દિલધડક સ્ટોરી મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“ મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો!! બેટા પાપા ગાંડા છે ગાંડા” એવું કહીને એક માતા જ ફોસલાવી શકે, વાંચો માતા-પુત્રના પ્રેમની રસપ્રદ વાર્તા મુકેશ સોજીત્રાની કલમે

બીબીસી હીંચકા પર બેઠાં બેઠાં છાપું વાંચી રહ્યા હતા. એમના ધર્મપત્ની વિલાસબેન ઓશરીની કોરે બેઠા બેઠા લીલી હળદરના ઝીણા અને પાતળા ટુકડા કરી રહ્યા હતા. લીલી હળદર ખાવાથી શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધે છે એમ બીબીસી માનતા હતા.
બીબીસી એટલે ભીમજી બચું ચોવટિયા. તાલુકા પંચાયતમાં ક્લાર્ક તરીકે લાગેલા અને એ ટી ડી ઓ તરીકે નિવૃત થયેલાં. નોકરી તો ઘણા તાલુકામાં કરેલી પણ રહેવાનું બાજુના ગામમાં જ. યુવાવસ્થામાં એ બીબીસી રેડીયોના ચાહક. અને પોતાના નામના અક્ષરો પણ મળતાં આવતા હતા. ભીમજી બચું ચોવટિયા એટલે કે બીબીસી!!

ભીમજીભાઈ ને બે દીકરાઓ મોટો ધવલ અને નાનો નીરજ. ધવલ બેંગ્લોર એક આઈ ટી કંપનીમાં સારી એવી જોબ પર અને નાનો નીરજ હાલ ન્યુઝીલેન્ડમાં એમબીએ કરી રહ્યો છે. ધવલ એના પાપા કરતાં એની મમ્મીને ખુબ વ્હાલો. બસ નાનપણથી જ ધવલ વિલાસની આંખનો તારો હતો. ભીમજીભાઈનો સ્વભાવ થોડોક કડક અને નિયમાનુસાર હતો. આમેય સરકારી અધિકારીઓની નોકરી જેમ જેમ વધતી જાય એમ એના સ્વભાવ કડક જ થતા જાય છે. ભીમજીભાઈ બાળકો માંગે એ ન આપે પણ ઘટે એ બધું જ આપે. ધવલ નાનો હતો અને નિશાળે જવાનું મોડું થયું હોય અથવા ન જવાનું હોય અને ભીમજીભાઈ એકાદ થપાટ લગાવે પછી મલમ લગાવવાનું કામ એની મમ્મી કરતી.

Image Source

“ મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો!! બેટા પાપા ગાંડા છે ગાંડા” આવું બધું કહીને ફોસલાવીને પટાવીને ધવલની રોવાને પાટે ચડેલી ગાડીને વળી એ નિશાળના પાટે ચડાવી દેતી. પછી તો નીરજ નો પણ જન્મ થયો. બેય ભાઈઓ ક્યારેક નાની વાતમાં ઝગડે તો પણ વિલાસ હંમેશા ધવલનો જ પક્ષ લેતી અને કહેતી.
“ મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો…..!!”

સમય પસાર થતો રહ્યો. બને છોકરાને સારું શિક્ષણ આપવામાં ભીમજીભાઈએ પાછી પાની ન કરી અને વિલાસે એમને લાગણીઓ આપવામાં પાછી પાની ના કરી!! પછી તો ધવલની એક જગ્યાએથી સંબંધની વાત આવી. વિલાસબેન તો રાજીના રેડ થઇ ગયાં. પણ ભીમજીભાઈએ સામેની પાર્ટીને પંદર દિવસ રાહ જોવાનું કહ્યું. વિલાસે પૂછ્યું તો જવાબ મળ્યો.

