ગુજરાતના આ શહેરના ગે પ્રિન્સે અમેરિકામાં ચર્ચની અંદર પોતાના વર્ષો જૂના પાર્ટનર સાથે કર્યા લગ્ન, સામે આવી લગ્નની તસવીરો, જુઓ

આપણા દેશમાં સમલૈંગિક સંબંધોને માન્યતા મળ્યા બાદ ઘણા સમલૈંગીક લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કોલકત્તામાં થયેલા સમલૈંગિક લગ્નએ લોકોમાં મોટી ચર્ચા જગાવી હતી, ત્યારે હવે ગુજરાતના રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલે પણ પોતાના પાર્ટનર સાથે ચર્ચમાં જઈને લગ્ન કરી લીધા છે.

રાજપીપળાના સમલૈંગિક પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ કદાચ દેશના પહેલા એવા રાજકુમાર છે, જેમણે પોતે ‘ગે’ હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારથી માત્ર ગુજરાતમાં જ નહીં, હવે માનવેન્દ્રને દેશ-વિદેશમાં પણ ‘ગે’ પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સમલૈંગિકોના ફાયદા માટે કોઈને કોઈ કામ કરતા રહે છે. રાજપીપળામાં સમલૈંગિકો માટે વૃદ્ધાશ્રમ પણ તેમણે બનાવ્યો છે. આ આશ્રમનું નામ અમેરિકન લેખિકા ‘જેનેટ’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં આ પહેલો ‘ગે’ આશ્રમ છે.

ત્યારે હવે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલા જ તેમના વર્ષો જુના પાર્ટનર ડિએન્ડ્રે રિચર્ડ સાથે અમેરિકામાં આવેલા ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કરી લીધા છે. આ બાબતની માહિતી રિચર્ડ્સ દ્વારા ફેસબુક ઉપર પોસ્ટ કરીને શેર કરવામાં આવી હતી. જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

તેમના લગ્નની તસ્વીરોમાં લગ્નનું પ્રમાણપત્ર પણ સામેલ છે. માનવેન્દ્રસિંહ હાલ અમેરિકામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણા વર્ષોથી એકબીજાની સાથે રહેતા હતા અને મોટાભાગે તે બંને સાથે જ જોવા મળતા હતા. આ પહેલા પણ તેમને લગ્ન વિશેની વાત કરી હતી પરંતુ લગ્ન કર્યા નહોતા. હવે સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીરો બાદ એ નક્કી થઇ રહ્યું છે કે તેમને લગ્ન કરી લીધા છે.

માનવેન્દ્રસિંહ ગોહિલ લક્ષ્ય નામની સંસ્થા ચલાવીને LGBTQ સમાજ માટે લડત ચલાવી રહ્યા છે. માનવેન્દ્રસિંહ ગોહિલે જાન્યુઆરી 1991માં મધ્યપ્રદેશના ઝાબુઆની રાજકુંવરી ચંદ્રિકા કુંવરી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક વર્ષ બાદ જ ડિવોર્સ માટે અરજી કરવામાં આવી હતી. માનવેન્દ્રસિંહ ગોહિલ ઓપ્રા વિનફ્રેના ફેમસ શૉમાં પણ હાજરી આપી ચૂક્યા છે. ‘Gay Around the World’ નામના એપિસોડમાં તેઓ હાજર રહ્યા હતા.

માનવેન્દ્રસિંહ ગોહિલે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે 12-13 વર્ષની ઉંમરે જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમને વિજાતીય આકર્ષણ નથી થતું. રાજપીપળા રજવાડાના પૂર્વ રાજા રઘુબીર સિંઘ રાજેન્દ્રસિંઘ અને રુકમણી દેવીના એકમાત્ર સંતાન માનવેન્દ્રસિંહ ગોહીલે જ્યારે પોતાને ગે જાહેર કર્યા હતા ત્યારે ગુજરાતમાં રાજપૂત સમાજ અને બીજા સમાજમાં ભારે વિરોધ થયો હતો.

Niraj Patel