દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

વાંચો એક શિક્ષક અને તેમની વિદ્યાર્થીનીની આંખો ભીની કરી જાય એવી વાર્તા – “મસાલાવાળી આદુ અને તુલસીની એ કડક ચા”

અને પરશોતમભાઈ એકદમ ટેન્શનમાં આવી ગયા જયારે રીશેષમાં એને કહેવામાં આવ્યું કે, “દાસભાઈ તમારો પ્રિસાઈડીંગનો ઓર્ડર આવ્યો છે” વાઘેલાએ એને કીધું અને દાસભાઈએ વાત કાને ના ધરી. એને એમ હતું કે વાઘેલા મજાક કરે છે પણ જયારે વાઘેલાએ એના હાથમાં ઓર્ડર મુક્યો ત્યારે એના રીતસરના હોંશ ઉડી ગયા હતા. દિલમાં જબરદસ્ત ગડમથલ અને ચિંતાના ઉમટેલા ભાવોને એ ચહેરા ઉપર લાવ્યા વગર એ બોલ્યાં.

“આમ તો નિયમ છે કે જેને નોકરીના બે વરસ બાકી હોય એને ચૂંટણીમાં પ્રિસાઈડીંગ તરીકે ઓર્ડર ના આપવો જોઈએ, કદાચ ભૂલમાં તો ઓર્ડર નહિ નીકળ્યો હોયને?? એય રાઠોડ જયારે તાલુકાવાળાએ કર્મચારીની યાદી માંગી ત્યારે રીમાર્કસમાં લખ્યું તો હતુંને કે મજકૂર કર્મચારીને નોકરીમાં નિવૃત્તિને બે વરસ જ બાકી છે!” પરશોતમભાઈ હાથમાં રહેલા ચૂંટણી ફરજ નિયુક્તિના ઓર્ડરને એ રીતે જોઈ રહ્યા હોય જાણે હાઈકોર્ટ તરફથી ધરપકડનું વોરંટ ના આવ્યું હોય!!

“આમ તો નિવૃતિના બે વરસ બાકી હોયને ત્યારે પગાર પણ બંધ કરી દેવો જોઈએ.. જે ચૂંટણીમાં કામ કરી શકે એને જ પગાર આપવો જોઈએ” કાકડિયાએ માવો ચોળતા ચોળતા કહ્યું.પરશોતમભાઈએ એની સામે જોયું એને આ સાત વરસથી ખબર નહોતી પડતી કે કાકડિયાને એની સામે શું વેર હતું?? દર વખતે કાકડિયા કડવી કાકડીની જેમ કડવાશ જ ઓકતો હતો.

Image Source

બીજે દિવસે જ પરશોતમભાઈએ તેને જેટલા છેડા હતા એ બધા લગાવી જોયા. બધાજ જેક પણ જેટલા આંટા ચડે એટલા ચડાવી જોયા પણ કલેકટર સાહેબ બહુ કડક છે.કોઈ એક નો પણ ઓર્ડર કેન્સલ થયો હોય તો મને કહો હું તમારો ઓર્ડર કેન્સલ કરાવી દઉં!! સાહેબ કોઈના ઓર્ડર કેન્સલ નથી કરતા કારણકે સ્ટાફની ઘટ છે આવા ઠાલા આશ્વાસનો સિવાય પરશોતમદાસને કશું જ ના મળ્યું. પછી પરશોતમભાઈએ માંડી જ વાળ્યું અને મનમાં નક્કી જ કરી લીધું કે કોઈની ઓશિયાળ હવે કરવી જ નથી જેવા પડશે એવા દેવાશે!!

પેલી મીટીંગમાં એ સહુથી આગળ બેઠાં. જે તાલીમ આપવાવાળા હતા એ તાલીમ લેતા હોય એમ લાગ્યું. તાલીમ આપવાવાળામાં કાઈ કાઢી લેવાનું નહોતું એમ પરશોતમભાઈને લાગ્યું. સહુ પ્રથમ તો વિવીપેટ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની વિસ્તૃત સમજ મેળવી લીધી. પ્રિસાઈડીંગ ઓફિસરની પુસ્તિકા પણ પુરેપુરી વાંચી નાંખવી એમ નક્કી કર્યું. બીજી મીટીંગમાં સીલીંગ શીખી લીધું. વૈધાનિક અને બિન વૈધાનિક કવરીયા આગલી રાતેજ કેમ તૈયાર કરવા એ શીખી લીધું. ઘણાં મિત્રો એમને માર્ગદર્શન આપવા તૈયાર હતા.