“ રાજકુમાર અમદાવાદ ભણતો હતો..ક્યાંય પણ છોકરી જોતા પહેલા રાજકુમારને પૂછી લેવાઈ કે એણે પોતાની મેળે કોઈ કન્યા પસંદ નથી કરીને??”
“ અરે મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો!! એ કોઈ જ દિવસ એવું ના કરે!! તમે હજુ ધવલને ઓળખતા નથી.. મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો” વચ્ચેથી વાત કાપતા ભીમજીભાઈ બોલ્યાં
“ બેસ છાનીમાની.. જોયા હવે ડાહ્યા… આ જગતની પથારી કહેવાતા ડાહ્યાઓએ જ ફેરવી છે બાકી ગાંડાને તો પોતાનું જ ભાન ન હોય દુનિયાનું ભાન ક્યાંથી હોય!! ગાંડા કોઈને નડતા નથી. કનડતા નથી. બુચ મારવાના , કોઈને શીશામાં ઉતારવા, કોઈને ઝપટે લઇ લેવા , પાડી દેવા અને ટાળી દેવા આવા બધા કામ કહેવાતા ડાહ્યાઓ જ કરે છે.

ભીમજીભાઈ ને પોતાની એક દેશી ફિલોસોફી હતી અને એમાજ એ માનતા હતા. એકદમ વાસ્તવવાદી માણસ જમાનાને એ બાળપણમાં જ સમજી ચૂકયા હોય એમ લાગતું હતું. અને એ રાતે જ એણે પોતાના દીકરા ધવલને પૂછી જોયું.“ તું વિચારી લે તારે તારી રીતે લગ્ન કરવા છે કે અમે વચ્ચે પડીએ.. તને કોઈ પસંદ હોય તે મને પસંદ છે જ કારણકે ભેગા તમારે રહેવાનું છે. પહેલાના વડીલો કન્યાને જોવા માટે એટલા માટે જતાં હતા કે લગ્ન કરીને આખી જિંદગી કન્યા સાસુ સસરા ભેગી રહેવાની હતી. હવે એવું નથી હવે તો મહિનો બે મહિના માંડ કાઢે પછી એ મહેમાન હોય દિવાળી કે લગ્ન પ્રસંગે આવે સસરાના ઘરે એટલે કહું છું કે તે પસંદગી કરી લીધી હોય તો કહી દે નહીતર અમે ગોતી લઈએ તારા માટે.. વિચારી લે અઠવાડિયા સુધી. પછી લગ્ન થયા પછી નો ફાવે ઈ આ બીબીસીને નહિ ફાવે.. જોઈ વિચારીને જ હા પાડવી જ્યાં પાડવી ત્યાં” ભીમજીભાઈ ને ગામ તો બીબીસી કહેતું પણ હવે કયારેક ક્યારેક પોતાને પણ બીબીસી કહેતા હતા.

Image Source

ધવલને કયાંક કરતાં ક્યાય એવો સ્નેહ બંધાયો જ નહોતો. આમેય ભણવા સિવાયની ઈતર પ્રવૃતિઓમાં એનું ધ્યાન ઓછું જ હતું. લગ્ન ધામધુમથી થયા અને વરસ દિવસ પછી નાનો છોકરો પણ ન્યુજીલેન્ડ જતો રહ્યો. ધવલ અને એની પત્ની પ્રાંજલ બેગ્લોર સેટ થયા. નાનો નીરજ ન્યુઝીલેન્ડથી પાંચ વરસ સુધી આવે એમ નહોતો. લગભગ એ ત્યાંજ સેટ થઇ જાય એમ હતો. દીકરા અને દીકરાની માનો બહુ આગ્રહ હતો એટલે ભીમજીભાઈ માંડ માંડ એકાદ મહિનો બેંગ્લોર જઈ આવ્યા. ધવલે તો સાથે રોકાવાનું કીધું. પણ ભીમજીભાઈ અને વિલાસ બહેન પાછા વતનમાં આવી ગયા. ગામના લોકો પૂછે તો ભીમજીભાઈનો એક જ જવાબ
“ બેંગ્લોર સીટી સારું પણ અજાણ્યું પડે મને.. જલેબીના ગૂંચળા જેવા માણસો અને જલેબીના ગુંચળા જેવી ભાષા. છાપા તો આઠ આવે ઘરે પણ હું આટલું ભણેલો ત્યાં સાવ અભણમાં ખપુ. એક અક્ષર ન વાંચતા આવડે બોલો. જાવું ક્યાં. આ તો વિલાસને બહુ હરખ હતો એટલે જઈ આવ્યા પાંચ પંદર દિવસ બાકી બેંગ્લોરમાં આપણા જેવા કાઠીયાવાડી અવસ્થા વટાવી ગયેલાનું કોઈ કરતા કોઈ કામ નથી” પણ વિલાસ બેનનો બળાપો શરુ રહેતો ક્યારેક ક્યારેક..
‘ બીજાને છોકરા સાચવતા નથી એ માવતરને છોકરા ભેગા રહેવાના કોડ છે અને આપણને જોઇને છોકરા અછો અછો વાના કરે તો આપણ ને બેંગ્લોર ગોઠતું નથી બોલો.. આવું છે.. ભગવાનની માયા પણ આડા અવળી છે કે નહિ.. જેને જોઈએ એને આપતો નથી અને નથી જોઈતું એને પરાણે આપવા માંગે છે”ભીમજી ભાઈ મોટે ભાગે સાંભળી જ લેતા પણ ક્યારેક જવાબ પણ આપી દેતા.

