ગુજરાતમાંથી અનેકવાર હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સા સામે આવે છે. ઘણીવાર અંગત અદાવતમાં કોઇની હત્યા કરી લેવામાં આવતી હોય છે તો ઘણીવાર કોઇ અંગત કારણોસર કોઇ આપઘાત કરી લેતુ હોય છે. છેલ્લા ઘણા સમયથી અનેક આપઘાતના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલ વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ તેમની બે માસૂમ દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ ઘટનાને લઇને અરેરાટી પ્રસરી ગઇ છે. આ ઘટના બાદથી પરિવાર પણ ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયો છે.
ઘટનાની વિગત તપાસીએ તો, મહેસાણાના શોભાસણ ગામે રહેતા શૈલેષ દેસાઇ તેમની 7 વર્ષિય દીકરી વિશ્વા અને 3 વર્ષિય દીકરી હેતવી સાથે બુધવારના રોજ ઘેરથી નીકળ્યા હતા અને રાન્તાઇ-બાન્તાઇ ગામની નજીક ખારાઘોડા કેનાલમાં બન્ને પુત્રીઓને સાથે રાખી ઝંપલાવી અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન નાની 3 વર્ષિય દીકરીને પાણીમાં તરતા જોઇ કેટલાકે તેને બચાવી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું.
આ ઘટનાને પગલે કેનાલમાં બીજા કોઇની લાશ હોવાની પોલિસને શંકા ગઇ હતી અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી જે બાદ કેનાલ પાસેથી શૈલેષ દેસાઇનો મોબાઇલ અને બાઇક મળી આવ્યું હતું. તે બાદ મોબાઇલમાંથી ફોન લગાવી ઓળખ કરવામાં આવી હતી. આ મામલે દેત્રોજ પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ તો પોલિસ એ બાબતની તપાસ કરી રહી છે કે શૈલેષ દેસાઇએ આપઘાત કેમ કર્યો. શૈલેષ દેસાઇના આ આત્મઘાતી પગલાથી તેમનો પરિવાર આઘાતથી સ્તબ્ધ બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, મૃતક શૈલેષ દેસાઇને 3 દીકરીઓ હતી. જેમાં બે દીકરીઓ વિશ્વા અને હેતવી અને બધામાં મોટી દીકરી મેશ્વા કે જેની ઉંમર 10 વર્ષ છે તે, મેશ્વા સ્કૂલે ગઇ હતી અને મૃતકના પત્ની ઘરકામમાં વ્યસ્ત હતા ત્યારે શૈલેષ દેસાઇ નાની બે પુત્રીઓને લઇને ચોકલેટ લેવા નીકળ્યા હતા ત્યારે કોઇ કારણોસર તેમણે આવું પગલુ ભર્યુ હતુ. જોટાણામાં શૈલેષભાઇને તેમના બહેન મળ્યા ત્યારે તેમને ત્યાં કહ્યુ કે દીકરીઓના કપડા લેવા નીકળ્યા છે અને જોટાણામાં સસ્તા મળતા હોવાથી તેઓ ત્યાં આવ્યા છે.