Image Source

“હવે બધું સહેલું થઇ ગયું છે. મોક્પોલમાં ધ્યાન એટલું રાખવાની કે એ પતી જાય પછી સત્તાવન કાપલી કાઢી લેવાની અને કાળા કવરમાં પેક કરીને એક એક પ્લાસ્ટીકના બોકસમાં મુકવાની પણ એ પહેલા એની પર મોક્પોલનો સિક્કો મારવાનો છે. જે જે મિત્રો સલાહ આપે એ એ અલગ નોટબુકમાં પરશોતમ દાસ લખી લેતા. એ એકદમ ગંભીર બની ગયા હતા. જોકે પરશોતમદાસ જરાક જેટલા આઘાપાછા થાય એટલે એના ઓળખીતા મિત્રો પાછળથી એની અણી કાઢવાનું ચુકતા નહિ.. “સાલો વેદિયો..”…. “એકદમ આઈ એસ ઓ ૨૦૦૯ બ્રાન્ડનો ઓરીજનલ પંતુજી છે” એવા એવા વાક્યોથી નવાજીને એની ઠેકડી ઉડાડાડવાનો સિલસિલો યથાવત રહ્યા. આગલા દિવસે એ વહેલી સવારે બસમાં બેસીને એક દુરના તાલુકામાં ગયાં.આઠેક વાગ્યે એમને સ્થળ આપવામાં આવ્યું. ભાલ પંથકનું એક અંતરિયાળ ગામડું એને નસીબમાં આવ્યું હતું. આઠસો જેટલું વોટીંગ હતું. પોતાની ટીમના સદસ્યો એણે ફોન પર ફોન કરીને શોધી લીધા.

મનમાં આશા હતી કે કોઈ સાથી કર્મચારી હોંશિયાર હોય તો એનો બેડો પાર થઇ જવાનો હતો. કોઈ યુવા અને ઉત્સાહી શિક્ષક જો પ્રથમ મતદાન અધિકારી તરીકે આવી જાય તો સગવડ રહે એમ હતું. પણ એની એ છેલ્લી આશા પણ ઠગારી નીવડી. એને મળેલા કર્મચારીઓમાં એક પોસ્ટ વાળો હતો અને એક વીમા વાળો હતો. ચાલીશ વરસના એક બહેન પણ હતા. પેલા બે જણાએ તો કહ્યું કે બને પહેલી વાર છે. બધું સાહિત્ય લેવાઈ ગયું અને બસની રાહ જોતા હતા ત્યાં બીજો મતદાન અધિકારી એની પાસે આવ્યો જે વીમામાં કામ કરતો હતો. એણે એક કાગળ પેન કાઢીને પરશોતમદાસ પાસે બેઠો. દાસજી ને એમ હતું કે એ હમણા કંઇક ચૂંટણીને લગતી બાબતો શીખવાડશે પણ પેલા એ વિમાનું શરુ કર્યું.

“તમારે માટે આ ત્રણ સ્કીમ છે. આમાં આટલા ભરો તો આટલા મળે.. આમાં આટલા કપાવવાના તો આટલો બેનીફીટ..અને આ ત્રીજી તો અદ્ભુત યોજના છે..આમાં થોડા થોડા કપાવવાના અને વધારેમાં વધારે લઇ લેવાના” પરશોતમદાસ ને દાઝ ચડી પેલાને રીતસરનો ઉધડો લઇ લીધો.

“ પ્રિસાઈડીંગ ઓફિસરનો કોઈ વીમો છે?? એવો કોઈ વીમો છે કે જેમાં પ્રિસાઈડીંગ ઓફિસર ભૂલ કરે અને નોકરી જાય અને પેન્શન પણ નો મળે એવી સ્થિતિ આવે તો વીમાવાળા એને બધો જ પગાર આપે જે એને મળવાપાત્ર હોય?? પેન્શન પણ મળે એવી કોઈ યોજના છે તો બોલ બાકી આ તારો બકવાસ બંધ કર્ય!! એક તો ટેન્શનનો પાર નથી અને એમાં તું આ વિમાની ગાંસડી ખોલીને અહી મને પટાવવા બેઠો છે.. કાંક વિવેક જેવું છે?? ભલાદમી પરિસ્થિતિ તો જોતો હો” અને પેલો રીતસરનો ડઘાઈ જ ગયો!! જેવું તેવું જમવાનું પૂરું કર્યું.. અને બસમાં ગોઠવાયા..”રૂટ નંબર ૧૭” અને બસ ઉપડી. બાજુમાં જ એક પોલીસકર્મી બેઠો હતો. એ મોબાઈલમાં જુના ગીતો વગાડી રહ્યો હતો. ગીત પણ પ્રાસંગિક વાગતું હતું.

“ દિલમે ઉઠાકે પ્યાર ક પૈગામ લે ચલે”
આજ હમ અપની મૌતકા સામાન લે ચલે”!!

