આજથી ખેડૂતો ઉતરશે ભૂખ હડતાલ ઉપર, સરકારે 40 ખેડૂત સંગઠનોને વાર્તાલાપ માટે બોલાવ્યા- જાણો વિગત
દિલ્હીની અંદર શરૂ થયેલા ખેડૂત આંદલોનને 26 દિવસ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ હજુ સુધી ખેડૂતો પીછેહઠ કરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આજથી ખેડૂતો ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવા જઈ રહ્યા છે.

ખેડૂતો દ્વારા સરકારને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમને ભૂખ હડતાલ ઉપર જવાનું એલાન કર્યું છે. તો બીજી તરફ સરકાર દ્વારા 40 ખેડૂત સંગઠનોના નામે પત્ર લખવામાં આવ્યો છે જેની અંદર તેમને વાર્તાલાપ કરવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દ્વારા એક દિવસની ભૂખ હડતાલ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે 21 ડિસેમ્બરના રોજ ખેડૂતો બધા જ ધરણા સ્થળ ઉપર 24 કલાકનો ઉપવાસ શરૂ કરશે.

તો બીજી તરફ ખેડૂત યુનિયનના નેતા જગજીત સિંહ ડલેવાલાએ બધા જ ખેડૂતોને અપીલ કરી છે કે 27 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગે જયારે પ્રધાનમંત્રી “મન કી બાત” કાર્યક્રમ દરમિયાન બધા જ ખેડૂતો થાળી વગાડતા રહે. તેમને કહ્યું “અમે બધાને અપીલ કરીએ છીએ કે પ્રધાનમંત્રી મોદીની “મન કી બાત” કાર્યક્રમ દરમિયાન 27 ડિસેમ્બરના રોજ જયારે તે બોલતા હોય ત્યારે બધા પોતાના ઘરમાં થાળી વગાડે”

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ખેડૂતો સાથે અત્યાર સુધી પાંચ વખત વાર્તા થઇ ચુકી છે પરંતુ તે વિફળ રહી છે. ખેડૂત સંગઠનો દ્વારા એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી ચુક્યા છે, પરંતુ તેનું પરિણામ પણ શૂન્ય આવ્યું છે. હવે ફરીવાર 40 ખેડૂત સંગઠનોને પત્ર લખી અને વાર્તા લાપ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.