લેખકની કલમે

“મશીન નહિ…મન બગડ્યું છે…!!!” – દીકરો હોવા છ્તાં વાંઝિયાપણું અનુભવતા એક વૃદ્ધ પિતાની વેદના…….!!! વાંચો તમારી આંખોનો પણ એક ખૂણો ભીનો થઈ જશે એવી લાગણીભરી કહાની છે….

“મશીન નહિ…મન બગડ્યું છે…!!!”

  • “ઈશ્વરથી પણ અધિક છે, માત પિતા ધરતી ઉપર.
  • સમજી સર્વેસ્વર એમને, એમની જ સેવા તું કર.
  • ઉપરવાળો પણ પછી, રાજી થઈ જશે તારાથી,
  • અને આશિષ અર્પિ તને, જીવન કરશે સધ્ધર…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

“સારું ચલો બાપુજી, અમે હવે સુરત જવા નીકળીએ. અમારી ટ્રેન નો સમય થઈ ગયો છે…”
“…અને સાંભળો, ગામની બેંકમાં તમારું ખાતું ખોલાવી દીધું છે. જેમાં તમારા ખર્ચા પાણી માટે હું સુરતથી દર મહિને તમારા ખાતાં બે હજાર રૂપિયા નાખીશ. તમે અહીંથી જરૂર પડ્યે એમ ઉપાડી લેજો…લો આ બેંકની પાસબુક એ સાચવીને રાખજો…”

દીકરો એના પિતાજીને સુરત જતા પહેલા જાણે છેલ્લી ટકોર કરી રહ્યો હતો. જતા દીકરાને દુઃખ ન પહોંચે એ આશયે હવે પછી ઘરડા ઘડપણ આખા ઘરમાં એકલો અટૂલો રહેનાર, જુવાન જોધ દીકરો હોવા છતાં હવે પછી નિરાધાર બનનાર એ વ્યક્તિ પોતાના આંસુ મહામહેનતે રોકી રહ્યો હતો. પણ એનું અંતર મન પોક મૂકીને ભીતરજ રડી રહ્યું હતું.

નાનપણમાં જે દીકરો એની પાસે જીદ કરીને પણ જે કાંઈ કહેવું હોય એ પિતાને કહી શકતો હતો એ વૃદ્ધ પિતા આજે પોતાને છોડીને જઇ રહેલા દીકરાને કહી નથી શકતો કે…
“બેટા, ઘરમાં એકલાને મને કેમ ફાવશે… મને પણ તારી સાથે લઈ જા. હું તને ક્યાંય અડચણરૂપ નહિ બનું. ઘરના એક ખૂણામાં પડ્યો રહીશ…

અને એ ભાઈની પત્નિ સુરત જવા તૈયાર થઈને સામાન સાથે આવી અને કહેવા લાગી… “હવે જલ્દી કરો… આપણે લેટ પડીશું તો ગાડી છૂટી જશે… હવે કેટલી ભલામણ કરશો…!!!”

પત્નીના હુકમભર્યા ફરમાનથી એનો પતિ પોતાના પિતાને મૂકી જવા તૈયાર થઈ ગયો અને પતિ પત્ની પોતાના ઘરડા પિતાને ઘરમાં પરિવાર હોવા છતાં પરિવાર વિહોણા મૂકી સુરત જવા રવાના થયા…
દીકરાની સામે કઠણ હૃદયે રોકી રાખેલા આંસુનો ભાર ઘરેથી જતા રહેલ દીકરાની ગેરહાજરીથી જાણે મહાસાગર બની આંખોથી છલકાઈ ઉઠ્યો… પોતાની મૃત પત્નીના ફોટા સામે ચોધાર આંસુએ રડતા રડતા એ વૃદ્ધ જાણે એની પત્નીને કહી રહ્યો હતો કે…

“જોયું તે… પહેલા તું મને છોડીને સદા માટે ચાલી ગઈ. અને આજે આપણો દીકરો… તું જ કહે મને એકલાને આવડા મોટા ઘરમાં કેમ ફાવશે…!!! આખું ઘર મને કરડવા દોડશે… હું ક્યાં જાઉં… યુવાનીના મદ માં આપણો દીકરો એ પણ ભૂલી ગયો કે એને ઉછેરવા આપણે કેટકેટલા ઉજાગરા કર્યા છે…”

અને મોડી રાત સુધી પોતાના નસીબને કોષતો એ વૃદ્ધ પથારીમાં પડખા ઘસતો સુવાનો પ્રયત્ન કરે છે પણ પણ દીકરાના વિરહની સો વીંછી કરડવા જેવી વેદના હતી તો એને ઊંઘ ક્યાંથી આવે…
બીજા દિવસે સવારે દીકરો અને એની વહુ સુરત પહોંચી ગયા હતા. આ બાજુ ગામડે એનો પિતા ઘરમાં એકલો અટૂલો જાણે દિવાલો થી અથડાતો હતો. કરે પણ શું બિચારો. હવે એકલતા ની ટેવ પાડ્યા સિવાય એને છૂટકો પણ ક્યાં હતો.