પરશોતમદાસજી એ આંખો બંધ કરી લીધી.પોતે તાલીમમાં શીખેલા એ બધું યાદ કરવા લાગ્યા… “વિવીપેટ મશીન બીયુ અને સીયુંની વચ્ચે આવે!!” “મોકપોલ સવારે છ વાગ્યે શરુ કરવાનો”… “૧૭ ક અને બીયુના ટોટલનો સરવાળો એક હોવો જોઈએ” “મતદાન પૂરું થાય એટલે ક્લોઝનું બટન દબાવી દેવાનું અને વીવીપેટમાંથી આ વખતે બેટરી કાઢી લેવાની છે” બસ ભાલના રસ્તે ચાલતી હતી અને પરશોતમદાસજીના મગજમાં આખી તાલીમ ચાલતી હતી.

Image Source

ધોમધખતા ઉનાળામાં છેલ્લે એક ગામમાં બસ ઉભી રહી.પટાવાળા અને સ્ટાફ સાથે દાસજી મતદાન મથકમાં ઘુસ્યા.શાળાનું પરિસર સારું હતું. બુથની પડખે જ ટોઇલેટ અને બાથરૂમ સારી હાલતમાં હતા. બુથની ઓશરીમાં જ આઠેક ગાદલા અને ઓશિકા પડ્યા હતા એનો કબજો પળવારમાં જ પોલીસવાળાએ લઇ લીધો!! પંખા શરુ કરીને બે જણાએ ટેબલ ગોઠવ્યા. એક જગ્યાએ મતકુટીર બનાવી. પરશોતમદાસજીએ રૂમના મધ્યભાગમાં બધા જ ક્વરીયા પાથરી દીધા અને પોતે બેસી ગયા. ગામડાગામમાં જયારે આણું પાથર્યું હોય એવું દ્રશ્ય ઉભું થયું. પેલા બહેન પણ આવી ગયા અને દરેક કવર પર સિક્કો મારવા લાગ્યા.

“લ્યો સાબ ચા લ્યો” પટાવાળાએ આગ્રહ કર્યો.
“ ડાયાબીટીશ છે એટલે હું નથી પીતો” મતદાર કાપ્લીઓમાં સહી કરતા કરતા ઊંધું ઘાલીને દાસજીએ જવાબ આપ્યો.
“ અરે આ ચા પેશ્યલ છે પેશ્યલ સાહેબ,, સરપંચના ઘરની ચા છે, એક વખત પી લો પછી કહેજો.. આખા દુધની ચા છે આખા દુધની” એમ કહીને રકાબીમાં ચા આપીને પરશોતમદાસ આગળ મૂકી. ચામાંથી એક વિશિષ્ટ પ્રકારની સુગંધ આવી રહી હતી. પરશોતમદાસજીને ચાની સુગંધ ગમી. એણે રકાબી હાથમાં પકડી અને એક ઘૂંટ ભર્યો અને દિલ તરબતર થઇ ગયું!! આદુ તુલસી નાંખેલી એ ચા એના ચિતને આકર્ષી ગઈ!! ચા સાથેનો એનો સંબંધ એના મગજના તારને ઝણઝણાવી રહ્યો હતો!! ચા માં કશુંક એવું તત્ત્વ હતું કે જે એને બેચેન કરી રહ્યું હતું. એણે અચાનક જ પ્રશ્ન કર્યો.

Image Source

“ વાહ ખુબ સરસ છે ચા.. કોણ છે તમારા સરપંચ??”
“ લીલાબેન…!! પણ સાબ ચા કેમ?? આટલા પંથકમાં અમારા સરપંચ લીલાબેનના હાથની ચા વખણાય છે!! ગામમાં લીલાબેનનું કામ પણ વખણાય છે. એના ઘરેથી હસુભાઈને તો પક્ષઘાતનો સહેજ આંચકો આવી ગયો હતો. માંડ માંડ ઈ ચાલી શકે છે.પેલા ઈ જ સરપંચ હતા. પણ પછી ગામે જ નક્કી કર્યું કે સરપંચ તો લીલાબેન જ થશે. સમરસ પંચાયત છે અમારા ગામમાં.. પેલા આ ગામની ગણતરી એક માથાભારે ગામ તરીકે થતી પણ લીલાબેન પરણીને આવ્યા પછી બે જ વરસમાં આ ગામ આખું શાંત થઇ ગયું. ઘણી બધી લાંબી વાત છે. હું તમને રાતે કહીશ સાબ”!! પટાવાળો બોલતો જતો હતો.. પણ પરશોતમદાસજી એનાં ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા!! લીલા… કડક મીઠી અને આદુ તુલસી વાળી ચા પરશોતમદાસને ભૂતકાળમાં લઇ ગઈ!! શરૂઆતની નોકરી અને કદંબગીરીની બાજુમાં આવેલ એક નાનકડું ગામ!! પરશોતમદાસજી ને અચાનક જ બધું યાદ આવી ગયું.. એ લીલા.. એની સમજ શક્તિ!! એ નિશાળનું ઘરેણું!! એ લીલા અત્યારે આ ગામની સરપંચ!! જે છોકરી ભણતી ભણતી કોઈ શિક્ષક્ની ગેરહાજરીમાં આખુ ધોરણ સંભાળી લેતી હોય એ મોટી થઈને આખા ગામને સંભાળી શકે જ ને!! દાસજી ચૂંટણીનું ટેન્શન ભૂલીને ભૂતકાળમાં ગરકાવ થઇ ગયા!!

