ખબર

ત્રીજું નોરતું માતા ચંદ્રઘંટાનું : દેવીનું આ સ્વરૂપ તત્કાળ ભક્તોની ઇચ્છા પૂરી કરવા માટે જાણીતું છે! વાંચો માતાની પૂજા અને યુધ્ધમગ્ન રૂપ વિશે

નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને નામે છે. નવદુર્ગાનાં આ ત્રીજા સ્વરૂપની આજે પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટા દેવી પાર્વતીનું જ રૂપ છે. આજે જાણીશું માતાનાં શૌર્યયુક્ત રૂપ વિશે અને સાથે એ પણ જાણીશું કે માતાની પૂજા કરવાથી સાધકને શું ફાયદો થાય છે? :

રણઘેલી મુખમુદ્રા અને સિંહ પર સવારી —

માઁ ચંદ્રઘન્ટાનું આ રૂપ શૌર્યનું પ્રતીક છે. સિંહ પર સવાર દસ ભૂજાવાળી દેવી ચંદ્રઘન્ટાનું મુખ અસુરોને હણવાને સદાય તત્પર રહે તેવું ક્રોધાયમાન દીપી રહ્યું છે. એને દસ હાથ છે. ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવાં હથિયારો માતાએ ધારણ કરેલાં છે. એ સાથે કમળ અને કમંડલ પણ તેમના હાથોમાં શોભે છે. માથે રત્નજડીત મુગટ છે તો ગળામાં શ્વેત પુષ્પમાળા રહેલી છે.

શા માટે કે’વાણી ચંદ્રઘંટા? —

નવદુર્ગાનું આ સ્વરૂપ ‘ચંદ્રઘંટા’ કહેવાય છે તેની પાછળનું એક કારણ છે. દેવીના મસ્તિષ્ક પર ઘંટાના આકારમાં ચંદ્ર રહેલો છે. આથી, તેનું નામ ‘ચંદ્રઘંટા’ પડ્યું છે. માતાનું શરીર અનન્ય આભાયુક્ત સોના જેવી કાંતિ ધરાવે છે.

શીઘ્ર ફળ આપનાર —

દેવીનું આ રૂપ ભયાનક છે, રૌદ્ર છે, આસુરી શક્તિઓનો સંહાર કરવાને હંમેશા તૈયાર છે. આ રૂપમાં જગદંબાએ અસુરોનો ખાત્મો બોલાવીને દેવતાઓને તેનો ભાગ મેળવી આપ્યો હતો. માતાની ભક્તિ કરવાથી વીરતાનો સંચાર થાય છે. અભયદાનની પ્રાપ્તિ માતાનું આ રૂપ કરાવે છે. કહેવાય છે, કે ચંદ્રઘન્ટા દેવીની સદાય તત્પરતાની મુદ્રાને લીધે તેઓ ભક્તોનાં દુ:ખ પણ ત્વરીત પામી જાય છે અને દૂર પણ કરે છે.

આ સમયે સાવધાની રાખીને સાચવી લેવો —

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરતા સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં સ્થિત થાય છે. એ વખતે સાધકને કંઈક અદ્ભુત શક્તિઓની અનુભૂતિ થવા માંડે છે. પૂર્વે કદી ન અનુભવી હોય તેવી સુગંધનો અનુભવ થાય છે અને રણકાર જેવા ધ્વનિઓ સંભળાય છે. આ પળ સાચવવી અઘરી છે. આ પળે સચેત અને સાવધ રહેવું જરૂરી છે.

વ્રજ જેવું કઠોર, કુસુમ જેવું કોમળ! —

અગાઉ વર્ણવ્યું તેમ માઁ ચંદ્રઘન્ટાનું રૂપ શૌર્ય અને સંહારનું પ્રતિક છે. પણ ભક્તો માટે તે એટલું જ સૌમ્ય અને કોમળ છે. તે શિતળતા અર્પનારું છે. માતાના યુધ્ધરત દેખાવનો ફાયદો પણ છે : ભક્તમાં સિંહ જેવી શૌર્યતાનાં બીજ રોપાય છે. ગમે તેવી વિકટ સ્થિતીમાં પણ તે પાછો ના જ પડે!

આ પ્રકારની સ્ત્રીનું પૂજન કરવું —

ત્રીજે નોરતે શ્યામવર્ણી અને મુખ પર તેજ હોય તેવી પરિણીત સ્ત્રીનું પૂજન કરવું. ભોજન તરીકે દહીં અને હલવા જેવી વાનગીઓ ખવડાવવી. વિદાય વખતે મંદિરની ઘંટી અને કળશ ભેટમાં આપવો જોઈએ. દેવી ચંદ્રઘંટા પૂજા વખતે લાલ ફૂલ અને ખીરનો ભોગ ચડાવવો.

આ મંત્રોનો જાપ જરૂરથી કરવો —

पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता |
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता ||

અને…

या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

જય હો માતા ચંદ્રઘંટા!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App