહેસાણાના ગવાડાની ખુશી પટેલ ત્રણેક મહિના પહેલા જ સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગઈ હતી અને તેણે ત્યાં પ્રિન્સ પટેલ કે જે બિલીયા ગામનો છે તેની સાથે લવમેરેજ કરી લીધા.

પરિવારની વિરૂદ્ધ જઇ પ્રિન્સ સાથે કર્યા લગ્ન
આઇએમ ગુજરાત સાથે વાતચીતમાં પ્રિન્સના પિતા પંકજ પટેલે જણાવ્યું કે પ્રિન્સ અને ખુશી પહેલાથી જ એકબીજાને ઓળખતાં પણ બંને અલગ-અલગ સમાજના હોવાથી ખુશીના પરિવારજનો પહેલાથી આ સંબંધની વિરૂદ્ધમાં હતા. પ્રિન્સ ખુશી કેનેડા ગઈ તે જ ગાળામાં સ્ટૂડન્ટ વિઝા પર ગયો અને બંનેએ કેનેડામાં જ લગ્ન કરી લીધા. ખુશીએ તેની મરજીથી અને પરિવારની વિરૂદ્ધ જઇ પ્રિન્સ સાથે લગ્ન કરતા ખુશીના પરિવારજનોએ આ પહેલા પણ પ્રિન્સના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો અને રવિવારે રાત્રે 15 લોકોએ ચાર વાહનોમાં પ્રિન્સના ઘરે પહોંચી તેના માતા-પિતા પર હુમલો કર્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી આપી
આ ઉપરાંત ઘરમાં ઘણી તોડફોડ પણ કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે, આ મામલો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો તો ખુશીએ વીડિયોકોલ પર પોતે સહી-સલામત હોવાનું જણાવ્યું. તે બાદ તેણે એક વીડિયો પણ જારી કર્યો, જેમાં તેણે સહી સલામત હોવાનું અને તેના પિતાને તેના સસરાને હેરાન ન કરવા જણાવ્યુ. પ્રિન્સના પિતા એટલે કે ફરિયાદી પંકજ પટેલે આઇએમ ગુજરાત સાથે વાત કરતા આગળ જણાવ્યું કે તેમના પર અચાનક હુમલો થતાં તેઓ ખેતર તરફ ભાગી ગયા પણ તેમની પત્નીને હુમલો કરનારી મહિલાઓએ ઘેરી લઈ તેમને માર માર્યો અને તેના કપડા પણ ફાડી નાખ્યા.

ઘરમાં તોડફોડ કરી
આ ઉપરાંત ડંડા અને પાઈપથી ઘરમાં તોડફોડ કરી અને વીજળીનું મીટર તોડી નાખ્યું તેમજ બારીના કાચ પણ ફોડી નાખ્યા. આ ઉપરાંત ઘરની બહાર પડેલા ટ્રેક્ટરની પણ તોડફોડ કરી હતી. જો કે, અડધી રાતે ગામમાં જોરદાર હોબાળો થયો એટલે આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો જતાં રહ્યા પણ જતાં-જતાં પણ તેમણે પંકજ પટેલ અને તેમની પત્નીને ધમકી આપી કે આ વખતે તો તમે બચી ગયા, પણ હવે નહીં બચો.

Shah Jina