પરશોતમદાસ નારણદાસ!!

બાવીસ વરસની વયે શિક્ષક તરીકેની નોકરીમાં શેન્ત્રુજી કાંઠાના એક ગામડામાં લાગેલ. ગામ નાનુય નહિ અને મોટુંય નહિ!! પગાર સાવ ઓછો એમ બળતરા પણ ઓછી જ!! નોકરીના એક વરસ પછી એના લગ્ન થયા અને સપરિવાર એ ગામમાં જ રહેવા લાગ્યા.. બે ત્રણ વરસ વીત્યા હશે ને ગામમાં એક છેવાડાના ઘરમાં ઘટના બની. પતિ પત્નીને કોઈ બાબતમાં કંકાસ થયો. પત્નીને લાગી આવ્યું અને ખરા બપોરે ઘરમાં કેરોસીન છાંટીને પત્ની સળગી ગઈ.. એની ત્રણ વરસની છોકરી આ જોઇને બેભાન જેવી થઇ ગઈ.આડોશી પાડોશી આવ્યા.. આવેશમાં આવીને પગલું ભરી લીધું હતું એમ તે સ્ત્રીના પિયરીયાને સમજાવ્યા. વગર પોલીસે મામલો પતી ગયો. એ નાનકડી છોકરીનું નામ લીલા!!

Image Source

પરશોતમભાઈએ એને પહેલી વાર જોઈ જયારે એને ઘરે બેસણામાં ગયા હતા ત્યારે!! આકાશ સામે એકધારી તાકી રહેલ એ છોકરીને જોઇને એની આંખમાં આંસુ આવી ગયા. ચાર વરસની છોકરીએ જે એની સગી આંખે જોયું એનો આઘાત લાગી ગયો હતો. પછી તો એ ઘણું સાંભળતા. લીલા ક્યારેક રાતે જાગીને અચાનક જ બુમો પાડવા લાગે.. રડવા લાગે..સુનમુન થઇ જાય!! આડોસ પાડોશના લોકો એને ખુબ જ સાચવતા. લગભગ એ કોઈની સાથે બોલતી નહિ. આમને આમ વરસ દિવસ થઇ ગયું. નિશાળમાં દાખલ કરવા માટે વેકેશન પહેલા પરશોતમભાઈ એના પિતાજીને મળ્યાં.
“ ધનાભાઇ લીલા હવે સાડા પાંચ વરસની થશે.. આવતી અષાઢી બીજે એનું નામ નાખી દઈએ નિશાળમાં.. બધા બાળકો સાથે રહે તો એનું મન થોડું સ્થિર થાય”

“ એ હવે મંદબુદ્ધિની છે.. ઘરમાય કોઈની હારે નથી બોલતી.. એ નિશાળે નો ટકે” ધનાભાઇએ કહ્યું.
“ એ મારી જવાબદારી છે..” પરશોતમભાઈએ કહ્યું. બહુ સમજાવ્યા છતાં ધનાભાઇએ નિશાળે નામ ન નખાવ્યું. પરશોતમભાઈના ઘરેથી શાંતુબેન દરરોજ ત્રણ ચાર વાગ્યે લીલાની શેરીમાં જાય. લીલાને બોલાવે.. ખોળામાં બેસાડે એનો ડર દૂર કરે!! વરસ દિવસ પછી લીલાનું નામ ધોરણ ૧માં દાખલ થયું. પણ ક્યારેક આવે ક્યારેક ના આવે..આવે તો મેદાનમાં બેસી રહે!! પરશોતમભાઈએ સ્ટાફમાં કહી દીધું કે એને કોઈએ બોલાવવાની કોશિશ ના કરતાં. એ એક મારી સાથે જ બોલે છે થોડું થોડું.. છોકરીની જાત છે આઘાતની કળ વળતા વાર લાગશે.. એ જે ઘટના બની છે એ એના મગજમાં જો કાયમી રહી જાશે તો એનું જીવન બરબાદ થઇ જશે” સમય વિતતો ચાલ્યો. પેલા બે વરસમાં એ નાપાસ થઇ અને પછી લીલા બીજા ધોરણમાં આવી અને એ વર્ગમાં સહુથી મોટી હતી. બીજું ધોરણ પરશોતમભાઈ ખુદ લેતા/ લીલાને એ આગળ બેસાડે વાર્તા કહે. એ લેશન લાવે તો ઠીક અને ના લાવે તો પણ ઠીક!! એ બોલે તો પણ ઠીક અને ના બોલે તો પણ ઠીક!! કોઈ વાતે એ કોચવાય નહિ એનું ખાસ ધ્યાન પરશોતમભાઈ રાખતા!! અને પરશોતમભાઈએ નક્કી કર્યું કે લીલા જ્યાં સુધી આ શાળામાં ભણશે ત્યાં સુધી એ ધોરણ એ ભણાવશે.

