ગુજરાતમાંથી આપઘાતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક લોકો આર્થિક તંગીને કારણે તો કેટલાક લોકો માનસિક તણાવને કારણે જીવન ટૂંકાવે છે. છેલ્લા ઘણા સમયથી તો વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા બનાવ સામે આવે છે. કોઇ માતા-પિતાની રોકટોકને કારણે તો કોઇ પરીક્ષાના તણાવમાં તો કોઇ પરીક્ષામાં નાપાસ થવાને કારણે આપઘાત કરે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટની મુરલીધર કોલેજમાં BAMSનો અભ્યાસ કરતા એક મેડિકલના વિદ્યાર્થીએ આપઘાત કરી હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે. વશિષ્ટ પટેલે પરીક્ષામાં પેપર ખરાબ જતા આત્મહત્યા કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. મૃતક મૂળ સાબરકાંઠાના વાસણા ગામનો રહેવાસી હતો અને તે ત્રંબા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.

જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3002 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. વર્ષ 2022માં 7 જેટલા મેડીકલ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. રાજ્યમાં વર્ષ 2017માં 638 વિદ્યાર્થીઓએ તો 2018માં 570 વિદ્યાર્થીઓએ તો 2019માં 575 અને 2020માં 597, 2021માં 622 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હોવાના આંકડા અત્યાર સુધી સામે આવ્યા છે.