મહેસાણાના વિસનગર-ઊંઝા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1 બાળકનું મોત અને અન્ય 9 લોકો ઘાયલ થાય છે. ઈકો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મહેસાણાના વિસનગર-ઊંઝા રોડ પર આવેલા અરણીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં, ઇકો કારચાલકે સંતુલન ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. આથી, ઇકો કારમાં સવાર 8 થી 9 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકોએ ઇકો કારમાંથી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાવવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળે દોડી આવી હતી. અકસ્માત પાછળનું સાચુ કારણ શું છે ? તે જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.