લીલા ત્રીજા ધોરણમાં હતી. બીજા ધોરણમાં ભણાવતા એક બહેન રજા પર હતા. શિક્ષક રજા પર હોય ત્યારે ઉપલા ધોરણના હોંશિયાર વિદ્યાર્થીઓ એ વર્ગને સંભાળે એવી પ્રાથમિક શાળામાં પરંપરા હતી. અને આવું ધ્યાન રાખવા માટે વિદ્યાર્થીઓમાં પડાપડી થતી. અચાનક લીલા પેલી વાર બોલી.
“ સાબ સાબ હું ધ્યાન રાખવા જાવ” પરશોતમદાસ જોઈ જ રહ્યા.

Image Source

“ હા બેટા તું જા.. તારે જ કાયમ ધ્યાન રાખવાનું એ બહેન નો હોયને ત્યારે” અને ઉછળતી કુદતી એ છોકરી લીલા એ વર્ગમાં ધ્યાન રાખવા ગઈ. ધ્યાન રાખ્યું એટલું જ નહીં એ છોકરા અને છોકરીઓને એકડા પણ શીખવતી હતી. એક જાતનો ચમત્કાર જ જોઈ લ્યો. શાળાના શિક્ષકો પણ આ પરિવર્તનથી ખુશ હતા. ધીમે ધીમે લીલા ખીલતી જતી હતી!! બીજા છોકરા કરતા એનામાં વધારે સમજદારી અને શાણપણ હતું. ધીમે પરશોતમભાઈ એને વાર્તાની ચોપડીઓ આપતા થયા.ક્યારેક એને ઘટના યાદ આવે ત્યારે રોતી ત્યારે પરશોતમભાઈ કહેતા!!

“બેટા ક્યારેય રોવાનું નહિ.. જો રોવાથી દુઃખ દૂર થતું હોય તો નિશાળમાં એક પીરીયડ રોવાનો પણ રાખવો જોઈએ” લીલા ધીમે ધીમે સંપૂર્ણ રીતે ઘડાતી જતી હતી. નિશાળમાં એ સમયસર આવી જતી અને આખી નિશાળ એ માથા પર લઇ લેતી..

ધોરણ પાંચમાં લીલા આવી ત્યારે એણે ચા બનાવવાનું શરુ કર્યું. આમ તો ચા બનાવવા માટે સાતમાં ધોરણની જ દીકરીઓને કામ સોંપવામાં આવતું પણ લીલાને કોઈ કામની ના આ શાળામાં પાડવામાં આવતી નહિ. લીલાની કડક આદુ અને તુલસીવાળી ચા અદ્ભુત હતી. એક તો મોડી મોડી નિશાળે બેઠેલી અને એમાં ધોરણ એકમા બે વાર નાપાસ થયેલી એટલે લીલા પાંચમાં ધોરણમાં હતી પણ તોય સાતમાં વાળી છોકરી જેટલી જ ઉંચી લાગતી હતી.

હવે શાળાના તમામ કામ એ કરતી હતી. ભણવાની સાથે સાથે બગીચાની તમામ જવાબદારી પણ એણે ઉપાડી લીધી હતી. દરરોજ રીશેષમાં એ લંચબોક્સમાં દાળિયા લાવતી અને ખોલીને પરશોતમભાઈને આપે. અને પરશોતમભાઈ એમાંથી એક બે દાણા લે એટલે લીલા ખુશ!!

ગામ આખું આ પરિવર્તનથી અચંબિત હતું. લીલા જયારે સાતમાં ધોરણમાં હતી ત્યારે પરશોતમસાહેબની બદલી એના વતનની નજીકના ગામમાં થઇ હતી. લીલાસાહેબને છેલ્લી વાર મળવા આવી ત્યારે સાબની આંખમાં આંસુ હતા. લીલા બોલી.

“સાબ જીવનમાં ક્યારેય રોવાનું નહિ એમ તમે જ શીખવાડ્યું હતું કે નહિ!!” લીલાની આંખમાં એક પણ આંસુ નહોતું. એના ચહેરા પર મક્કમતા હતી. લીલાએ પોતાના પ્લાસ્ટીકનું બોક્સ સાહેબને આપ્યું. એમાં વટાણા અને દાળિયા હતા. પરશોતમભાઈએ એમાંથી બે દાણા ચાખ્યા. લીલા તરત જ બોલી.