દિવસો પસાર થતા ગયા. દર મહિને દીકરો સુરતથી એના પિતાજીના ખાતામાં બે હજાર રૂપિયા નાખતો. અને એ વૃદ્ધ પોતાના ખર્ચ માટે એમાંથી પૈસા ઉપાડવા બેંકની લાઈનમાં ઉભો રહેતો. દીકરાના ગયા પછી એક પણ દિવસ એવો નહોતો ગયો કે એ વૃદ્ધ ઘરમાં બે ચાર વાર પરિવારની યાદમાં રડ્યો ન હોય…

શરૂઆતના ચારેક મહિના તો દીકરાએ નિયમિત મહિનાના આખરે પૈસા મોકલ્યા પણ શહેર ની ઝાકમઝોળ અને વધુ કમાઈ લેવાની ભાગદોડ તેમજ પત્નિ ની સમીપતામાં ગામડે રહેલા એના પિતા એના સ્મૃતિપટ માંથી ધીરે ધીરે ભૂંસાવા લાગ્યા. જેમના થકી એનું આ દુનિયામાં અવતરણ થયું એ પાલક પિતાને પણ પોતાની નિજી જિંદગીની વ્યસ્તતામાં એને વિસારે પાડી દીધા.
વૃદ્ધ દર મહિનાની જેમ આ મહિને પણ બેંકમાં પૈસા લેવા લાઈનમાં ઉભા હતા. એમનો નંબર આવ્યો અને બેન્ક કેશીયરે એ વૃદ્ધ ને જે કહ્યું એ એના હૃદય સોસરવું ઉતરી ગયું…

કેશિયર બોલ્યો… “દાદા, તમારા ખાતામાં પૈસા નથી આવ્યા…” અને વૃદ્ધને આઘાત લાગ્યો. કેશિયારના શબ્દો પર જાણે એમને વિશ્વાસ ન આવતો હોય એમ વૃદ્ધ બોલ્યા…

“સાહેબ, તમે સરખું ચેક કરો ને… કદાચ તમારી કોઈ ભૂલ થતી હશે… મારા દીકરાએ પૈસા મોકલ્યાજ હોય…”

મહામુસીબતે બેન્ક કેશિયર એ વૃદ્ધને સમજાવી શક્યા કે ખાતામાં પૈસા નથી આવ્યા… વૃદ્ધ નિરાશ થઈ ઘેર પરત ફર્યા… આગલા મહિનાના બચેલા થોડા ઘણા પૈસામાંથીજ હવે એને આખો મહિનો ગુજારો કરવાનો હતો. તાણી તુશીને એને આખો મહિનો મામૂલી મૂડી માંથી ખેંચ્યો. અને બીજા મહિને દર વખતની જેમ એ બેંકમાં પૈસા લેવા માટે ગયા. પણ આ વખતે પણ કેશિયરનો એજ જવાબ…
મ્હાવ્યથાના મહાસાગરમાં ડૂબતું એનું રડતું હૃદય અને આંસુથી ઉભરાઈ આવેલી આખો વાળો વિહવળ ચહેરો જોઈ ત્યાં ઉભેલા સૌના હૃદય દ્રવી ઉઠ્યા.

અને રડતા રડતા જ એ વૃદ્ધે કેશિયરને કહ્યું …
“સાહેબ, ચોક્કસ તમારું મશીન બગડ્યું લાગે છે… મારા દીકરાના પૈસા કેમ મારા ખાતામાં આવતા નથી…???”

ત્યારે એ કેશિયર મોઢે થિતો નહિ પણ મનોમન જાણે એ વૃદ્ધને જવાબ આપી રહ્યો હતો કે…

“દાદા, મશીન નથી બગડ્યું પણ તમારા દીકરાની માનસિકતા બગડી છે… અને બગડી છે એની દાનત… નહિતર આમ આ પાકટ વયે તમે યુવાન દીકરો હોવા છતાં “વાંઝિયા” ન હોત અને આમ દરદરની ઠોકરો ન ખાતા હોત…”

● POINT :- અપાર યાતનાઓ વેઠી માતા પિતા પોતાના સંતાનને શુ એટલા માટે મોટા કરે છે કે એ મોટા થઈ એટલી ઊંચાઈ પર પહોંચી જાય કે ત્યાંથી એમને માત પિતા જેવા ભગવાનથી પણ અધિક ઉપકારી,જન્મદાતા અને જીવનદાતા એવા પ્રાણદાતા પણ નજર ન આવે…!!! આજના સમયની સૌથી મોટી વિચારણીય બાબત છે આ…

Author: GujjuRocks – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.