ગાંધીનગરમાં ભણેલા ગણેલા દીકરાએ આપ્યું સમાજને એક ઉમદા ઉદાહરણ, પોતાના લગ્નમાં કર્યું એવું કે કોઈએ સપનામાં પણ નહોતો કર્યો વિચાર

ગાંધીનગરમાં ભણેલા ગણેલા રીક્ષા ચાલકના દીકરાએ મંડપ, જાનૈયા, શેરવાની, શૃંગાર વિના અને સફેદ કપડાં પહેરીને લગ્ન કર્યા, જુઓ બધા ફોટાઓ

દેશભરમાં લગ્નની સીઝન ધૂમધામ સાથે જોવા મળી. ઠેર ઠેર ઢગલાબંધ લગ્નો યોજાયા, આ દરમિયાન ઘણા લગ્નમાં રજવાડી ઠાઠમાઠ પણ જોવા મળ્યો અને લાખો કરોડોના ખર્ચ પણ થતા જોવા મળ્યા, પરંતુ હાલ એક લગ્નની એવી તસવીરો સામે આવી છે જેને સમાજને પણ એક મોટી પ્રેરણા પુરી પાડી છે.

સામાન્ય રીતે આપણે ત્યાં લગ્નો ખુબ જ ખર્ચાળ હોય છે. પોતાના સંતાનોના લગ્ન કરાવવામાં કેટલાય માતા પિતા દેવાદાર પણ બની જતા હોય છે. પરંતુ ગાંધીનગરમાં આવેલા માણસામાં એક રીક્ષા ચાલકના એમએસસી થયેલા શિક્ષિત દીકરાએ ખુબ જ સાદાઈથી લગ્ન કરીને સમાજને એક ખુબ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું.

આજે એક તરફ જોઈએ તો લગ્નની અંદર વૈભવી મંડપ, વરઘોડા અને જાનમાં મોટા ખર્ચ, શેરવાની, શૃંગાર અને જમણવાર પાછળ પણ લાખોના ખર્ચ થતા હોય છે, ત્યારે આ લગ્ન ફક્ત સફેદ કપડાં પહેરી અને એક સહી કરીને કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ લગ્નની અંદર ફુલહાર પણ એટલા માટે કરવામાં આવ્યો કે કાયદાકીય કોર્ટમાં તેની જરૂર પડે છે.

આજે આપણે જોઈએ તો સમાજ પણ સાદાઈ ભરેલા લગ્નની ઠેકડી ઉડાવતા હોય છે, ઘણા લોકો લગ્નમાં ખર્ચ ના કરે તો તેમને સમાજ સંભળાવતો પણ હોય છે, પરંતુ માણસાના કૃણાલ પરમારે આવી કોઈ ચિંતા કરી નહીં, અને પોતાની રીતે જે યોગ્ય લાગ્યું તે કરી સમાજને પણ એક ઉમદા સંદેશ પૂરો પડ્યો.

આ બાબતે કૃણાલે જણાવ્યું કે, “મને આ બધા પ્રશ્ન ઊભા થવા માટેનો કોઈ રસ્તો જ ન હતો. મને મારા પરિવાર, મારા ગામના લોકોનો સહકાર તથા હું જે વિચારધારામાં માનું છું એ વિચારધારા બતાવવાવાળા વિજયભાઈ (કાકા)ના આશીર્વાદથી આ કામગીરીમાં સફળ રહ્યો છું.મેં અને મારી પત્ની બન્નેએ સફેદ કપડાં પહેરીને, શ્રુંગાર વિના, ઘરમાં ગણેશ સ્થાપન કે મૂર્તિપૂજા વગર ફક્ત ને ફક્ત સહી કરીને કાયદાકીય રીતે લગ્ન કર્યા છે. ”

કૃણાલે આગળ જણાવ્યું કે, “ફોટોમાં ફૂલહાર પણ એક ફોર્માલિટી સમજવી કારણ કે કાયદાકીય રીતે ભરેલા ફોર્મમાં ફોટો મુકવો જરુરી હોઈ ફૂલહાર કરેલું છે. કેમકે ફૂલહાર પણ એક પ્રકારની બિનજરુરી અને દેખાદેખીથી થતી પ્રક્રિયા જ છે.અમે એકબીજાને સમાજની રીતે જોવા ગયેલા પરંતુ મેં સગાઈ કે રિંગ સેરેમની જેવી બિનજરુરી પદ્ધતિમાં પણ ભાગ લીધો નથી. સુખી લગ્ન જીવન કોઈ વિધિ કે શાસ્ત્ર નક્કી નથી કરતાં. સુખી લગ્ન જીવન માટે અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યે પ્રેમ તેમજ નિષ્ઠા જરુરી છે.”

કૃણાલના પિતા કિરીટભાઈ પરમાર રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ સંતાનો છે અને ત્રણેય સંતાનોને તેમને ખુબ જ સંઘર્ષ કરીને ભણાવ્યા છે. ત્યારે બાળકોએ પણ પોતાના માતા પિતાનો સંઘર્ષ જોયો અને સમાજને એક નવી રાહ ચીંધવા માટે કૃણાલે આ પ્રકારે ખુબ જ સાદાઈથી લગ્ન કર્યા.

Niraj Patel