BREAKING : ગુજરાતના આ શહેરમાં જાહેર માર્ગો પરથી ઇંડા અને નોનવેજની લારી હટાવવાનો મેયરનો આદેશ ! જાણો વિગત

ગુજરાતનું રંગીલુ શહેર રાજકોટ  છે અને ઘણીવાર રાજકોટમાં એવી ઘટનાઓ બની જતી હોય છે જેને કારણે રાજકોટ ચર્ચામાં આવી જતુ હોય છે. ફરી એકવાર રાજકોટ ચર્ચામાં આવ્યુ છે અને આ ચર્ચાનું કારણ કોઇ હત્યા, ચોરી કે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ નથી પરંતુ ઈંડા અને નોનવેજની લારીઓ છે. રાજકોટના મેયર પ્રદીપ ડવે આદેશ આપ્યો છે કે ધાર્મિક સ્થળ અને જાહેર રસ્તા પર ઇંડા અને નોનવેજ વેચી શકાશે નહિ અને આ આદેશ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી છે. મેયરના જણાવ્યા અનુસાર આને કારણે શાકાહારી લોકોની લાગણીઓ દુભાઈ રહી હતી અને માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં જે નોનવેજ અને ઇંડા ખાવાના શોખીન છે તે લોકો માટે આ સમાચાર ચોંકાવનારા છે. કારણ કે મેયરના આદેશ અનુસાર હવે ઇંડા અને નોનવેજની લારીઓ હટાવી દેવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તા પર તેમજ શૈક્ષણિક અને ધાર્મિક પરિસર આસપાાસ નોનવેજની લારી ઊભી રાખી શકાશે નહિ. જો કે, આ નિર્ણયને સામાન્ય પ્રજા દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેયરના આદેશ બાદ નાયબ કમિશ્નર સ્ટાફ સાથે દબાણ હટાવવા માટે નીકળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ઘણી વસ્તી નોનવેજ અને ઇંડા ખાતી હોય છે અને તેમાં કેટલાક લોકો એવા હોય છે જે છૂપી રીતે આવી વસ્તુ ખાઇ લે અને પછી એવો દેખાડો કરે કે તેઓ નોનવેજ ખાતા નથી. ત્યારે હવે ગુજરાતના રાજકોટમાં દારૂબંધી બાદ નોનવેજ બંધી પણ થઇ ગઇ છે. જો કે, હાલ એવી કોઇ સ્પષ્ટતા થઇ નથી કે ઇંડા અને નોનવેજ કયા વિસ્તારમાં વેચી શકાશે. આ અંગે હાલ તો લોકો વિસ્તૃત ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યા છે.

હવે રાજકોટમાં આ નિર્ણય લેવાયા બાદ એવું લાગી રહ્યુ છે કે, અન્ય શહેરના કોર્પોરેશન પણ આવો નિર્ણય લઇ શકે છે. જગ્યા રોકાણ શાખા દ્વારા ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સહિતની જગ્યાએથી લારીઓ હટાવડાવી દીધી છે. તમામને હોકર્સ જોનમાં રેકડી ઉભી રાખવા સુચના અપાઇ છે. ગુજરાતમાં દારૂબંધી બાદ પણ અનેક જગ્યાએથી દારૂ ઝડપાયો હોવાના કિસ્સા સામે આવતા રહે છે અને હવે નોનવેજ બંધી એમ લાગી રહ્યુ છે કે લોકોને નોનવેજ અને ઇંડા પણ હવે બુટલેગર પાસેથી મંગાવવા પડશે.

Shah Jina