Image Source

“સાહેબ આખું બોક્સ લઇ જાવાનું છે તમારે” પરશોતમદાસ ને ડૂમો ભરાઈ આવ્યો પણ લીલાના ચહેરા પર મક્કમતા સિવાય કોઈ બીજા ભાવ નહોતા. અને સાહેબે ગામ છોડ્યું. બે ત્રણ વરસ એ ગામમાં એ અમુક પ્રસંગોમાં ગયા હતા.પછી સંપર્ક તૂટી ગયો હતો. હવે તો એ નિવૃત થવા આવ્યા હતા અને ફરીવાર એ ગામ સાથે સંપર્ક થયો હતો!! પરશોતમદાસ વર્તમાનમાં પાછા આવ્યા અને પટાવાળાને કહ્યું!!

“લીલાબેનને કહેજો કે પરશોતમસાહેબ આવ્યા છે ચૂંટણીમાં!! બસ આટલું કહેજો.”
“ સાંજનું જમવાનું પણ ત્યાંથી જ આવશે” પટાવાળો જતા જતા કહેતો ગયો. અને થોડી જ વારમાં હાથમાં લાકડીને ટેકે ટેકે લીલાબેનના પતિદેવ હસુભાઈ આવ્યાં.
“ એ રામ રામ સાહેબ.. મને તરત જ લીલાએ મોકલ્યો.. તમારી પાસે એ ભણી છે ને.. કમાલનું ભણતર ભણાવ્યું છે હો દાસ સાહેબ!!” હસુભાઈ સાથે હાથ મેળવતા મેળવતા દાસભાઈ બોલ્યા.

“ જન્મજાત સંસ્કાર હોય એ બધા.. અમારું કામ તો સંસ્કાર આડેનું આવરણ દૂર કરવાનું હોય છે. ખરી કેળવણી આ જ છે સરપંચ સાહેબ.. દરેક બાળકને વાંચવું પડે.. એનામાં ઊંડું ઉતરવું પડે.. એનામાં શું ઘટે છે એ એના જ ભીતરમાં જ જગાડવું પડે.. બાકી ઘડિયાળના કાંટે એને શીખવી ના શકાય.. શિક્ષણ પંદર દિવસના કોર્સમાં કે કે સપ્તાહો ઉજવ્યે ના આવે. એના માટે સમય જોઈએ પણ આ ઝડપી યુગમાં અપેક્ષાઓ વધી ગઈ..સો ટકા સો ટકાની બુમો વચ્ચે ઝીરો ટકા કેળવણી રહી ગઈ છે!! ૩૪ વરસનો અનુભવ નીચોડ પરશોતમદાસજીના વાક્યમાં ઉભરી આવ્યો.

“ તમે ચિંતા ન કરતા.. ચૂંટણીમાં ગામમાંથી કોઈ પ્રોબ્લેમ નહિ થાય.. આ ગામમાં દરેક પક્ષના એજન્ટો હશે.. કોઈ જ ખોટું નહિ કરે.. ગામમાં રાજકારણ નથી રહ્યું.. એ બધું પેલા હતું.. હવે સહુ સહુને મનફાવે ત્યાં મત આપે કોઈને દબાણ નહિ!! આ ગામમાં તમને કોઈ તકલીફ નહિ પડે.. હમણા અહી વાળું આવી જશે.. વાળું કરીને આપણે અહી નિશાળના કમ્પાઉન્ડમાં જ જમાવીશું.. વાતો કરીશું” કહીને સરપંચ હસુભાઈ ઉભા થયા. વાળું પાણી કરીને હસુભાઈ વળી લાકડીને ટેકે ટેકે આવ્યા. નિશાળમાં પહેલી વાર ચૂંટણીમાં ખાટલા આવ્યા હતા. પોલીંગ સ્ટાફ માટે હાઈ ફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી . જોકે આખા ગામમાં ખબર પડી ગઈ હતી કે લીલાબેનને ભણાવતા એ સાબ આ ચૂંટણીમાં આવ્યા છે!!

પરશોતમદાસજી પરથી એક મોટો ભાર ઉતરી ગયો હતો મનોમન વિચારવા લાગ્યા કે હવે ગમે એવી ચૂંટણી આવે એક બે ને ત્રણ!!!!

રાતે વળી દસ વાગ્યે હસુભાઈ ખુદ ચા લઈને આવ્યા. એજ સોડમ એજ આદુ મસાલા તુલસી વાળી ચા.. જમાવટ થઇ ગઈ.. વાતચીત શરુ થઇ..!! હસુભાઈ બોલ્યાં.

