વડોદરા મીરા હત્યા કેસમાં આ વ્યક્તિ જ નીકળ્યો હત્યારો, લગ્ન માટે પ્રપોઝ કર્યું, હત્યા કરી પોતે માથાના વાળ પણ કાઢી નાખ્યા પણ છેલ્લે

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બહેન દીકરીઓની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં સુરતનો ગ્રીષ્મા કેસ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો, જેમાં કોર્ટે આરોપી ફેનિલને હવે દોષિત જાહેર કરી દીધો છે. ત્યારે કેટલાક સમય પહેલા જ વડોદરામાં તૃષા સોલંકીની હત્યાનો કેસ સામે આવ્યો હતો, જે બાદ મીરા સોલંકીની હત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્રણેક દિવસ પહેલા મીરા સોલંકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડાના એક ખેતરમાંથી મીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલિસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

જો કે, મીરાની હત્યાનમાં જે સામેલ હતો તે સંદીપ હત્યા બાદથી ગાયબ થઇ ગયો હતો. ત્યારે હવે મીરા સોલંકી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરા શહેરના ચકચારી મીરા હત્યા કેસને નર્મદા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા મીરાના પ્રેમી સંદીપે જ કરી હતી. તેણે ચૂંદડી વડે ગળે ટૂંપો દઇને મીરાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.તે હત્યા કર્યા બાદથી વેશ બદલી નાસતો ફરતો હતો, તેણે માથાના વાળ પણ કઢાવી નાખ્યા હતા. જો કે, તેમ છત્તાં તે આખરે પોલિસની પકડમાં આવી ગયો છે.

નર્મદા જિલ્લા પોલિસ વડાએ આ કેસ મામલે જણાવ્યુ હતુ કે, ટેક્નિકલ સર્વેલન્સના આધારે સંદીપ મકવાણા વડોદરામાં હોવાની માહિતી મળતા ટીમ રવાના થઇ હતી. તેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ દરમ્યાન તેણે ગુનો કબુલ્યો હતો. આરોપી સંદીપ અને મૃતક મીરા 4 વર્ષથી સંબંધમાં હતા. સંદીપ મીરા સાથે લગ્ન કરવા માંગતો હતો તેણે લગ્નનો પ્રસ્તાવ પણ મીરા સમક્ષ મૂક્યો હતો પરંતુ મીરાએ લગ્નની ના કહી દીધી હતી.

જેથી ગુસ્સે ભરાયેલ સંદીપે યુવતીની ચૂંદડીથી ગળે ટૂંપો દઇને હત્યા કરી નાખી હતી અને લાશને કેસરપુરા વિસ્તારમાં ફેંકી ભાગી ગયો હતો. બીજા દિવસે તે લાશને જોવા માટે પણ આવ્યો હતો. હાલ તો પોલિસે આરોપીની ધરપકડ કરી છે અને ચૂંદડી પણ જપ્ત કરી છે. જો કે, યુવતીનો મોબાઇલ હજુ સુધી મળ્યો નથી. હજી પોલિસ તપાસ કરી રહી છે કે આ હત્યા પહેલાથી પ્લાન કરવામાં આવી હતી ? બંને વચ્ચે સંબંધો કેવા હતા ?

ઉલ્લેખનીય છે કે, મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને તેમાં તેણે લખ્યુ હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. જે બાદ પોલિસે સંદીપની શોધખોળ હાથ ધરી હતી અને ત્યારે જ 22 એપ્રિલના રોજ આરોપીની પોલિસે ધરપકડ કરી હતી. સંદીપ પકડાતા હવે મીરા સોંલકી હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની પૂરી શક્યતા છે.

Shah Jina