ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

માટેલમાં આવેલા ખોડિયાર મંદિર અને માટેલીયા ધરા વિશેનો રોચક ઇતિહાસ, વાંચીને કોમેન્ટમાં જય ખોડિયાર જરૂર કહેજો

ગુજરાતના મોટાભાગના ગામોમાં કોઈ દેવી દેવતાઓના મંદિર અને તેના સાથે જોડાયેલી કથાઓ જોવા મળે છે અને એમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રનું તો દરેક ગામ વીર પુરુષો અને દેવી દેવતાઓની કથાઓથી ભરેલું છે, આવું જ એક ગામ એટલે રાજકોટ જિલ્લાનું વાંકાનેર પાસે આવેલું માટેલ ગામ. જ્યાં આજે પણ ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે, તેમના હોવાના પુરાવાઓ મળે છે, તેમના પરચાઓ જોવા મળે છે, અને એટલે જ ભક્તો માતાજીના દર્શન માટે અવાર નવાર જતા હોય છે, દર્શન કરીને ધન્ય થતા હોય છે.

Image Source

માટેલ ધામનો આ ઇતિહાસ ઘણાં વર્ષો જૂનો છે. ઊભી ભેખડો ઉપર આવેલા મંદિરમાં આઈ શ્રી ખોડિયાર મા બિરાજે છે. ભેખડોના આ ઢોળાવ ચઢીને મંદિર સુધી પહોંચાય છે અને આ મંદિરમાં ચાર દેવીઓ નિવાસ કરે છે, જેમાં આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈ છે. તેમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર ઝૂમે છે અને મટાઈને ચૂંદડી પણ ચઢાવેલી હોય છે. આ મંદિરની બાજુમાં જ એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં ખોડિયાર માતાજીની આરસની ખુબ જ સુંદર મૂર્તિને પ્રતિષ્ઠા કરી બિરાજમાન કરવામાં આવી છે.મંદિરની પાસે જ એક પીલુડીનું વૃક્ષ પણ આવેલું છે જેમાં ખોડિયાર માતાજીના બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા પણ આજે અડીખમ ઉભા છે.

Image Source

ખોડિયાર માતાજીના મંદિરની સામે જ એક ઊંડા પાણીનો ઘુનો આવેલો છે જેને માટેલીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. આ ધરાની વિશેષતા એ છે કે આ ધરાનું પાણી કોઈપણ ઋતુમાં ક્યારેય ખૂટતું નથી, ધોમધખતો તડકો હોય કે પછી દુષ્કાળ જેવી પરિસ્થિતિ આ ધરાનું પાણી ક્યારેય નથી ખૂટતું, વળી આ ધરાનું પાણી ખુબ જ મીઠું છે અને ગામના લોકો આ પાણી ગાળ્યા વગર આજે પણ પીવાના ઉપયોગમાં લે છે.

Image Source

માટેલીયા ધરાની થોડે જ આગળ એક બીજો નાનો ધરો આવેલો છે જેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ધરાની નીચે ખોડિયાર માતાજીનું સોનાનું મંદિર આવેલું છે. જે આજે પણ ત્યાં જ છે પરંતુ કોઈને દેખાયું નથી, લોક વાયકા અનુસાર બાદશાહે આ મંદિરને જોવાની ઈચ્છા રાખી નવસો નવાણું કોષ પાણી ખેંચવાનું સાધન મંગાવ્યું હતું, ત્યારે ધરાનું પાણી કોષ દ્વારા ખેંચી લેવાતા ધરાની નીચે રહેલા મંદિરની ઉપર સોનાનું ઈંડુ જોવા મળ્યું હતું. આ વાતથી ખોડિયાર માતાજી કોપાયમાન થયા હતા અને તેમને ભાણેજિયા (પાણીનો હોંકારો)ને બોલાવ્યો અને આ ધરામાં એટલું પાણી ભરી દીધું કે કે નવસો નવાણું કોષ પાણીમાં પાછા ગરકાવ થઈ ગયા હતા.  માતાજીએ પોતાનું સત દેખાડીને એ સમયે પોતાના હોવાનો પરચો આપ્યો હતો. આ વાતનો ઉલ્લેખ “ગળધરેથી માજી નીસર્યા”  ગરબામાં પણ જોવા મળે છે જે ખોડિયાર માતાજી સાથે જોડાયેલો છે.

Image Source

અત્યારે માટેલ ધામમાં માટેલ તીર્થધામ પબ્લિક ચેરીટેબલ ત્રસ્ત આ મંદિરનો કાર્યભાર સંભાળે છે, માટેલ દર્શને આવતા સૌ ભાવિક ભક્તોને સારી સુવિધાઓ પણ પુરી પાડે છે એ ઉપરાંત મોટી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તોને વિનામૂલ્યે રાત્રી રોકાણ કરવાની પણ સુવિધા અહીંયા મળી જાય છે સાથે મંદિરમાં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસને વિનામૂલ્યે બે ટાઈમ જમવાનું અને સવારે નાસ્તાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. માતાજીને લાપસીનો ભોગ ધરાવવામાં આવે છે. અને ભક્તોને પણ અન્નક્ષેત્રમાં પ્રસાદના રૂપે એ લાપસી, શાક રોટલી અને દાળભાત પીરસવામાં આવે છે.

Image Source

માતાજીના આ મંદિરનો ઇતિહાસ આજે જગવિખ્યાત છે, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, ઘણાં જ ભક્તો કેટલાય જોજનો દૂરથી પગપાળા ચાલીને પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે. માતાજી દરેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.