દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“મારી આશાને તો સાત સારું સાસરિયું મળશે” – આજે વાંચો એક મા વગરની દીકરીની વિદાય, અંત વાંચતાં વાંચતાં તો તમારી આંખનો એક ખૂણો જરૂર ભીંજાય જશે !!!

ગોવિંદ ઝવેર ઘરે આવ્યો. પત્ની કાંતાને કહ્યું.

“સાંજે ઓશરીમાં ચાર ખાટલા ઢાળી રાખજે. પરબતના મુંબઈ વાળા વેવાઈ આપણે ત્યાં રાત રોકાવાના છે.” છેલ્લા ઘણા સમયથી ગોવિંદ અને કાંતુ પોતાની દીકરી સરોજ માટે સંબંધ શોધતા હતા એટલે ગામમાં આવતા સારા સારા મહેમાનોને ગોવિંદ પોતાની ઘરે ચા પાણી પાવા અને રાતવાસો કરવા લઇ આવતો હતો. જવાબમાં કાંતુ કશું બોલી નહિ પણ થોડી વાર પછી કાંતુએ આશાને કહ્યું.

“ અલી તું જમીને સીધી ઘરે આવતી રેજે.. ઘરે મેમાન આવવાના છે. ઓશરીમાં ખાટલા ઢાળી નાંખજે અને ભેંશ અને ગાયને ધરવી દેજે અને હા આ કુંડી આજ સાફ નથી થઇ એ સાફ કરી દેજે.. વાડામાં કડબ પડી છે એ ઓરડીમાં ફેરવી નાંખજે અને હા આ પાણીના ગોળા પણ ભરી લેજે.”
“જી બા બધું જ થઇ રહેશે” આશા ચણીયા ચોળી પહેરી રહી હતી. પરબત કાકાને ત્યાં એની દીકરીના લગ્ન હતા. અત્યારે સાંજે જમવાનું અને પછી રાસ ગરબાનો કાર્યક્રમ હતો. પરબત કાકાની ઉષાના લગ્ન હતા. ઉષાએ આગ્રહ કરીને આ ચણીયા ચોળી આશા માટે ખાસ તૈયાર કરાવ્યા હતા. આશાએ તો ના જ પાડી હતી.

“ઉષા મારે ઘરનું કામ હોય ને એટલે રાતે હું નવરી ન થાવ..અને આ બધું મને ના આવડે.. તારી લાગણી બરાબર છે પણ ઘરે ખબર પડે તો કેવું થાય???”

“તે ઘરમાં કામ કરવાનું તે એકલીએ જ ઉધડુ રાખ્યું છે.. અને મારી બા તારી બા ને પૂછીને જ આ ચણીયા ચોળી સીવડાવ્ય છે.. અને તને જો એમ થતું હોય તો ઘરે ખીજાશે તો મારી બા જ તારી ઘરે સવારમાં આવી જશે અને બે દિવસ તને મારા ઘરે તેડી જશે..અમે કઈ બારખલા નથી કે મારી ઘરે આવવામાં તને ઘરેથી તારી બા ખીજાય!! અને ઘરમાં તારે બે બીજી બહેનો તો છે.. એને પણ થોડું કામ સોંપાય ને તું કાઈ વધારાની છો કે આખા ઘરનું કામ તારે જ કરવું પડે???”
આશા કશું બોલી નહિ પણ એ સહેજ હસી. લગ્નના બે દિવસ અગાઉ જ જ ઉષાની મમ્મી શારદા આશાની ઘરે આવી હતી. આશા ઠામ વાસણ ઉટકતી હતી. આશાની બે બહેનો સરોજ અને શિખા ખાટલા પર બેસીને નોટબુકમાં કઈ લખતી હતી.. સરોજ કોલેજના ત્રીજા વરસમાં અને શીખા કોલેજના પહેલા વરસમાં હતી.. આશાનો ભાઈ અભય દસમાં ધોરણમાં હતો. એ પોતાના મોબાઈલમાં કૈંક ગેમ રમી રહ્યો હતો. ગોવિંદભાઈ ખુરશી પર બેઠા બેઠા છાપું વાંચતા હતા. આશાની મમ્મી કાન્તુબેન પતિની પડખે જ ખુરશી નાંખીને બેઠા હતા. શારદાબેન આવ્યા અને ગોવિંદભાઈ પાસે ઉભા રહ્યા અને કહ્યું.