Image Source

“ એવું નથી આપણા સંતાનો પર માન છે આપણને.. એ રાખવા રાજી પણ છે.. પણ આપણે જ્યાં સુધી અહિયાં મોજમાં છીએ ત્યાં સુધી ત્યાં શું કામ જાવું?? જ્યાં લગણ કર છે ત્યાં સુધી કામ કર્યે રાખીશું.. હવે આપણી જરૂરિયાત કેટલી સવાર બપોર ચા… અને બપોર સાંજ શાક રોટલો જ ને!! એ બધું આહી મળીજ રહે છે તો એ માટે બેંગ્લોર થોડો ધક્કો ખવાય.. હા એવી જરુરિયાત ઉભી થાય તો દીકરા ભેગા રહેવું પણ પડે.. પણ પહેલેથી સ્વતંત્ર રહ્યો હવે જાતિ જિંદગીએ પરતંત્ર નથી થવું.. દરરોજ દીકરા સાથે વાત થાય છે.. તું પણ પ્રાંજલ સાથે સવાર સાંજ વાત કરે જ છોને.. આ બધો સ્નેહ દૂર હોઈ ત્યારે માણી લેવાય.. “ હા તારે જવું હોય તો તું છ માસ આંટો મારી આવ્ય.. કાલ્ય સવારે નાનો ખે છે કે આવો ન્યુજીલેન્ડ તો ત્યાં પણ જઈશું..પણ કાયમ માટે નહિ થોડા સમય માટે.. અત્યારે તો અહિયાં ફાવી ગયું છે તળે હમણા કોઈ વિચાર નથી”

પણ ગામ લોકો તો એવું જ સમજે ને આને કોઈ સાચવવા વાળું નથી એટલે એકલા રહે છે. વિલાસ બહેન સામી દલીલ કરતાં. “હવે એ લોકોને સમજવા માટે કે સમજાવવા માટે આપણે જન્મ નથી લીધો. ગામલોકોએ આપણને આગળ લાવવામાં ભાગ પણ નથી ભજવ્યો એટલે એની ઈચ્છા પ્રમાણે આપણે જીવી ન શકીએ. કહેવા વાળા એમ પણ કહે કે હજુ હજુ તો દીકરો અને વહુ માંડ માંડ બેંગ્લોર સેટલ થયા કે ન થયા પાછળ પાછળ બીબીસી પોગી ગયાં તો શું કરવું!! જેને પોતાના જીવનમાં કોઈ રસ જ ન હોય એ લોકો જ બીજાના જીવનની પત્તર ખાંડતા હોય છે માટે એને જ કહેવું હોય એ કહે એમાં આપણે શું” ભીમજીભાઈ જવાબ આપતા પણ આજ વાત જરા જુદી હતી.
બીબીસી હીંચકા પર બેઠાં બેઠાં છાપું વાંચી રહ્યા હતા. એમના ધર્મપત્ની વિલાસબેન ઓશરીની કોરે બેઠા બેઠા લીલી હળદરના ઝીણા અને પાતળા ટુકડા કરી રહ્યા હતા. થોડી વાર પછી વિલાસ બહેન બોલ્યાં.
“ધવલ મુંબઈ જાવાનો છે એની કંપનીના કામે તો એને કહોને કે દમું ફઈને ત્યાં આંટો મારી આવે.. આ વખતે એ વળી બે ય જાવાના છે અને ત્રણ દિવસ રોકાવાના પણ છે તો દમું ફઈને ત્યાં જઈ આવે. બિચારા લગ્નમાય કહેતા હતા કે રોટલો ખાવા મુંબઈ આવજો પણ ધવલ અને પ્રાંજલ નો ગયા ઈ નો જ ગયા!!!”

