જાણવા જેવું ધાર્મિક-દુનિયા

માતાના મઢનો જાણો ઇતિહાસ, કેમ આશાપુરા માતાજીના દર્શને આવે છે લાખો દર્શનાર્થીઓ, શું રહસ્ય છુપાયેલું છે માતાના મઢમાં?

ગુજરાતમાં સૌથી વધુ ધાર્મિક સ્થાનો આવેલા છે, અહીંયા મંદિરોની કોઈ ખોટ નથી, ગામે ગામ અને દરેક શહેરમાં કોઈને કોઈ મંદિર તો તમને મળી જ જશે. આ મંદિરોમાં ઘણા એવા મંદિરો છે જેનો એક ઇતિહાસ રહેલો હોય છે, આ મંદિરો સાથે એક કથા જોડાયેલી હોય છે અને જેના કારણે તેનો મહિમા પણ અપરંપાર હોય છે, ભક્તો એ દેવી દેવતાઓની દિલથી પૂજા કરે છે. લાખોની સંખ્યામાં એ દેવસ્થાન પર લોકો જાય છે.

Image Source

ગુજરાતના એવા જ એક મંદિર જેને લોકો “માતાના મઢ” તરીકે ઓળખે છે એના વિશે આપણે આજે વાત કરીશું. માતાના મઢમાં બિરાજમાન આશાપુરા માતાજી સૌની આશાપુરી કરનારા છે, ભક્તો પોતાની આશા લઈને માતાજીના શરણે આવે છે અને માતાજી એમને ક્યારેય નિરાશ નથી કરતાં. ચાલો જાણીએ આ મંદિર પાછળ શો ઇતિહાસ રહેલો છે.

અમદાવાદથી 426 કિલોમીટર અને ભુજથી 95 કિલોમીટરના અંતરે આવેલું આશાપુરા માતાજીનું મંદિરે દર્શન કરવા માટે ગુજરાતભરના શ્રદ્ધાળુઓ આવે છે. ઘણા લોકો કુળદેવી તરીકે મા આશાપુરાની પૂજા કરે છે અને તેમના ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શને આવતા હોય છે. ભક્તોનું માનવું છે કે મા આશાપુરા આ સ્થાન ઉપર સાક્ષાત બિરાજમાન છે અને આશાપુરા મા ભક્તોની આશાપુરી પણ કરે છે. તે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ થવા નથી દેતા.

Image Source

ગુજરાતના મોટાભાગના મંદિરો સાથે ઇતિહાસ જોડાયેલા છે તેમ જ આ મંદિર સાથે પણ વર્ષો જૂનો એક ઇતિહાસ જોડાયેલો છે.

આશરે 1500 વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડી વાણિયો જે વેપાર કરવા માટે આવ્યો હતો તે ફરતો ફરતો એક સ્થાન પાસે આવ્યો, આસો મહિનાની નવરાત્રી હોવાના કારણે જે સ્થાન ઉપર હતો ત્યાંજ તેને માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવ પૂર્વક તે માતાજીની આરાધના કરવા લાગ્યો, તેની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તે વાણિયાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે આ સ્થાન ઉપર જ તું મારું મંદિર બનાવ અને આ મંદિર બન્યા બાદ મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલતો નહિ. તે વાણિયાએ માતાજીની વાતનો સ્વીકાર કરી અને મંદિર બનાવવાનું આયોજન કર્યું.

મંદિર બની ગયા બાદ મંદિરના દરવાજા બંધ રાખી તે વાણિયો 6 મહિના પુરા થવાની રાહ જોઈને બેસી રહ્યો હતો. પાંચ મહિના પૂર્ણ થયા બાદ મંદિરની અંદરથી ઝાંઝર અને મધુર ગીત ગાવાનો આવાજ સંભળાયો. આ સાંભળી વાણિયાનું ધૈર્ય ખૂટી ગયું અને તેને મંદિરના દરવાજા ખોલી દીધા.

Image Source

દરવાજા ખોલીને મંદિરની અંદર પ્રવેશેલો વાણિયો મંદિરની અંદર જોઈને ચકિત થઇ ગયો, તેની આંખો સામે મંદિરની અંદર માતાજીની મૂર્તિનું સ્વયંભૂ નિર્માણ થઇ રહ્યું હતું, પરંતુ તેના દરવાજો ખોલવાના કારણે માતાજીની મૂર્તિનો ઘૂંટણની નીચેનો ભાગ અધૂરો હતો. વાણિયાને યાદ આવ્યું કે માતાજીએ તેને છ મહિના પછી દરવાજા ખોલવાનું કહ્યું હતું પણ ઉતાવળમાં આવી જઈને એક મહિનો વહેલા દરવાજા ખોલી નાખ્યા હતાં. વાણિયાને પોતાની ભૂલ સમજતા તેને માતાજીના ચરણોમાં પાડીને માફી માંગી. વાણિયાની સાચી ભક્તિના કારણે માતાજીએ તેને માફ તો કરી દીધો પરંતુ જણાવ્યું કે તે એક મહિનો વહેલા દરવાજા ખોલવાના કારણે મારા ચરણ પ્રગટ થઇ શક્યા નથી. મારી મૂર્તિ હવે ઘૂંટણ સુધીની જ રહેશે.

Image Source

આશાપુરા માતાજીની મૂર્તિ તેના કારણે આજે પણ ઘૂંટણ સુધીની જ છે. માતાજીની મૂર્તિ 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે. જે સ્વયંભૂ હોવાના કારણે આજે પણ તેમના ભક્તોને તેમના ઉપર શ્રદ્ધા છે. ભક્તોને સદાય આશા રહે છે કે મા આશાપુરા તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે.

વાણિયા દ્વારા એ મંદિરના નિર્માણ બાદ 550 વર્ષ પહેલા રાજાઓએ એ મંદિરનું પુનઃનિર્માણ કરી તેને ભવ્ય સ્વરૂપ આપ્યું હોવાનું માનવામાં આવે છે.

Image Source

મંદિરમાં દર્શન કરવા માટેના સમય શિયાળા અને ઉનાળા માટે અલગ અલગ છે શિયાળામાં દિવસ  હોવાના કારણે સવારે 5 વાગ્યાથી રાત્રે 8.30 સુધી અને ઉનાળાનો દિવસ લાંબો હોવાના કારણે સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધીનો હોય છે. જેમાં બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવે છે.

માતાના મઢ મંદિરની આસપાસ સુંદર પ્રકૃતિ વેરાયેલી છે. મંદિરની આસપાસ નાની નાની ટેકરીઓ અને પર્વતો પણ આવેલા છે. માતાના મઢના દર્શનની સાથે તમે કોટેશ્વર, સફેદ રણ, માંડવી, જેસલ-તોરલ સમાધિ, કલ્પ વૃક્ષ, નારાયણ સરોવર જેવા સ્થળોની મુલાકાત પણ લઇ શકો છો.

આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની ચૂંટણીના પ્રચારની શરૂઆત માતાના મઢમાં આશાપુરા માતાજીના દર્શન પછી જ કરી હતી.

Image Source

માતાના મઢનો મહિમા અપરંપાર છે. તમે પણ માતાજીના દર્શન કરીને પાવન થશો, મા આશાપુરા તમારી સૌની મનોકામના પૂર્ણ કરશે. જય આશાપુરા મા