Image Source

“લીલા મને પરણીને આ ગામમાં આવી. ગામમાં મારા બાપાનું અને મારા કુટુંબીજનોની મોટી ધાક!! કોઈ નો દિવસ ફર્યો હોય તો અમારી સામું બોલે એવી અમારી રાડ્ય.. મહીને એકાદ વાર આજુબાજુ ગામનાના કે આ ગામના કોઈના ટાંટિયા અમે ભાંગ્યા જ હોય!! અમે સાત ભાઈઓ છીએ એમાં હું સહુથી નાનો એટલે સહુથી વધુ વનાની!! મને પીવાના પણ લખણ હતા. લીલા પરણીને આવી. મને એક બે વાર સમજાવ્યો. એક વખત મેં એના પર હાથ પણ ઉપાડ્યો. એ કશું ન બોલી બીજી વાર એના ઉપર હું હાથ ઉપાડવા ગયો અને એણે મારો હાથ પકડી લીધો અને બોલી એ આજે પણ યાદ છે.. “ હું એક સામી ચડાવી દઈશ!! હું મારી મા જેવી નબળી નથી કે સહન કરી લઈશ.. મારી મા નબળી હતી એટલે સળગી ગઈ પણ હું એવી નથી.. હું સળગાવી દઈશ!! આ સરપંચનું ખોરડું છે ગામ અત્યારે ભલે તમને માન આપતું હોય પણ પાછળથી થુંકે છે એ ખબર છે?? બહાદૂરી કોને કહેવાય ખબર છે?? તમને ભાળીને કુતરા પણ રસ્તો બદલાવી નાંખે છે!! આને બહાદૂરી ન કહેવાય એક જાતની ભડવાઈ જ કહેવાય!!” લીલાની આંખમાં અંગારા હતા. હું નજર મેળવી ના શક્યો. કોઈક વશીકરણ હતું એની આંખમાં.. મારી છ એ છ ભાભીઓના દિલ એણે એક મહિનામાં જીતી લીધા. મારા તમામ ભાઈબંધોને ઘરે આવતા બંધ કરી દીધા. ગામના એક છેવાડે એક ઘર છે. ત્યાં એક સ્ત્રીને એનો ધણી મારતો હતો. સ્ત્રી બિચારી એનો માર સહન કરતી હતી. લીલા અને હું વાડીએથી આવતા હતા ગાડામાં બેસીને અને લીલા ગાડામાંથી ઉતરીને પેલી સ્ત્રીને એક લાફો આંટી ગઈ અને બોલી.

“તારો કોઈ વાંક છે એ તારા દિલને પૂછી લે.. આત્માને પૂછી લે અને આત્મા એમ કહે કે મારો કોઈ વાંક નથી તો પછી આ ધોકો શું કામ આપ્યો છે?? વાંક હોય એને ઝૂડી નાંખ્ય!! હું ઉભી છું. અને ચમત્કાર થયો.પેલી બાઈએ બે ધોકા વળગાડ્યા એના ધણીને બધો નશો બે ધોકાએ ઉતરી ગયો.હવે ગામ આખામાં લીલાની ચર્ચા શરુ થઇ. સ્ત્રીઓની એક મીટીંગ મારે ઘરે જ બોલાવી અને એમાં નક્કી કર્યું કે કોઈનો પણ ધણી ઘરે દારુ પીને આવે એટલે એને ઝૂડી જ નાંખવાનો અને પછી મારી પાસે આવતું રહેવાનું કાઈ થાય એની મારી જવાબદારી!! ઘણું વસમું લાગ્યું અમને અને આખા ગામના કેટલાક પીવાવાળા ને પણ થાય શું?? ખોટું ઈ ખોટું જ હતું ને?? ગામમાંથી શરાબ સાવ ગયો. લોકો પાસે પૈસા વધવા લાગ્યા. ગામમાં સુખ આવી રહ્યું હતું. એવામાં મને પક્ષઘાતનો આંચકો આવ્યો. લીલાની સેવાઓ શરુ થઇ. મારાથી સહેજ પણ હાલી શકાય તેમ નહોતું. બે વરસ દિલથી સેવા કરી અને એને પરિણામે જે ડોકટરો એમ કહેતા હતા કે હવે જીવનભર તમે ચાલી નહિ શકો એને બદલે હું લાકડીના ટેકે ચાલતો થયો છું. મારે પછી બે સંતાનો થયા.મોટો દીકરો ધોરણ બારમાં બહાર ભણે છે અને એક દીકરી અત્યારે ધોરણ આઠમા ભણે છે. ગામમાં અમારી આબરૂ લીલાએ વધારી દીધી. ચૂંટણીમાં પણ એવું થયું કે ગામની તમામ સ્ત્રીઓ ભેગી થઇ અને કહ્યું. લીલાબેન સરપંચ બને તો સમરસ ગ્રામ પંચાયત. આખું ગામ રાજી થયું. અને તે દિવસથી એ આ ગામની સરપંચ છે. ગામમાં વ્રુક્ષો વાવ્યા છે.નિશાળની સિકલ પણ એણે ફેરવી દીધી છે. એ મને હમેશા કહેતી કે મને એવા સાહેબ મળ્યા છે કે એણે કશાય સ્વાર્થ વગર પ્રેમથી કેળવણીની કેડી કંડારી છે. એટલો આત્મવિશ્વાસ આપ્યો છે, નીડર બનતા શીખવાડ્યું છે. એ તમારા ખુબ જ વખાણ કરે છે સાહેબ!! મારી લીલાએ અમારું આખું કુળ ઉજાળ્યું છે.. પહેલા અમારું કુટુંબ અમારી આખાઈને કારણે ઓળખાતું આ જે એ જ કુટુંબ છે જે અમારી સારાઈને કારણે ઓળખાય છે. ગામમાં કેટલાય ઘર એવા છે કે સાહેબ સારા કામે જતા પહેલા અમારે ઘેર આવીને લીલાનું મોઢું જોઇને જાય છે.. આ ઉંચાઈએ લઇ જવા માટે કોઈ દૈવી સંસ્કાર જ જોઈએ છે સાહેબ”

