થરાદની પરિણીતાનો લેવાયો સાટા પ્રથામાં ભોગ, સાસરીયાઓએ જ કરી હત્યા અને પછી ગજબની ચાલકાઈ કરી

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં કોઇ અંગત અદાવતમાં તો કોઇ પ્રેમ સંબંધ કે કોઇ અવૈદ્ય સંબંધમાં હત્યા કરી દેવામાં આવે છે. પણ હાલમાં થરાદના આંતરોલ ગામે તો સાટા પ્રથામાં એક 30 વર્ષીય પરિણીતાની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે આ હત્યાને તો આરોપીઓએ આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો પણ આ ગુનાનો ભેદ હવે પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતક સોરમબેન નાઈના લગ્ન સાટા પ્રથામાં થયેલ હતા અને તેને કારણે ઘરમાં વારંવાર બોલાચાલી થતી હતી.

પોલિસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો હત્યાનો ભેદ

જેને લઈને મહિલાના સાસરીયાઓએ જ તેની હત્યા કરી દીધી અને પછી લાશને તળાવમાં ફેંકી આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી. જો કે, થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને હત્યાના ગુનામાં મૃતકના સાસુ, સસરા અને દિયરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. બનાસકાંઠાના થરાદ આંતરોલ ગામના તળાવમાં થોડા દિવસ પહેલા એક મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થરાદ પોલીસને થઇ હતી.

પોલીસને મહિલાનો મોબાઇલ ઘટનાસ્થળેથી મળી આવ્યો હતો અને તળાવમાંથી મહિલાની લાશ બહાર નીકાળી થરાદ રેફરલમાં પીએમ અર્થે મોકલાઇ હતી. જે બાદ આ કેસની તપાસ માટે ત્રણ ટીમો પણ બનાવવામાં આવી અને તે બાદ આખરે ગણતરીના દિવસોમાં જ મહિલાની હત્યાનો પર્દાફાશ પોલિસે કર્યો અને મામલો ઉકેલી આરોપીઓને જેલ હવાલે કર્યા. ઘર કંકાશમાં મહિલાની હત્યા કરી હોવાનું પોલિસ તપાસમાં સામે આવ્યુ છે.

સાટા પ્રથામાં કરવામાં આવી હત્યા

મૃતક સોરમબેનની નણંદની સગાઈ રાજસ્થાનના ગુંદઉં ગામમાં તેના ભાઈ સાથે કરેલી હતી પણ નણંદના લગ્ન નહીં કરાવતા એકાદ મહિના પહેલા મૃતકના પિતા તેની સાસરી આંતરોલમાં નણંદ માટે ચાંદીના કડલા અને તોડા લઈને આવ્યાં હતા. પણ આ દાગીનાને લઈને આરોપી સાસુએ કડલા અને તોડા નાના લાવવા બાબતે બોલાચાલી શરૂ કરી અને પછી પરિણીતાને પિયારીયા વિશે મહેણાં મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.

જો કે, સાટા પ્રથાનો અણગમો રાખી સાસુ-સસરા અને દિયરે પરણિતાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યુ અને તે અનુસાર રાત્રે 3 વાગ્યા આસપાસ સરમબેન તેના પતિથી અલગ ઘરમાં સૂતી હતી ત્યારે સસરા અને સાસુએ મહિલાના પગ અને હાથ પકડી રાખ્યા અને દિયરએ તેના માથામાં ઓઢવાની ચુંદડીથી તેનું મોઢું દબાવી દીધુ અને પછી એક હાથ વડે ગળું પણ દબાવ્યુ. જો કે, પરિણીતાનો નાનો દીકરો જાગી જતા સાસુએ તેને ઢાળીયાના બાજુમાં સુવડાવી દીધો અને પછી પરણિતાની લાશ કોથળામાં ભરી ટ્રેક્ટર પર મૂકી અને આંતરોલ ગામના તળાવમાં લઈ જઈને નાખી દીધી.

પોતાની કરતૂત છુપાવવા બીજી રાત્રે સવારે સાડા પાંચ વાગે સસરા તગાભાઈએ તળાવની નજીક મૃતક સૌરમબેનનો મોબાઇલ મૂકી દીધો. પરણિતાના ગુમ થવાની પોલીસને જાણ કરાતા પોલિસે મોબાઈલ લોકેશનને આધારે તેનો મોબાઈલ મેળવ્યો અને પછી શોધખોળ કરતા લાશ તળાવમાંથી મળી આવી. તે બાદ પોલિસે કેસ ઉકેલવા ત્રણ ટીમોની રચના કરી અને આખરે મામલો બહાર આવ્યો.હત્યાના ગુનામાં પોલીસે સાસુ વાદળીબેન સસરા તગાજી અને દિયર રાજુ નાઇની ધરપકડ કરી છે અને તેમને જેલ હવાલે કર્યા છે.

Shah Jina