રાજકોટમાં મામૂલી વાતમાં પરિણીતાએ ખાધો ગળેફાંસો, પતિએ કહ્યું હતું કે સાંજે જમવા….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર આર્થિક તંગી તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે પછી માનસિક-શારીરિક ત્રાસ કારણ હોય છે. ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે સાસરિયાના મેણાને કારણે કંટાળી પરણિતાઓ આપઘાત કરી લેતી હોય છે. તો ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે કોઇ નાની અમથી વાતને લઇને લાગી આવતા આપઘાતના કિસ્સા બનતા હોય છે. હાલમાં રાજકોટના રેલનગરમાંથી આપઘાતની ઘટના સામે આવી છે.

રેલનગરમાં એક પરિણીતાએ પતિને સાંજે ફોન કરી જમવાનું શું બનાવું એવું પૂછ્યુ હતુ અને પછી વાત કર્યા બાદ પરણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ પરણિતાના દસેક મહિના પહેલા જ લગ્ન થયા હતાં. ઘટનાને લઇને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. રેલનગર વિસ્તારમાં મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં રહેતી રસિલાબેન કેડીયાએ ગઇકાલે સાંજે ગળેફાંસો ખાઇ લીધો હતો અને તે બાદ બેભાન હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

જો કે, અહીં તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આપઘાત પહેલા પરિણીતાએ તેના પતિને ફોન કરીને પૂછ્યુ હતુ કે, જમવાનું શું બનાવું ? તો તેણે કહ્યુ હતુ કે, છોકરાઓને જે ભાવે તેમ બનાવો. તે બાદ પરણિતાએ ફોન કાપી નાંખ્યો અમે પછી પતિએ ફોન કરતા તેણે રિસીવ કર્યો નહિ. તે બાદ દિકરી શાળાએથી આવ્યા બાદ દરવાજાનું ઇન્ટર લોક બંધ હોવાને કારણે તેણે જાણ કરતા મૃતકના પતિએ ઘરે પહોંચી બીજી ચાવીથી તાળુ ખોલ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે અંદરનું દ્રશ્ય જોતા જ તે હેરાન રહી ગયા હતા. તેઓએ જ્યારે જોયુ તો તેમની પત્ની લટકતી મળી આવી હતી અને તે બાદ તરત તેને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. રસિલાબેનના પ્રથમ પતિથી છૂટાછેડા થઇ ગયા હતાં અને સંતાનમાં એક આઠ વર્ષની દિકરી છે. તેમણે દસ મહિના પહેલા જ નરેશભાઇ કેડીયા સાથે બીજા લગ્ન કર્યા હતાં. નરેશભાઇના પ્રથમ પત્નીનું કોરોનામાં અવસાન થયું હતું અને તેમને દિકરો-દિકરી છે. મૃતકના પતિ નરેશભાઇ જ્વેલર્સની દૂકાનમાં કામ કરે છે.

Shah Jina