Image Source

હસુભાઈ એ વાત પૂરી કરી પરશોતમદાસજીની આંખો ફરીવાર ભીંજાણી!! બીજે દિવસે શાંતિપૂર્વક મતદાન થયું. લીલા મતદાન કરવા આવી. ખુબ જ ખડતલ અને મજબુત બાંધો ધરાવતી લીલા એક સન્નારીને લાગતી હતી. થોડી વાત કરીને લીલા ચાલી ગઈ!! પરશોતમદાસજીએ નોંધ્યું કે આખું ગામ સન્માનની નજરે જોતું હતું!! સાંજે મતદાન પૂરું થયું. બધું કામ આટોપાઈ ગયું. નિશાળના દરવાજે લીલા એના પતિદેવ અને એક ૧૩ વરસની દીકરી સાથે ઉભા હતા. દાસજી ત્યાં ગયા. બે હાથ જોડ્યા. લીલા બોલી.

“સાહેબ પરિવાર સાથે આ વેકેશનમાં આવો. ગામ તો હવે તમે જોયેલું જ છે ને”
“ચોક્કસ, આ તારી જ દીકરી છે ને?? શું નામ છે બેટા તારું??” પરશોતમદાસજીએ પૂછ્યું.
“શ્રદ્ધા” છોકરી બોલી . પરશોતમદાસે છોકરીના હાથમાં સો રૂપિયાની નોટ મૂકી.
“ બેટા એ મારા સાહેબ છે.. બહુ સારું ભણાવતા મને” શ્રદ્ધા એક અહોભાવની નજરે તાકી રહી લીલા બોલતી હતી.
“ચાલો ત્યારે હસુભાઈ આવજો.. તમે પણ પરિવાર સાથે આવજો કાલે રાતે મેં આપને મારું સરનામું આપેલ છે ને” કહીને પરશોતમભાઈએ હાથ જોડ્યા.

“ આ સાથે લેતું જાવાનું છે!! મારી મમ્મા કહેતી કે સાબને દાળિયા અને વટાણા ખુબ જ ભાવે છે” શ્રદ્ધાના હાથમાં એક લંચ બોક્સ હતું અને લંચ બોક્સમાં દાળિયા અને વટાણા હતા.
“ ચોક્કસ બેટા” કહીને દાસજીએ બોક્સ લઇ લીધું. અને બસમાં ચડી ગયા. બસ રીસીવિંગ સેન્ટર તરફ ઉપડી.

Image Source

બોક્સમાંથી વટાણા અને દાળીયાનો એક દાણો પરશોતમદાસ મોઢાંમાં મુકતા હતા. અદ્ભુત સ્વાદ આવી રહ્યો હતો.
પ્રાથમિક શિક્ષક તરીકેના ત્રીસ વરસના અનુભવ દરમ્યાન એક વસ્તુ મેં નોંધી છે કે શિક્ષક પાસે ભણી ગયેલ કોઈ દીકરી વરસો પછી એના સંતાનો સાથે રસ્તામાં ક્યાંક મળી જાય અને નમન કરીને એના સંતાનો ને કહે કે બેટા જો આ મારા સાહેબ હતા ત્યારે એ સંતાનોના મુખ પર એક અહોભાવની લાગણી હોય એ જોવા જેવી હોય!! એક તો એને એની મમ્મી વહાલી હોય..એ ભણતો હોય ત્યાં એના સાહેબ એને વ્હાલા હોય અને એમાય એની મમ્મીના સાહેબ!! એ ખુબજ માનની નજરે જે તે શિક્ષક તરફ જોતું હોય ત્યારે એમ લાગે કે ભગવાન પાસે એક જ વરદાન માંગવાની ઈચ્છા છે કે ભવોભવ મને પ્રાથમિક શિક્ષક જ બનાવજે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ, મુ.પો ઢસાગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks