દમણની દીકરી માનસી યુક્રેનમાં ફસાઇ: માતાપિતા સુનિલ અને બબીતા ઘણા જ ટેંશનમાં આવી ગયા

યુક્રેનમાં ભારતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એવામાં તાજેતરના સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની ઘોષણા થતા વિદ્યાર્થીઓ તથા અન્ય ભારતીય લોકો યુક્રેનમાં ફસાયા છે. જેને લીધે આ વિદ્યાર્થીઓના પરિવારજનો માટે ચિંતાનો માહોલ સર્જાયો છે.

એવામાં દમણ શહેરના સુનિલ શર્માની દીકરી માનસી શર્મા પણ યુક્રેનમાં આ યુદ્ધ વચ્ચે ફસાતા પરિવાર ચિંતામાં મુકાયો છે, જે યુક્રેનના પોલેન્ડની બોર્ડર નજીક આવેલા ઇવાનોમાં આગળના ચાર વર્ષથી એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. એવામાં પરિવારના લોકો સતત વીડિયો કોલ દ્વારા તેની ખબર પૂછી રહ્યા છે. માનસીએ એક વીડિયો મોકલાવીને ભારત સરકાર પાસે મદદની માંગણી કરી છે.

એવામાં પાડોશીઓ અને અન્ય લોકો પણ માનસીના પરિવારને હિંમત આપી રહ્યા છે અને તેઓ દમણ સરકારી તંત્રને પણ બધી જ જાણ કરી રહ્યા છે અને માનસીને યુક્રેનથી બહાર લાવવા માટે મદદની માંગણી કરી રહ્યા છે. વીડિયોમાં માનસી કહી રહી છે કે,”હાલ અહીં પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે અને અમને નથી ખબર કે આગળ શું થવાનું છે અને ખુબ જ ડરામણી સ્થિતિ સર્જાઈ છે.

તેણે વધુમાં કહ્યું કે અમુક હુમલાઓ પણ થયા છે અને ઇવાનોના એરપોર્ટ પર પણ હુમલો થયો છે. માટે હું ભારતીય સરકારને વિનંતી કરું છું કે તેઓ જલ્દી જ કોઈ નિર્ણય લે અને જલ્દી અમને અહીંથી બહાર કાઢવાનો ઉપાય બતાવે કેમ કે અહીં  મારી જેમ ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે, મહેરબાની કરીને જલ્દી જ કોઈ એક્શન લો.”

જુઓ માનસીનો વીડિયો…

Krishna Patel