Image Source

“ આની પહેલા પણ એ કંપનીના કામે બે વાર મુંબઈ ગયો હતો. એ વખતે પણ મેં એને કીધું હતું કે કલાક તો કલાક જઈ અવાય.. પણ એને સમય જ ન મળ્યો. હવે હું નથી કહેવાનો એને ત્રીજી વાર.. એને ખબર છે કે ફઈનું ઘર ક્યાં છે જવું હશે તો જશે ન જાય તો થયું એને જે યોગ્ય લાગે એ કરે.” ભીમજીભાઈ બોલ્યાં.
“ એને હજુ છોકરમત કહેવાય.. સંબંધીને ત્યાં કેમ જવાય ક્યારે જવાય આ બધું શીખવાડવું પડે.. વેવારમાં રહેતા એને શીખવવું પડે.. બધું એમને એમ નો આવડી જાય અમુક માં બાપે છોકરાને કહેવું પડે” વિલાસ બહેન કહેતા.” વિલાસ બેને પક્ષ લીધો પોતાના દીકરાનો.
“ કોઈ નાનું નથી.. બધાને સમજણ પડે છે.. એના સાળાને ત્યાં વગર કીધ્યે પહોંચી જાય છે. સબંધો રાખવા હોયને તો દિલમાંથી ઉગવું જોઈએ.. કોઈકની માથે થોપેલા સબંધો ક્યાં સુધી ટકે.. એને જવું હશે તો ફઈને ત્યાં જશે.. હું આ વખતે એ બાબતનો ફોન નથી કરવાનો અને તું પણ પ્રાંજલ સાથે સાંજે વાત કરને ત્યારે કોઈ દબાણ ના કરતી એના મનમાં હશે એમ બે ય જણા કરશે” ભીમજીભાઈ નો જવાબ સાંભળીને વિલાસબેન ચુપ થઇ ગયા
સાંજે વિલાસે પ્રાંજલ સાથે વાત કરી પણ ભીમજીભાઈ પાસે જ ઉભા રહી ગયા. પેલી મુંબઈમાં જઈને ફઈને મળવાની ભલામણ પણ વિલાસ બહેન ન કરી શક્યા. જેવો ફોન પૂરો થયો કે ભીમજીભાઈ બોલ્યાં.
“ કાલ્ય એ લોકો મુંબઈ પહોંચી જશે.. જ્યાં સુધીએ લોકો મુંબઈ છે ત્યાં સુધી આપણે એને ફોન નહિ કરીએ ઓકે” જવાબમાં જીભડો કાઢીને વિલાસબેને છણકો કર્યો.

Image Source

“ સાવ એવાને એવા જ રહ્યા,, જયારે પહેલી વાર જોવા આવ્યાને ત્યારે પણ આવા જ હતા.
અને ભીમજીભાઈ ની નજર સામે એ દ્રશ્ય ખડું થઇ ગયું. જયારે એમને જોવા માટે એ આવ્યા હતાં. એક રૂમમાં એ બને બેઠાં હતાં. થોડી વાર પછી વિલાસની સામું જોઇને ભીમજીભાઈ બોલ્યાં.
“ મને તમે પસંદ છો.. પણ એક વાતની ચોખવટ કરી દઉં. તમારા માટે આ કોઈ બળજબરી કે દબાણ કરવામાં નથી આવ્યું ને.. મારે સરકારી નોકરી સિવાય કોઈ પ્લસ પોઈન્ટ નથી. જયારે તમે એકદમ રૂપાળા છો અને ઘરનું તમામ કામ પણ આવડે છે. લોકો એમ નહીં કહે કે કાનજીભાઈએ સરકારી નોકરી કરતો મુરતિયો જાણીને સોનાના કટકા જેવી પોતાની દીકરી વિલાસને ખાડે નાંખી દીધી.” વિલાસ એ વખતે થોડી વાર શાંત રહીને પછી બોલી.
“ બીજી કાઈ ખબર મને નો પડે.. પણ કાનુડો ય કાળો હતો વળી હું રહી ખેડુની દીકરી એટલે જમીન જેટલી વધુ કાળી એટલો ખેડુને વધુ ફાયદો..” વિલાસના આ જવાબથી એ વખતે ભીમજીભાઈ ખુશ થયેલા. પછી તો કલાક સુધી વાતો કરી. પણ છેલ્લે નીકળતા પહેલા તાકીદ કરી કે.
“ ટપાલના જવાબમાં વહેલું મોડું થાય તો દુખી નહિ થવાનું.. કામ વધી ગયું હોય તો જવાબ મોડો પણ આવશે પણ એનો મતલબ એવો નથી કે મને તમારા પ્રત્યે સ્નેહ નથી. બાકી તમારા સિવાય આ જીવનમાં હવે બીજું કોઈ નહિ આવે. કોઈ વાતે મૂંઝાતા નહિ. તમે મારે ત્યાં આવીને દુઃખી નહિ થાવ..” અને એ ગયા પછી વિલાસે એની બહેનપણીને જયારે આ વાત કરીને ત્યારે એ બધીય ખુબ જ હસેલી.
વરસો પછી પણ ભીમજીભાઈનો સ્વભાવ કે પ્રભાવ બદલાયો નહોતો.બે દિવસ વીતી ગયા હતા. રોજીંદા નિયમ પ્રમાણે ભીમજીભાઈ છાપું વાંચતા હતા અને વિલાસ બહેન મગની શીંગો ફોલતાં હતા અને ફોન આવ્યો. ભીમજીભાઈએ વાત શરુ કરી. થોડી વાર પછી એ વાત કરતા કરતા ઉભા થઇ ગયા. ઓશરીમાં આંટા મારવા લાગ્યા અને અંતે તેના ચહેરા પર હાસ્ય અને છેલ્લે આંખમાંથી આંસુ પણ નીકળ્યું. કશું અજુગતું તો નહીં થયું હોય ને એવું વિચારીને વિલાસબેન ઉભા થયા બીબીસીની પાસે ગયા ફોન પૂરો થઇ ગયો હતો. તે પાછા હિંચકા પર બેસી ગયા હતા. વિલાસબેન હજુ તેમના મુખને તાકતા ઉભા હતા છેલ્લે બીબીસી બોલ્યાં.

Image Source

“ મુંબઈ થી ફઈ નો ફોન હતો. ધવલ અને પ્રાંજલ એક દિવસ ત્યાં રોકાયા આખો દિવસ. ફઈ ખૂબ જ ખુશ હતા. નાના દીકરાને એક દુકાન લેવી હતી પણ ફઈને વેંત નહોતો પૈસાનો આમેય ફુવાની બીમારીમાં સારા એવા પૈસા ખર્ચાઈ ગયા જ છ ને. તારો દીકરો પાંચ લાખ આપીને આવ્યો ફઈને અને કીધું કે દુકાનનું બાનું અત્યારે આપી દ્યો. બાકી હું લોન પાસ કરાવી દઈશ. તમે મૂંઝાતા નહિ. નાનપણમાં ફૂવા એ વેવાર સાચવેલો છે એમ મારા બાપુજી પાસેથી ઘણી વાર જાણવા મળ્યું છે. અને પાંચ લાખ રૂપિયા પાછા આપવાની જરૂર નથી. પણ દુકાન શરુ થઇ જાય એ મહત્વનું છે. છેલ્લે ફએ કીધું કે ભીમજી અસલ તારી પર ગયો છે મેં કીધું કે નહિ એ એની મા પર ગયો છે” ભીમજીભાઈ આટલું બોલ્યા ત્યાં આંખમાં ઝળઝળીયા સાથે વિલાસ બહેન બોલ્યા.
“ હું તો પહેલેથી જ કહું છું પણ મારું માને છે કોણ આ ઘરમાં?? અરે મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો!! મારા ધવલ જેવું કોઈ ડાહ્યું નથી” અને ભીમજીભાઈ એ વિલાસનો હાથ પકડીને કહ્યું.
“ તારી આ વાત સાથે હું આજીવન સહમત” અને બને સાથે હસી પડ્યા. મધુર અને પ્રસન્ન દામ્પત્યની સુવાસ આખા ઘરમાં ફરી વળી.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.