“ ભાઈ આશાને બે દિવસ અમારા ઘરે તેડી જવા આવી છું.. ઉષા અને આશા બેય એકી સારથના છે અને બેય પાકી બેનપણીઓ છે.. ઉષાએ પોતાના કપડાની ખરીદી કરી સાથોસાથ આશાના કપડાની પણ ખરીદી કરી છે.. તો ઘરે પ્રસંગ છે તો બેય બેનપણીઓ ભલે બે દિવસ સાથે રહે” હજુ ગોવિંદભાઈ કશું બોલે એ પહેલા જ કાન્તુબેન બોલ્યા.
“એમાં તમારે ઘરે રહે કે અહી શું ફેર પડે છે?? માંડવાના દિવસે આશા તમારે ત્યાં આવી જશે.. લગ્નના દિવસે પણ એ ત્યાંજ આવવાની છે ને ..એ જ શું કામ અમે બધા પણ લગ્નમાં આવવાના જ છીએ ને બાકી એ બે દિવસ ત્યાં આવે તો આ ઘરનું શું થાય??? આ બધી ગાયો અને ભેંશોને દોવાનું કામ કોણ કરે?? ગાય અને ભેંશ આશાની હેવાઈ છે.. બાકી શીખા કે સરોજ ને તો દોહતા પણ નથી આવડતું.. વળી એ બે બિચારીને હમણા હમણા પરિક્ષાઓ પણ આવશે..ભણે કે ઘરનું કામ કરે?? એટલે શારદાબેન તમારા ઘરે રોકવાનો તો સવાલ જ નથી હા લગ્નમાં ગરબામાં આશા આવી જશે ભલેને બેય બેનપણીઓ એકબીજાને ભેટીને ગરબા લ્યે અમને શું વાંધો હોય”!! શારદાબેન સમજી ગયા કે અત્યારે મારે ઘરે પ્રસંગ છે એટલે કાંતુ સાથે બોલીને બગાડવું નથી એ તો આશાને ચણીયા ચોળીની થેલી અંબાવીને જતા રહ્યા!! અને કાંતુ બબડતી રહી પણ ગોવિંદભાઈથી ન રહેવાણું એ બોલી ઉઠ્યા.

“ખાલી ખોટી શું બડબડ કર્ય છો. બેનપણીના લગ્નમાં આશા જાય એમાં આટલી બધી તપી શું કામ જાય છે?? આ છોડીએ તારું શું બગાડ્યું છે?? એની શું ભૂલ છે???”

ખેર આશાની કોઈ જ ભૂલ નહોતી.. ભૂલ તો ગોવિંદ ઝવેરની હતી!! અને એ ભૂલ હવે ગોવિંદ ઝવેર સાત કાળેય સુધારી શકે એમ નહોતા!!
આશા આઠ વરસની હતી ત્યારે એની મમ્મી હંસાબેન ડીલીવરી વખતે મૃત્યુ પામ્યા હતા!! આશા નાની હતી પણ બધું જ સમજતી હતી.. આશા સતત આઠ દિવસ સુધી રડતી રહી હતી.. હીબકા ભર્યા કરતી હતી.. પણ પછી આશા કદી રડી નથી.. નાનપણમાં જે દીકરીની માતા મૃત્યુ પામે એ દીકરી બહુ વહેલી સમજણી થઇ જતી હોય છે.. આશા એની મમ્મીની ખુબ વહાલી હતી.. રોજ રાતે આશા એની માતાના ખોળામાં સુતી અને એની માતા હંસાબેન એને વાર્તાઓ કહેતી.. વાર્તામાં પરીઓ આવતી રાજકુમાર આવતો,રાજકુમારી આવતી..રાજકુમાર અને રાજકુમારીના લગ્નની વાત આવતી. બાળક સ્વભાવે આશા એની મમ્મીને પૂછતી કે મમ્મી મારા પણ લગ્ન થશે ને?? મને પણ રાજકુમાર પરણીને લઇ જશે ને?? ત્યારે હંસા એના બને ગાલ ખેંચીને કહેતી કે” મારી આશાને તો સરસ મજાનો રાજકુમાર પરણીને લઇ જશે ને અને મારી આશાને સાત સારું સાસરિયું મળશે સાત સારું સાસરિયું” મમ્મીના અવસાન પછી આશાને આ વાત ખુબ જ યાદ આવતી.
હંસાના અવસાન પછી છ જ મહિનામાં ગોવિંદ ઝવેરે બીજા લગ્ન કર્યા અને કાંતુ આંગળીયાત બે છોકરીઓ સાથે ગોવિંદના ઘરમાં આવી. કાંતુના ભાઈઓ સુખી અને સમૃદ્ધ હતા. કાંતુને પહેલા તો રાજકોટ પરણાવી હતી. બે દીકરીઓના જન્મ પછી કાંતુના ધણીને કાંતુ સાથે કૈંક વાંધો પડ્યો અને કાંતુએ ધણી સાથે છૂટાછેડા અને ભરણપોષણની મસમોટી રકમ લઈને ભાઈને ઘરે આવતી રહી હતી. કાંતીનો ભાઈ આખેઆખો રાજકારણી હતો. ગોવિંદ ઝવેરનો જુનો નાતાદાર એટલે એની બહેનનું લાકડે માંકડું ગોવિંદ સાથે ગોઠવી દીધું. વરસ દિવસ પછી કાંતુએ પુત્ર જન્મ આપ્યો નામ પાડ્યું અભય!!
કાંતુના ભાઈને ભાગીદાર બનાવીને ગોવિંદ ઝવેરે બે જેસીબી લીધા. આમેય ગીવિંદ ઝવેરના ખાતે સો વીઘા જમીન હતી એટલે જેસીબીની લોનમાં વાંધો આવે એમ નહોતો. એ વખતે જેસીબી બહુ જુજ સંખ્યામાં એટલે ધંધો સારો ચાલી નીકળ્યો.. સાળો બનેવી એક જ વરસમાં ખુબ સારું એવું કમાયા અને પરિણામે કાન્તુની જીભડી વધી ગઈ..મારા ભાઈને કારણે મારા ધણીનું સારું થયું છે એવી રાઈ હવે કાંતુના મગજમાં ભરાઈ ગઈ હતી. બે વરસ આશા માંડ ભણી પછી તો ઘરના કામ શીખી જાયને એમ કહીને કાંતુએ આશાને છઠા ધોરણમાંથી ઉઠાડી લીધી અને ઘરકામમાં વળગાડી દીધી.પોતાની બે દીકરીઓ સરોજ અને શિખાને ભણવાની છૂટ!! એને બધીય છૂટ!! ઘરનું કામ ન કરે તો પણ ચાલે!! મોડે સુધી જાગે તોય ચાલે!! મોડે સુધી સુઈ રહે તોય ચાલે બસ આશા માટે જ બધું નિયમસર!! અને આશા હતી પણ એવી કામઢી કે એની નવી મા ભૂલ કાઢવા જાય પણ કેમેય કરીને એક પણ ભૂલ આશા કરે જ નહિ ને!!

ઘરનું કામ!! ખેતીનું કામ!! બધું જ આશા માથે આવી પડ્યું. ગોવિંદ તો જેસીબીના ધંધાને કારણે બે બે ત્રણ ત્રણ દિવસ ઘરની બહાર હોય..એને લગભગ કશી ખબર ન પડે.. પણ આજુબાજુ વાળા અંદરોઅંદર વાતો કરે હંસાની ફૂલ જેવી દીકરી આશાને તો આ કાંતુ કામ કરાવી કરાવીને સાવ ટાળી જ નાંખશે.. આ ગોવીંદને આંખો નહિ હોય?? આ ગામ આખાને દેખાય એ એને નહિ ભળાતું હોય?? આવી ફૂલ જેવડી છોડીના નીહાકા લઈને કાંતુ ક્યાં ભવે છૂટશે????
સમય વીતતો ચાલ્યો. જેસીબીના કારણે અને ખેતીના કારણે ગોવિંદ ઝવેરની જાહોજલાલી વધતી ચાલી. ઘરે લગભગ રોજ મહેમાનો હોય!! કાંતુ તો બેઠી બેઠી હુકમ કરે..ઘરનું તમામ કામકાજ આશા કર્યે રાખે!! સતત કામ કરવાથી આશાનું શરીર એકદમ નીખરી ગયું!! આશાનું રૂપ હવે સોળેય કળાએ ખીલ્યું હતું.. ગામની બાયું વાતું કરતી અસલ એની મા હંસા પરણીને આવીને ત્યારે અસલ આશા જેવી જ લાગતી હતી!! સરોજ અને શિખા તો એક સળીના બે કટકા પણ નાકરે પણ એની મા કાંતુ બધાને કહે!!
“આશા જ કામ કરે ને એને ક્યાં ભણવું છે?? મારી દીકરીઓ તો ભણી ગણીને નોકરીયું લેશે એટલે એને એવું સારું ઘર મળી જશે ત્યાં પણ નોકર ચાકર હશે એટલે એને ત્યાં પણ કામ નહિ કરવું પડે અને રહી વાત આશાની તો એને થોડો નોકરિયાત મળવાનો છે.. ગામડા ગામની અડધી છ ચોપડી ભણેલીને તો કોણ શહેર વાળો હાથ પકડીને લઇ જવાનો છે?? એને માટે તો કોઈ ખેતીવાળો જ મળશે એટલે અત્યારથી કામ કર્યું હોય તો વાંધો નહીને?? પછી અત્યારથી કામ ન આવડે અને પરણીને જાય સાસરિયામાં ત્યારે મારે જ સાંભળવાનું કે આ નવી માએ આ જુનીની દીકરીને કાઈ ન શીખવાડ્યું?? કેવી મા છે આ?? આવો ભેદભાવ રાખ્યો?? આવું ન સાંભળવું પડે એટલે આશાને બધાજ કામ શીખવાડું છું!! આ તો હું સારી મળી છું એને બાકી બીજી કોઈ મળી હોતને તો ખબર પડત આશાને કે સાવકી મા કેવી હોય”” બાયું બધીય સાંભળતી રહેતી અને અમુક છાનુંમાનું બોલતી પણ ખરી કે આને આવું બોલતાય શરમ નહિ આવતી હોય??? ખરી છે આ બાઈ!!!

પણ આશા તો બસ પોતાનું જ કામ કર્યે રાખે!! એની મમ્મી ખીજાય તો પણ બધું સાંભળી લે..માફી માંગી લે અને ફટાફટ બધાજ કામ કરે.. ગામમાં કોઈ પ્રસંગ હોય અને કાંતુ કહે તો જ જમવા જાવાનું.. કાંતુ કહે તો જ વરઘોડો જોવા જાવાનો.. કાંતુ કહે તો જ નવરાત્રી જોવા જાવાની નહીતર એ ભલું ને એનું ઘર ભલું!! એની બે બહેનો અને એક ભાઈ સાથે આશા હમેશા સારો વર્તાવ કરતી..આશા એ કોઈ દિવસ એના ભાઈ અને બહેનોનો વદાડ નથી કર્યો., મનમાં તો એ બધું જ સમજતી કે પોતાના કપડા અને એની બહેનોના કપડામાં લાખ ગાડાનો ફર્ક છે..પણ હંસાના ધાવણના સંસ્કારો એવા ઊંડા હતા કે કોઈ પણ પરિસ્થિતિમાં આશા ક્યારેય નિરાશ થઇ નહોતી!! ધાવણના સંસ્કારો માટે એવું કહેવાય છે એ આજીવન રહેતા હોય છે!! સંસ્કારો વધારે ઘાટા થાય પણ ધોવાઈ તો ક્યારેય નહિ!!
આશા ઝટપટ જમીને આવી અને ઘરની ઓશરીમાં મહેમાનો માટે ખાટલા ઢાળી દીધા.ફળિયું વાળી દીધું. ગોળા વિછળીને પાણી ભરી દીધું. ઓશરી અને ફળિયું આમ તો સવારનું જ વાળેલું હતું તોય ફરીથી વાળી દીધું જ્યારે એની બે બહેનો અને ભાઈ તો એના કામમાં મશગુલ હતાં. બધું જ કામ પતાવીને એ ઉષાને ઘરે ગઈ અને ઉષાની સાથે ગરબા લીધા.

બીજે દિવસે જાન આવી હતી. આશાએ ગાયો અને ભેંસો દોહી લીધી હતી વહેલી સવારમાં જ ઘરનું કામ પતાવીને પછી એ લગ્નમાં ગઈ હતી.
રાતે જે મહેમાનો સુવા આવ્યા હતા એમાં એક અમદાવાદના લલ્લુભાઈ પણ હતા. બધા એને લલ્લુ શેઠ કહેતા હતા. લલ્લુ શેઠને અમદાવાદમાં મિલકતનો પથારો હતો. બાપુનગરમાં રહેતા લલ્લુભાઈ દોમ દોમ સાહ્યબીમાં રહેતા હતા છતાં એકદમ સાધારણ વેશભૂષામાં હતા. લલ્લુંશેઠના બે મોટા દીકરા પરણી ગયા હતા. નાનો એક દીકરો ગૌરવ હજુ બાકી હતા. ગૌરવનું તેઓ સગપણ ગોતતા હતા. લલ્લુ શેઠ પોતાના બે મોટા દીકરાની જેમ જ નાના દીકરાનું સગપણ પણ ગામડામાં જ કરવા માંગતા હતા..કારણ કે લલ્લુ શેઠ માનતા હતા કે અમદાવાદમાં છોકરીઓનો તૂટો નથી પણ પોતે એવી છોકરીની શોધમાં હતા કે જે ઘર સાચવી લે!! અમદાવાદમાં વર ને સાચવતી છોકરીઓ તો પાર વગરની મળી જાય પણ વરની સાથે સાથે ઘર પણ સાચવી લે એવી છોકરી એને ક્યાય દેખાતી નહોતી!! ઘરના કામ સિફતપૂર્વક કરતી આ દીકરી જોઇને એને મનમાં થયું કે ગૌરવ માટે આ દીકરી બરાબર રહેશે!!
લલ્લુશેઠના દિલમાં આ આશા પોતાની પુત્રવધુના રૂપમાં અંકિત થઇ ગઈ!!

એકાદ મહિના પછી ગામમાં એક બીજા લગ્ન હતા.એમાં પણ લલ્લુશેઠને આવવાનું હતું પણ આ વખતે એણે પોતાના દીકરા ગૌરવને મોકલ્યો અને ભલામણ કરી.
“બેટા ગૌરવ તું એ ગામમાં ગોવિંદ ઝવેરને ત્યાં આશા નામની છોકરી છે. એને તું જોઈ લેજે. એકદમ રૂપાળી અને સીધી સાદી છોકરી આપણા ઘરની શોભા બની શકે એમ છે!! તું એને જોઈ લે જે અને જો તારી હા હોય તો પછી આપણે મોડું નથી કરવું. ગામમાં મેં બીજા પાસેથી મોરાગ મેળવી લીધો છે કે એ છોકરી ગોવિંદ ઝવેરની આગલી પત્નીની છે. દીકરીને ત્યાં દુઃખ પણ છે આવી દીકરીને આપણે ત્યાં લાવ્યા હોઈ અને જો એના અંતરના આશિષ મળી જાય તો તમારી સાત પેઢી તરી જાય !! નવી મા આખા ઘરની જવાબદારી એ એકલી પર છે. છોકરીની નવી મા અને એની બે દીકરીયું એક સળીના બે ટુકડા પણ કરતી નથી. અમુકે એમ પણ કીધું કે છોકરી બહુ સમજુ છે. ઘરનો બધોજ કારભાર એ હસતા મુખે ઉઠાવી રહી છે.. આમ તો સુખી ઘર છે.. પણ તું જોઈ લે જે ને એ છોકરી એટલે ફાઈનલ થઇ જાય!!”

ગૌરવ લગ્ન પ્રસંગમાં ગામમાં આવ્યો. સાથે પોતાની ભાભીને પણ લાવ્યો હતો. ગોવિંદ ઝવેરને મળ્યો. પોતાના પિતાજીની ઓળખાણ આપી અને કહ્યું કે મારા પિતાજી કહેતા હતા કે તું ગોવિંદભાઈના ઘરે ઉતરજે ત્યાં તારો બધો જ થાક ઉતરી જશે.. અને ગૌરવ બે દિવસ ત્યાં જ રહ્યો. બે દિવસના લગ્ન પ્રસંગમાં ગોવિંદે અને અને એની ભાભીએ આખી વાતનો તાગ કાઢી લીધો.. ગૌરવની ભાભીએ આશા અને ગૌરવ સામે સામે બેસાડીને વાતચીત પણ કરાવી દીધી ગૌરવને આશા ખુબ જ ગમી ગઈ.. સાદગીમાં પણ આટલી સુંદરતા.. ફક્ત સુંદરતા જ નહિ પણ ઘરરખું જ એટલી..આશા ફક્ત બહારથી જ નહિ પરંતુ અંદરથી પણ અદભુત સુંદર હતી!! આશાની ભાભીએ તો આશાને વિશ્વાસમાં લઈને પૂછી પણ જોયું. આશાને ગૌરવ પસંદ આવી ગયો હતો, અને ગૌરવે નક્કી કરી લીધું.. બસ આશા જ અમદાવાદ આવશે અને મારી પત્ની તરીકે જ આવશે!!
આ ઘટના બન્યા પછી એકાદ મહિના પછી લલ્લુશેઠે ગોવિંદભાઈને સમાચાર મોકલ્યા કે અમે તમારે ઘરે દીકરી જોવા આવીએ છીએ!! વાત સંભાળીને કાંતુ રાજીના રેડ થઇ ગઈ. એણે લલ્લુશેઠ વિષે ઘણું સાંભળ્યું હતું. અને છેલ્લા વરસ દિવસથી કાંતુ પોતાની મોટી દીકરી સરોજનું સગપણ શોધતી હતી. પોતાની દીકરીને અમદાવાદથી જોવા આવે છે એ વાતે એ ફૂલીને ફાળકો થઇ ગઈ હતી.પણ એને ખબર નહોતી કે લલ્લુ શેઠ સરોજનું નહિ પણ આશાનું
માંગુ લઈને આવી રહ્યા છે!!

ત્રણ દિવસ પછી ગોવિંદ ઝવેરને ત્યાં દસેક ફોર વ્હીલનો કાફલો આવ્યો. લલ્લુશેઠ બધી જ તૈયારીઓ સાથે આવ્યા હતા. એ ચાંદલો કરીને જ જવાના હતા. એને પૂરી ખાતરી હતી કે ગોવિંદ ભાઈ આ સંબંધ માટે હા જ પાડશે. અને ગોવિંદ શેઠ પણ તૈયાર હતા જ પણ સરોજ માટે!!આશા માટે તેઓ હજુ સંબંધ ગોતતા જ નહોતા.. કાંતુએ તો નક્કી જ કરી લીધું હતું કે પોતાની સગી બે દીકરીઓ પરણી જાય અને પછી અભય પરણે પછી આશાને પરણાવવી. ઘરમાં કામ કરવા વાળી વહુ ન આવે ત્યાં સુધી આશાને ઘરે જ રાખવાની છે!!

મહેમાનો માટે ઢોલીયા ઢળાયા.. સરોજ ને કાંતુ એ બરાબર તૈયાર કરી દીધી હતી. સવારથી આશા ઘરનું કામ કરતી હતી. સ્ત્રીઓ અંદરના રૂમમાં ગોઠવાઈ. કાંતુનો તો હરખનો પાર નહોતો એ બધી જ સ્ત્રીઓ સાથે લળી લળીને વાત કરતી હતી પણ દસ જ મીનીટમાં કાંતુનો ચહેરો લેવાઈ ગયો અને એ તરત જ બહાર આવી અને અસલી સ્વરૂપમાં આવીને એના ધણીને કીધું.

“એઈ સાંભળો છો આ બાજુ આવો તો ઘડીક!!” મહેમાનો સાથે વાતચીતમાં મશગુલ ગોવિંદ પાણીયારાની બાજુમાં ઉભેલી એની પત્ની પાસે ગયો અને કાંતુએ ગોવિંદને ધીમા અવાજે લંગરાવ્યો.
“આ તો આખું કોળું શાકમાં જાય છે.. આ બધા નાનડીયા સરોજ માટે નથી આવ્યાં.. આશલી માટે આવ્યા છે..તમેય કંઇક સમજી વિચારીને તેડાવતા હો તો.. આપણે હજુ આશલીનું ગોતવાનુંય શરુ નથી કર્યું ને આ બધા ધોડ્યા આવ્યા છે!! એની સાથે ચોખવટ કરી લો કે તમે કોને જોવા આવ્યા છો??. સરોજ માટે આવ્યા હોય તો ભલે બાકી જો આશલી માટે આવ્યા હોય તો અત્યારે ને અત્યારે વળાવી દ્યો.. મારા ત્રણેય છોકરા પરણી જશે પછી તમારી છોડી આ ઘરેથી જશે એ તો તમને ખબર જ છે ને??” કાંતુનો અવાજ ધીમો હતો પણ હાવભાવથી લલ્લુ સમજી ગયા કે વેવાણ કોપાયમાન થયા છે અને આકરા પાણીએ છે!!

“ થોડીક ગેરસમજ થાય છે લલ્લુ શેઠ!! અમે અમારી દીકરી સરોજ માટેનું સગપણ સમજ્યા હતા..અંદર બાયું કહે છે કે અમે આશા માટે આવ્યા છીએ!! આપણે કોઈએ ચોખવટ નથી કરી એટલે આવો લોચો પડ્યો છે!!” ગોવિંદે લલ્લુશેઠની સામું જોઇને કહ્યું અને પછી પાણીયારા પાસે જોયું તો કાંતુ કાતર મારતી હતી એટલે તરત જ ગોવિંદે નજર ફેરવી લીધી.

“ જે ઘરમાં સહુથી મોટી દીકરી હોય એના જ માંગા લઈને આવતા હોય છે.. એટલે એમાં ચોખવટ શેની કરવાની હોય..?? આશા તો સહુથી મોટીને..?? આપણામાં રીવાજ છે કે મોટીનું સગપણ ન થાય ત્યાં સુધી નાનીને કોઈ જોવા ન આવે!! અને એમાં શેનો લોચો?? અમને આશા પસંદ છે.. આ ગૌરવ તમારે ત્યાં રોકાયો હતો ત્યારે જ એને પસંદ હતી!! તમ તમારે લગ્ન ભલે ને બેય બેનુંના ભેગા કરજો વરસ દિવસ પછી!! અત્યારે આશાનું સગપણ કરી નાંખીએ પછી તમે સરોજનું ગોતવાનું શરુ કરી દ્યો..અથવા તો સરોજની જવાબદારી પણ અમારી.. આવો અમદાવાદ તમને સારા સારા મુરતિયા બતાવું!! બોલો હવે મટી ગયોને લોચો!!?? ” લલ્લુ શેઠે વિનમ્રતાથી વાત કરી. પણ કાંતુ એ પાણીયારા પાસેથી બધુજ સાંભળી લીધું અને આમેય જે બાધુકડું હોયને એ કાનનું પણ સરવું જ હોઈ!! એણે ત્યાંથી જ રોકડું પરખાવ્યું.
“ આ ઘરમાં પેલા બે ય મારી છોકરિયું પરણશે..પછી મારો છોકરો પરણશે.. અને પછી આશલી!! હું જયારે આ ઘરમાં આવીને ત્યારે જ આ નક્કી થયું હતું. આ તો મારા ભાઈને કારણે જ મારા ધણીને સારું છે… મારા ભાઈ સાથે ભાગીદારીમાં ધંધો છે ને એટલે ગામ આખું ગોવિંદ ઝવેર ગોવિંદ ઝવેર કરે છે બાકી હું આવી એ પહેલા બધા ગોવિંદો ગોવિંદો કહેતા અને જમીન સિવાય ભૂખ હતી ભૂખ આ ઘરમાં એટલે મારે આ સગપણ કરવું નથી.. અમે રાત દિવસ કમાયા એનો મતલબ એ નથી કે આશલી ને પરણાવી દેવી..મારા સંતાનો પહેલા ધામધૂમથી પરણશે અને પછી ઈ!! આ મારો ફાઈનલ ચુકાદો છે!!” કાંતુ બોલતી હતી અને રસોડામાં આશા ઉભા જીવે સાંભળતી હતી.
લલ્લુ શેઠ અને ગૌરવનો બાટલો ફાટતો હતો. આ ગામડાની કાંતુ એની સાથે આવી રીતે વાત કરી જ કેમ શકે!! આખા બાપુનગરમાં લલ્લુશેઠનું એક નામ હતું.. લોકો લલ્લુંશેઠ સવારમાં સામા મળે તો શુકન ગણતા હતા અને આ બે ટકાની વેવાણ આવા વેણ બોલે!! ઘડીક તો બધા ચુપ થઇ ગયા!! લલ્લુ શેઠ એના કુટુંબીજનો સાથે થોડે દૂર જઈને મસલત કરી ને વળી ગોવિંદભાઈને કહ્યું.
“ દીકરીના લગ્નનો તમામ ખર્ચ હું આપીશ..તમને જો ખરચની પડી હોય તો એ હું ભોગવીશ!! એડવાન્સમાં તમે કયો એ રકમ બોલો પણ હું તમને હાથ જોડું છું..આશા ને અમારી ઘરે આવવા દો”

“એ ભાળ્યા પૈસા વાળા! અમેય કાઈ રાંકા નથી હો.. હવે તમે બધા ઝટ નીકળો.. આહી કોઈનું કામ નથી મારે..અમારે આશાને ક્યાં પરણાવવી અને ક્યારે પરણાવવી એ અમારો પ્રશ્ન છે.. તમારે એમાં કેટલા ટકા? કાંતુ ફાવે તેમ બોલવા લાગી. ગોવિંદ તો ના બોલ્યો પણ ગોવિંદનું અસલી લોહી ઉકળી ઉઠ્યું ગોવિંદ નો દીકરો અભય હજુ દસમાં ધોરણમાં હતો એ બોલી ઉઠ્યો!!

“ તું ચુપ રહે મમ્મી!! તને પપ્પા કહી કહેતા નથી એટલે ફાટીને ધુમાડે નથી જવાનું.. નાનપણથી જોઉં છું આ મારી બહેન આશાને.. આ ઘરનું બધું જ કામ આશા તો કરે જ છે.. મારી સગી જ બહેન છે આશા!! અમારા બેયમાં લોહી તો ગોવિંદ ઝવેરનું જ ને?? આશાને જ આપણે પૂછી લઈએ એને પસંદ હોય તો આ સબંધ થઇ ને જ રહેશે.” એમ કહીને એ રસોડામાં જઈને આશાને પોતાના સોગંદ દઈને પૂછ્યું. આશાને સંબંધ મંજુર હતો. બહાર આવીને અભય બોલ્યો.

“આશાને સંબંધ મંજુર છે!! હવે આમાં કોઈ આડું નહિ આવે” સહુ દંગ થઇ ગયા. દસમાં ધોરણમાં ભણતો અભય નામ પ્રમાણે આટલો અભય અને સમજદાર હશે એ તો કોઈને ખબર નહોતી.
“ આ ઘરમાંથી આશાને કશું જ નહીં મળે.. આ બધી સંપતિ મારા ભાઈને કારણે છે.. હું મારા ભાઈને અત્યારે જ બોલાવું છું” કાંતુએ હવે ત્રાગું કર્યું. પણ અભયની હિંમત જોઇને ગોવિંદ ઝવેરના કુટુંબીજનો જે મોટી મોટી મૂછો લઈને બેઠા હતા એ બધા હવે મેદાનમાં આવ્યા. સહુ કાન્તુને બોલવા લાગ્યા. અમુકે ગોવિંદને પણ સમજાવ્યો કે આમ શું તું રાંકાની જેમ બેઠો છો?? સાળા બાયડીના ગુલામ!! ગોવિંદ ઝ્વેરની ડેલીની બહાર લોકોનું ટોળું આ તાશેરો જોવા આવી ગયું હતું!!
અને આ બાજુ લલ્લુ શેઠ પણ બોલ્યાં.

“ બસ પહેરેલ લુગડે હું તમારા ઘરની આશાને લઇ જઈશ. અમે અમદાવાદ જઈને ગૌરવ સાથે એના કોર્ટ મેરેજ કરાવીશું. આ ગામ અને કુટુંબની સાક્ષીએ હું તમને વચન આપું છું કે આશા અમારા ઘરમાં સુખી રહેશે. બાકી આજ જ હવે એને લઈને જ જઈશું!! કારણકે હવે આશાનું ભાવી આ ઘરમાં મને ઉજળું દેખાતું નથી!!” વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો. ગોવિંદે આશાને બાથમાં લીધી અને કહ્યું.
“ જા દીકરી.. સુખેથી જા..સુખી થા” અને બાપ દીકરી રોઈ પડ્યા ગામ આખામાં ખબર પહોંચી ગયા!! શેરીમાં બધા લોકો પોતાના ઘરની બહાર ઉભા હતા!!

“બેન હું હજુ નાનો છું કમાતો પણ નથી..મારી પાસે કશું જ નથી.. છતાં તું માંગી લે બહેન આજે નહીં પણ મોટો થયા પછી તને જરૂર આપીશ..માંગ બહેન માંગી લે!!” અભય આશાના હાથમાં લઈને બોલ્યો. આશા એને વળગીને એટલું જ બોલી.

“કશું નથી જોઈતું ભાઈ!! બસ મને મળવા આવતો રેજે.. મારે કશું જ જોઈતું નથી.. બસ આ ઘર સદા સુખી રહે સમૃદ્ધ રહે એવું જ હું ભગવાન પાસે માંગું છું” આશાના આ શબ્દોએ સહુની આંખ ભીંજવી દીધી. ગોવિંદ ઘરમાં ગયો અને એક સોનાનો જુનો હાર લાવ્યો. આશાને હાર આપતા કહ્યું.

“ તારી માતા હંસાની આ નિશાની છે.. તારો આની પર હક છે.. હંસા આવી હતી આ હાર પહેરીને આ ઘરમાં અને હવે તું આ હાર પહેરીને જા દીકરી ” ગોવિંદની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી!!
આશા પોતાના રૂમમાં ગઈ. પોતાની માતા હંસાનો એક ફોટો લઈને બહાર આવી!! ફળિયામાં આંટો માર્યો.. ગાયો અને ભેંસો પર હાથ ફેરવ્યો.. પોતાના ભાઈ અને બહેનોને ફરીથી ભેટી પડી.. કાન્તુને પગે પડી..પણ કાંતુ તો કાંતુ!! આશીર્વાદ નો એક શબ્દ પણ ના નીકળ્યો. છેલ્લી વાર પોતાના પિતાને ભેટીને એ પોતાના સાસરીયે ચાલી. ઘરની બહાર લોકોનું ટોળું થઇ ગયું હતું. સહુની આંખમાં હર્ષના આંસુ હતા. શેરીની દરેક સ્ત્રીઓ એ આશાને કૈંક ને કૈંક પૈસા આપ્યા. પોતાની સગી દીકરી વળાવે એમ આશાને વળાવતા હતા. ગામના પાદર સુધી સહુ વળાવવા આવ્યા હતા. ગામમાં આ પહેલો એવો પ્રસંગ હતો કે આખું ગામ કોઈ એક દીકરીને વળાવવા આવ્યું હોય!! કશી જ ધામધૂમ વગર પણ એક જાતની ભવ્યતા સાથે આશા ગૌરવ સાથે કારમાં બેઠી.. ગામની ડોશીઓ કહેતી હતી કે ગોવિંદ જયારે હંસાને પરણીને આવ્યો ત્યારે હંસા પણ આવી જ દેખાતી હતી. વરસોથી ઘરમાં છલકાતું એક મમતાનું ઝરણું પોતાના અંતિમ પડાવ તરફ ચાલી નીકળ્યું છે!! ગામના પાદરમાં લલ્લુ શેઠ ગોવિંદભાઈના હાથ હાથમાં લઈને બોલ્યા.
“વેવાઈ મનમાં કશું જ ન રાખતા.. વાર તહેવારે અમદાવાદ આવજો..તમારી દીકરીને લઇ જઈએ છીએ.અમો તમારા આભારી છીએ..આશાને કોઈ વાતે ખોટ નહિ આવે. અમે તમારા ઘરનું રતન લઈને જઈએ છીએ!! આવજો જે શ્રી કૃષ્ણ!! આશા મોટરમાં બેઠી હતી એની માતાની છબી એના હાથમાં હતી.પિતાજી એ આપેલો હાર આશાએ પહેર્યો હતો.. મા ના ફોટા સામું આશા જોઈ રહી એને નાનપણમાં એની માતા જે વાત કરતી એ યાદ આવતી હતી!!

“મારી આશાને તો સરસ મજાનો રાજકુમાર પરણીને લઇ જશે ને અને મારી આશાને સાત સારું સાસરિયું મળશે સાત સારું સાસરિયું”!! ગાડીઓનો કાફલો અમદાવાદના રસ્તે જઈ રહ્યો હતો.. સહુ ખુશ હતા..!! આશા ખુશ હતી..ગૌરવ ખુશ હતો!! અને ખાસ તો લલ્લુ શેઠ ખુશ હતા!! પોતાના દીકરાનું અસલી ભાગ્ય આજે તેઓ પોતાના ઘરે લઇ જઈ રહ્યા હતા!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ .પો ઢસા ગામ તા. ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks