પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“બેટા ધનજી જ્યાં સુધી તારી પાસે આ સાત ખાનાવાળું ટીફીન છે અને એ ટીફીન દિવસમાં બે વાર પીજીવીસીએલની કચેરીએ આવશે ત્યાં સુધી તો તારું ગાડું ધમધોકાર અને ટોપ ગિયરમાં જ ચાલવાનું છે” – વાંચો આ રસપ્રદ વાર્તા

ગામથી એકાદ કિલોમીટર દૂર 330 કેવીની જીઇબીની એક મોટી ઓફીસ આવેલી હતી. લગભગ પાંચેક વીઘામાં વાળેલી એક જગ્યામાં આજુબાજુના ચારેક તાલુકાનું મોટામાં મોટું વીજ મથક હતું. ભણેલાં લોકો એને સબ સ્ટેશન ઓફીસ કહેતાં જયારે ગામના મોટાભાગના લોકો એને સપ્ટેશન પણ કહેતા. નામ પણ જીઇબી જ હતું અને આ તો ૧૯૮૦નાં દાયકાની વાત છે. જીઈબીનું પીજીવીસીએલ નામકરણ હજુ થયું નહોતું!! જોકે જીઈબીના આ પટાંગણમાં એક રીજીયોનલ સ્ટોર ઓફીસ આવેલ હતી. જેમાં વીજ પુરવઠા માટેના જરૂરિયાતની તમામ સાધન સામગ્રી નો સ્ટોક આવતો અને આજુબાજુના નાના વીજ મથકો પર સપ્લાય થતો હતો. નાના મોટા બળી ગયેલા અને સાજા ટીસી,, વીજ કનેકશન માટેના વાયરો. મોટા અને નાના ફયુઝ તેમજ તાંબા અને પીતળના ઓરીજનલ તારોના મોટા મોટા ગૂંચળા ત્યાં ફેન્સીગ કરેલ જગ્યામાં પડ્યા રહેતા. એક જુનીયર કાર્યપાલક આ સ્ટોરની દેખભાળ રાખતાં હતા અને આ સ્ટોરના પ્રવેશદ્વારની જમણી સાઈડ એક લાકડા અને લોખંડના પાર્ટીશનથી બનાવેલ એક કામચલાઉ ઓરડી બનાવેલ હતી. એ ઓરડીમાં ચોકિયાત રહેતો હતો. ચોકીયાતનું નામ મનજી માધા હતું!!

મનજી માધા અને એનો છોકરો ધનજી મનજી બને જણા રાત દિવસ આ સ્ટોરનું ધ્યાન રાખતા હતા. તમામ જીઇબીના સ્ટાફમાં અને ગામમાં પણ મનજી માધાનું નામ આદરપૂર્વક લેવાતું હતું. બધા જ કહેતાં મનજી માધા અને એનો એકનો એક દીકરો ધનજી એટલે ભગવાનના માણસો!! અને આ વારસો ત્રણ પેઢીથી ચાલ્યો આવતો હતો. મનજી માધાના બાપાએ પણ જીઇબી માં ચોકિયાતપણું કરેલું. પછી માધા કેશુનું અવસાન થયું પછી જીઇબી વાળા એ ધનજીને પણ ચોકિયાતમાં રાખી દીધેલો!! આમ ત્રણ પેઢીથી આ ખાનદાન જીઇબીના સ્ટોરની ચોકી કરતુ હતું અને એ જમાનો પણ એવો કે ચોકિયાત જેવા નાના પદ માટે ઉપરી અધિકારી જે નિર્ણય લે એ ફાઈનલ ગણાતો. પણ આ સિવાયની પણ એક બીજી વાત હતી!!

આમ તો આ જગ્યાએ ૩૩૦ કેવી સબ સ્ટેશનનું ખાત મુહુર્ત થયેલું ત્યારે જ કડિયા તરીકે માધા કેશુ કામ કરતા. મનજી ત્યારે લગભગ ૧૮ વરસનો હતો. કડિયા તો બીજા ઘણાં હતાં પણ માધા કેશુ એ માધા કેશુ.. સવારે સાત વાગ્યે એ પહોંચી જ જાય!! બીજા દાડીયા કે કડિયા હજુ આવ્યા ન હોય તો એ જાતે રેતીમાં સિમેન્ટ નાંખે.. દોરીઓ બાંધીને બધું તૈયાર રાખે. ઇંટો પાણીમાં પલાળી રાખે અને જેવા મજુરો આવે કે ચણતર કામ શરુ રાખે. ઉપરી અધિકારી તપાસ કરવા આવે પણ માધા કેશુના કામમાં ભૂલ કાઢવી એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવી એટલું દુષ્કર કાર્ય!! માધા કેશુ પોતાની સાથે સાત ખાનાનું મોટું ટીફીન લાવતાં.. સાત ખાનાના ટીફીનમાં બધા જ ભરેલા હોય.. ત્રણ ખાના શાકથી ભરેલા હોય અને ત્રણ ખાના રોટલાથી અને એક ખાનામાં હોય મરચાં!! બપોરા કરતી વખતે બાપ દીકરો ખાઈને ધરાઈ જાય એટલે એ રોટલાનું વિતરણ સાથી મજૂરોમાં થાય.. ક્યારેક વળી મુકાદમ કે ઉપરી અધિકારી પણ એ મસ્ત મજાના રોટલાની મોજ માણે!! પછી તો એ લગભગ રોજનું થઇ ગયું. ઉપરી અધિકારી આવે એટલે એને જાણે માધા કેશુનું ટીફીન ખાવાનું જાણે કે એક વ્યસન જ થઇ ગયું!! અને પાર્વતીમાં શાક પણ એવું જ બનાવતાં. એય ને ઘાટું રસાદાર, લસણથી કળીઓથી સુગંધિત ડુંગળીના વઘાર વાળું આખા રીંગણનું શાક અને દેશી ઘીના રોટલા બધાને દાઢે વળગ્યા!! પછી તો કોઈ રાતે પણ પ્રોગ્રામ થાય મુકાદમ સાંજે પાંચ વાગ્યે કહે!!

Image Source

“ માધા ભાઈ આજે રાતે શાહ સાહેબ, દવે સાહેબ અને ત્રિપાઠી સાહેબ આવવાના છે. એમણે કહેવરાવ્યું છે કે માધા દા ને કેજો કે સાંજના વાળુની તૈયારી કરી રાખે આ સો રૂપિયા તમને આપવાના છે. ગામમાંથી ભેંશનું દૂધ પણ ચાર શેર લેતા આવજો પણ જામો પાડવાનો છે જામો” અને માધા કેશુ તરત જ ઘરે જાય અને આઠ વાગ્યે સાયકલ લઈને સબ સ્ટેશન ભણી નીકળે.. સાયકલની પાછળ બાંધેલા સાત ખાનાના મોટા ટીફીનમાંથી રસ્તા પર સ્વાદિષ્ટ સુગંધ વેરાતી હોય!! ઉપરી અધિકારીઓ વાટ જોઇને જ બેઠાં હોય!! રેતીના ઢગલાઓની વચ્ચે ચોગાનમાં બધાં જમાવે દાબી દાબીને ખાય!! શરૂઆતમાં માધા કેશુ એક પણ રૂપિયો ના લેતાં પણ એક વખત શાહ સાહેબે એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું.

“ જો માધા’દા દિવસે અમે આવીએ અને એકાદ જણ તમારા ટીફીનમાંથી જમે તો કદાચ તમે પૈસા ન લો તો ચાલે પણ આવી રીતે ચાર પાંચ જણાનું સ્પેશ્યલ જમવાનું ગોઠવીએ ત્યારે આપે ઈ લઇ લેવાનું. અમને અહી વિઝીટ કરવાના ભાડા ઉપરાંત જમવાના પૈસા જીઇબી વાળા ચૂકવે છે અને અમને કોઈને સહેજ પણ વાંધો નથી એટલે અમે આપીએ એમાં ના નહિ પાડવાની લઇ લેવાનું!! અમે કોઈ સતવાદીના દીકરા નથી. જેને જેવી તક મળે એવી રીતે જીઇબી અને સરકારને ઠોલી ખાઈએ છીએ તમે મજૂર માણસ કહેવાય. આટલો ઘસારો લેશો તો બે વરહમાં જ ડૂકી જાશો” અને શાહ સાહેબના કહ્યા પ્રમાણે માધા કેશુ જે આપે ઈ લઇ લેતાં!! એટલે જ ગામના કહેતા કે માધા કેશુનો રોટલો મોટો છે રોટલો!!
બે વરસે સબ સ્ટેશનનું બાંધકામ પૂરું થયું અને ત્યાં સુધીમાં ગામે ગામ વીજળી નહોતી પહોંચી પામ માધા કેશુનું સાત ખાનાના ટીફીનની વાત ગામે ગામ પહોંચી ગઈ હતી.ઠેઠ ગાંધીનગર અને વડોદરાના એન્જીનીયરો પણ માધા કેશુના ટીફીનનો આસ્વાદ માણી ચૂકયા હતાં. અને એમાય ઊર્જા પ્રધાનના હાથે ઉદ્ઘાટન હતું. મંત્રી મહોદયશ્રી વ વખતે બોલવામાં બહુ અઘરું લાગતું એટલે બધા લોકો મંત્રીને પરધાન કે પ્રધાન કહેતાં. પ્રધાનના પીએ એ પ્રધાનને પીન મારી.

“ સાહેબ આ સબસ્ટેશનના બાંધકામમાં એક કડિયો બે વરસથી આવતો હતો. એ ટીફીનમાં બાજરાના રોટલા અને અડદની દાળ કે રીંગણનું શાક એવું બનાવે કે તમે આંગળા ચાટતાં રહી જાવ!! જીઇબીના આ ઝોનના લગભગ બધા અધિકારી એ સ્વાદને માણી ચુક્યા છે”

“ એમ ત્યારે બોલાવો ઝાલાને અને એને કહી દો કે ઉદ્ઘાટન પછીના જમણવારમાં મારા માટે પેલું ટીફીન આવવું જોઈએ” અને ઝાલાએ વ્યાસને કીધું. વ્યાસે શાહને કીધું અને શાહે માધા કેશુને કીધું અને આપ્યાં બસો રૂપિયા!!

Image Source

“ જો માધા’દા.. જીઇબી ના મોટા પરધાન આવે છે એને તમારા ઘરનું જમવાનું મન થયું છે. એયને તમે જે રીતે બનાવો એ રીતે બાજરાના રોટલા અડદની દાળ અને રીંગણના રવૈયા બનાવો. પ્રધાન ખુશ થવા જોઈએ. એક વખત પ્રધાન ખુશ થઇ જાશે પછી તમારે ત્યાં ધાન કોઈ દી નહિ ખૂટે એની ગેરંટી મારી” અને પછી એમાં કાઈ ઘટે?? માધા કેશુએ અને એના ઘરનાં પાર્વતીમાએ દિલ દઈને એવી તો રસોઈ બનાવી કે પ્રધાન અને એના પત્ની ત્રણ ત્રણ રોટલા બટકાવી ગયા!! અને એ વખતે પ્રધાનો પોતાની પત્ની સાથે જ ઉદ્ઘાટનમાં જતાં હતાં. આમેય પ્રધાન એટલે ખાવાની ટેવ તો હોવાની જને!! કોઈ ધન ખાય તો કોઈ વળી ધાન ખાય!! પણ આ પ્રધાન હતાં પ્રામાણિક એટલે ધન ન ખાતાં . બસ ધાન ખાવાના જબરા શોખીન !! પ્રધાન ને ખુશ થયેલા જોઇને શાહે દાણો દબાવ્યો.

“ સાહેબ આ માધાભાઈ એકદમ પ્રમાણિક માણસ!! એકદમ ભરોસા લાયક માણસ. બે વરસ થયા દિલ દઈને બાંધકામ કર્યું છે. બધાને જમાડ્યા પણ છે પણ કદી કોઈ વસ્તુની લાલચ નહિ. આ તો તમારા હાથમાં છે એટલે કહું છું કે આપણે અહી ચોકીદારની બે જગ્યા છે બેયમાં બાપ દીકરાને ગોઠવી દઈએ તો કેમ રહે?? આવો માણસ આપણને ક્યાં મળશે???” પ્રધાન પણ ખુશ હતાં અને તરત જ પ્રધાને ઝાલાને કીધું અને ઝાલાએ વ્યાસને કીધું અને વ્યાસે બીજે દિવસે બેય બાપ દીકરાને ચોકીદારમાં રાખી દીધાં!! ગામ કહેતું કે માધા કેશુનો રોટલો મોટોને એટલે એકી હારે બાપ દીકરાને નોકરી મળી ગઈ.. માધા દા તો હવે બાર વરહ નોકરી કરશે પણ મનજી તો હજુ નાનો ને સરકારી નોકરી ભાગ્યશાળીને જ મળે. આને કહેવાય ભાગ્ય!! ખવરાવેલુ અને વાવેલું વેલુ મોડું ઉગે ઉગે અને ઉગે જ!!!

અને શરુ થઇ માધા કેશુની અને એના દીકરા મનજીની ચોકીયાતની સફર!! માધા કેશુ જ આમ તો ચોવીસ કલાક એ જીઇબીના સ્ટોરની ચોકી કરે. બાકી બપોરે અને રાતે એનો દીકરો સાયકલ લઈને સાત ખાનાનું ટીફીન લાવે. માધા કેશુ જમે અને બીજાને જમાડે. તેમ છતાં વધે તો રોટલા કુતરાને ધરવી દે અને પરિણામે ચારેક કુતરાઓ પણ જીઇબીની ચોકી કરતાં થઇ ગયેલા. બપોરે થોડો આરામ કરી લે ત્યાં સુધી મનજી સ્ટોરની ચોકી કરતો અને પછી તો આખી રાત માધા કેશુ જાગતા હોય. અભરામ ભગતના ભજનની કડીઓ ગાતાં જાય અને જીઇબીના સ્ટોરની આજુબાજુ આંટા મારતા જાય. ભજનો પણ એ વખતે બહુ જ સારા ગવાતા.

“ જુલમ કરે છે જુગમાં જુલમ કરે છે ગુરુજી કાળીન્ગાને નાથો જગમાં જુલમ કરે છે.” અથવા તો વહેલી સવારે એ ગાતા હોય!!

“જાગ જાગ નિદ્રા હું તને વારુ તું છો નાર ધુતારીએ” અથવા “ જાગોને જશોદાના જાય વ્હાણલાં વાયા, તમારે ઓશીકડે મારા ચીર ચંપાયા… જાગોને જશોદાના જાયા…..”

Image Source

ગામને છેવાડે એમનું એક કાચું મકાન હતું. કડીયાકામમાં રોટલો નીકળી જતો હતો પણ બાપ દીકરો ચોકિયાત માં લાગ્યાં પછી નસીબ આડેથી પાંદડું હટી ગયું. એકાદ વરસમાં પાકું ચુનાબંધ મકાન કર્યું. મોટી ડેલી પણ મુકાઈ ગઈ અને એક મોટો વંડો પણ વાળી લીધો એ વખતે ગામડા ગામમાં તમે વાળો ત્યાં સુધી વંડો વાળી શકતાં અને ભાળો ત્યાં સુધી તમે જમીન વાવી શકાતાં. જમીન તો પાંચ જ વીઘા હતી પણ પછી નદી કિનારા સુધી બધું જ ધીમે ધીમે વાળી લીધું!! આમને આમ જીવન હાકલા અને પડકારા કરતુ ચાલવા લાગ્યું. પણ અધિકારીઓ સાથે હેતભર્યો અને પ્રેમ ભર્યો સંબંધ એ જાળવી રાખતાં. કોઈ નવા એન્જીયરનું પોસ્ટીંગ થાય કે એનું જમવાનું માધાભાઈના ટીફીનમાંથી જ!! આમને આમ એણે બાર વરહ નોકરી કરી. પછી એ નિયમ મુજબ નિવૃત થયા ત્યાં સુધીમાં તો મનજી પરણી ગયો અને એક છોકરાનો બાપ પણ બની ગયો હતો. બે દીકરીઓ પણ પરણાવી દીધી. પછી તો મનજીને એકલાને જ નોકરી રહી પણ માધા બાપા નિવૃત થયા પછી પણ ટીફીન લઈને આવતાં જ!! મેઈન એન્જીનીયર જે જીલ્લામાં હતા એણે ઠેઠ ઉપર સુધી કહી દીધું કે

“ ૩૩૦ કેવીમાં ચોકીયાતની એક જગ્યા ખાલી થઇ છે એ ખાલી જ રાખવાની છે. હાલ મનજી માધા નોકરીએ છે. એના બાપા માધા કેશુ નિવૃત થયા પણ હજુ એ ચોકી કરવા આવે જ છે એટલે આમેય અત્યારે કોઈ જરૂરિયાત નથી. હવે મનજીનો છોકરો વીસ વરસનો થાય એટલે એને ત્યાં લેવાનો છે ત્યાં સુધી કાયદેસર રીતે મનજી એકલો બધું સંભાળી લેશે!!” અને ઉપર પણ સહુ સહમત થઇ ગયા.

“રખાવટમાં મનજી તો એના બાપાને પણ વધ્યો હતો. એના માન પાન એના બાપા કરતા પણ સવાયા નીકળ્યાં. મનજીના પેટમાં વાત જાય એટલે દરિયાના પેટમાં સોય જવી. એ કયારેય બહાર નીકળેજ નહિ. જેવા અધિકારી એવો મનજી. વારે વારે સાહેબો બદલાતા રહે પણ મનજી કોઈનું રહસ્ય કોઈને કહે નહિ!! ઘણા અધિકારીઓ ગેરકાયદેસર રીતે અમુક ફયુઝ અને કીમતી વસ્તુ રાતે સ્ટોરમાંથી કાઢીને બારોબાર વેંચી પણ નાંખે પણ મનજીના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળે.એ પોતાના બાપની જેમ સવાર સાંજ ભજનની કડીઓ ગાતો જ હોય!! બપોરે અને રાતે સાત ખાનાનું ટીફીનમાં રસોઈ લાવીને અધિકારીઓને જમાડતો જ હોય મનજી નારાયણ સ્વામીના ભજનની કડીઓ ગણગણ્યા કરે. હવે તો એની પાંહે મરફીનો ચાર બેન્ડનો રેડિયો પણ આવી ગયો હતો. એમાં માધા કેશુનું અવસાન થયું. બહુ બધું માણસ ખરખરે પણ આવ્યું અને છ મહિના પછી મનજીના એકના એક દીકરાને પણ ખાલી પડેલી ચોકીયાતની જગ્યાએ લઇ લીધો!! મનજી અને ધનજી બાપ દીકરો બેય ચોકિયાત તરીકે નોકરી કરવા લાગ્યાં.

Image Source

અને હવે મનજી પણ બાવન વરસનો થઇ ગયો છે. ધનજી પણ પરણી ગયો છે. જમાનો પણ ઘણો જ બદલાઈ ગયો છે. મનજીનું ઘર ગામમાં સહુથી વધુ સુખી અને સંપન્ન ઘર ગણાતું થઇ ગયું છે, ઘરે એક બુલેટ અને એક હીરો હોન્ડા પણ આવી ગયું છે. અને આમેય ગામમાં સહુથી પહેલા ફ્રીઝ, સહુથી પહેલા વોશિંગ મશીન અને સહુથી પહેલા મોટું નાના પટારા જેવડું રંગીન ટીવી પણ મનજીના ઘરે જ આવેલું ને!! આટ આટલું બદલાયું પણ પેલું સાત ખાના વાળું ટીફીન હજુ ન બદલાયું. મનજી બાવન વરસની ઉમર થઇ તોય સાયકલ લઈને હજુ ચોકીદારી કરવા જાય છે. પોતાનો દીકરો ધનજી હવે મેઈન ગેઇટ પાસે ખુરશીનાંખીને બેસે છે. આજુબાજુના ગામના ખેડૂતોને લાઈટ કનેક્શન લેવું હોય.. મીટર ભમ ચકડી ફરતું હોય અને બદલાવવું હોય. પાવર વધારો માંગવો હોય કે બે દિવસથી વીજળી ન હોય કે ગમે તે વિદ્યુતીય કામ હોય લોકો ધનજીને મળે છે. ધનજી મોટા સાહેબને ભલામણ કરે છે. સાહેબ પણ પોતાની હેસિયત મુજબ કાતર મુકીને કામ કરી દે છે. ધનજી કોઈની પાસે એક પણ રૂપિયો માંગ્યો હોય એવું આજ લગણ બન્યું નહોતું મનજીનું કામ તો બસ ચોકી કરવાનું અને ભજનની કડીઓ ગાવાનું અને ટીફીનમાં લાવેલ રોટલા અધિકારીઓ અને કુતરાને ખવડાવવાનું જ!! આજુબાજુના ગામના લોકો પણ કહેતા કે ભજન અને ભોજનનો વારસો ઠેઠ માધા કેશુ વખતથી ચાલ્યો આવે છે એ મનજી ભાભાએ બરાબર નિભાવ્યો છે. અને એને કારણે જ આજે એના મકાન સ્લેબવાળા અને એટેચ્ડ બાથરૂમ વાળા થઇ ગયા છે. ગામમાંથી બીજા ખેડૂતોની એંશી વીઘા જમીન પણ મનજીએ રાખી લીધી છે. ધનજીના છોકરાઓ હવે ગામની નિશાળમાં ભણતા પણ નથી. એ તો બાજુની ગામમાં આવેલ ઈંગ્લીશ મીડીયમની સ્કુલમાં ભણવા જાય છે!! આવી જાહોજલાલી અને સાહ્યબી આ ચોકિયાતો ભોગવી રહ્યા છે. ઘણાને નવાઈ લાગતી કે આટલી બધી જાહોજલાલી તો જીઇબીના મોટા સાહેબોને પણ નથી તો પછી મનજી માધાના કુટુંબ પાસે આ બધું આવ્યું ક્યાંથી?? પણ એની પ્રામાણિક છાપ હજુ એવીને એવી અકબંધ હતી.

એક બીજી વાત તો કહેવાની રહી જ ગઈ. માધા કેશુ અને એનો દીકરો જયારે શરૂઆતમાં નોકરીએ રહ્યા પછી બે વરસ પછી એ લોકો તાલાળા ગીરમાંથી એક કેરીઓનો મોટો ટેમ્પો લાવતાં. ટેમ્પો એને ઘરે બે દિવસ રોકાતો. ગામમાંથી અને જીઇબીના અધિકારીઓ માધા કેશુની કેરીઓના કરંડિયા લઇ જતાં. બસ વરહમાં આવી રીતે ટેમ્પો એક જ વાર આવે. બે દિવસમાં કેરીઓ વેચાઈ જાય પછી રાતે ત્રણેક વાગ્યે ટેમ્પો માધા કેશુના ઘરેથી નીકળતો પણ ખાલી નહિ!! અંદર તાંબા અને પીતળનો ભંગાર ભરેલો હોય!! માધા કેશુના ઘરમાં વાળેલા વંડાની સામે બે જુનવાણી મકાન હતાં.અને એમાં આ બધો ભંગાર એ વરહ સુધી ભરતાં. આ બધો જીઇબીમાંથી ચોરેલો ભંગાર હતો!! આ બધો ભંગાર રોજ રોજ બપોરે અને રાતે પેલા સાત ખાના વાળા ટીફીનમાં આવતો. બપોર વચાળે ટીફીન ખાલી થાય એટલે એમાં તાંબા પીતળના વાયરો અને એવી બીજી નાની નાની વસ્તુ સાતેય ખાનામાં ભરી દેતાં. પછી સાયકલ પાછળ બાંધેલું ટીફીન ભજનની કડીઓ સાથે ઘરે જાય. એમાંથી ભંગાર કાઢીને વળી સાંજે રોટલા અને અડદની દાળ ભરાય. વળી પાછુ ટીફીન રાતે ઉપડે!! વળી એ ખાલી થાય અને એમાં રાતે પાછો ભંગાર ભરાઈ જાય અને આવે ઘરે!! વહેલી સવારમાં સાયકલ લઈને માધા કેશુ આવતાં હોય પાછળ ટીફીન બાંધેલુ હોય અને એ પણ સાત ખાનાનું મોટું ટીફીન અને એમાં તાંબુ અને પીતળ હોય અને ભજનની કડીઓ ગવાતી હોય!!

Image Source

“કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર,
બેડલી ઉતારો ભવ પાર જી … કર મન ભજનનો વેપાર જી”

અને આ રીતે ભજનથી ભરપુર તાંબા પીતળનો કીમતી ભંગાર ઘરમાં ભેગો થાય અને દર ઉનાળામાં એક ટેમ્પો ભરાય અને પછી રાજકોટની બજારમાં વેચાય અને ઊંચા દામ આવે. વરહ દિવસમાં એક વાર આવું બને!! માધા કેશુ પછી મનજી માધા અને હવે ધનજી મનજીએ આ ભજનમય ટીફીનમય ભંગારનો ધંધો શરુ રાખ્યો. કોઈ દિવસ કોઈએ એના ટીફીન પર શંકા પણ ન કરી અને આ ત્રણ પેઢી આબાદ રીતે જીઇબીને ઠોલી ખાતી રહી. આ ત્રણ પેઢી ફક્ત તાંબા અને પીતળ ભેગું કરે લોખંડ ને તો કોઈ દિવસ હાથ પણ ન અડાડે અને ફક્ત ટીફીનના સાત ખાનામાં સમાય એટલું જ રોજ ચોરવાનું!! જરૂરિયાત મુજબ જ ચોરવાનું!! વરસ દિવસમાં એક ટેમ્પો ભરાય જાય એટલું જ વધારે સહેજ પણ નહિ!! આને જ કદાચ રોટલો મોટો એમ કહેવાતું હશે.

આજે પણ ધનજી મનજીને ત્યાં જાહોજલાલી છે. મનજી માધા પણ દેવ થઇ ગયા છે. ધનજી હજુ પણ સ્ટોરની ચોકી કરે છે એની ઉંમર થઇ ગઈ છે. પણ તોય એ સાયકલ લઈને જાય છે. ભજનની કડીઓ એ પણ ગણગણે છે. અને હા પેલું ટીફીન તો એની સાથે જ હોય સાત ખાનાનું મોટું ટીફીન!! એ બાજરાના રોટલા અને અડદની દાળ ક્યારેક વળી રીંગણના રવૈયા.. ધનજી જમે કોઈ સાહેબ પણ સાથે જમે.. વધે એટલું કુતરાને નાંખે. ટીફીન ખાલી થાય.. ટીફીન ધોવાઈ જાય પછી સૂકવે અને પછી સુકાયેલું ટીફીન ભંગારથી ભારે બને વળી સાયકલની પાછળ ટીફીન બંધાય અને સાયકલ ઉપડે!! ધનજીનું ઘર હવે ગામ આખામાં ભગતના ઘર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવતું કે બહુ પુણ્ય કર્યા હોય તો સાત પેઢીએ એક ભગત થાય તો થાય એના બદલે ધનજીના ઘરે ત્રણ પેઢીમાં ત્રણ ભગત થઈ ગયા. માધા ભગત પછી મનજી ભગત અને અને હવે લોકો ધનજીને પણ ભગત જ કહેતા. સાઈકલ લઈને ધનજી જાતો હોય અને રસ્તામાં કોઈ મોટા સાહેબ એને મળી જાય તો માનથી જુએ અને કહે.

“ધનજી ભગત હવે તો તારે ઘરે મોટર પણ છે. બે બાઈક પણ છે તોય સાઇકલ લઈને આવ્ય છો ભલાદમી”?? જવાબમાં બે હાથ જોડીને ધનજી બોલે છે. મભમમાં બોલે પણ સામેવાળા કોઈ સમજતા નથી.

“ મારા દાદા સાયકલ વાપરતાં. મારા બાપા સાયકલ વાપરતા અને એ બેય પાછું આ ટીફીન પણ વાપરતાં. આ સાયકલે અને આ સાત ખાનાવાળા ટિફિને મને ઘણું બધું આપ્યું છે. ત્રણ પેઢીથી ચાલ્યો આવતો આ ધર્મનો રસ્તો હું કેમ બદલાવું? મારી તો ઈચ્છા એ છે કે હવે થોડા સમય પછી હું નિવૃત થાય તો પણ વગર પગારે હું રાત દિવસ ચોકી કરીશ!! આ ટીફીન અને સાયકલ સાથે મારે જન્મોજન્મનો નાતો બંધાઈ ગયો છે એ હું કયારેય નહિ છોડું” ધનજી ગળગળો થઇ જાય છે. મોટા સાહેબો પણ અભિભૂત થઇ જાય છે. ધનજીની સાયકલ ઉપડે છે જીઇબીની બહાર મેઈન રસ્તા પર નીકળે છે, જીઇબી હવે પીજીવીસીએલ થઇ ગયું છે. ધનજી સાયકલ પર ગણગણતો જાય છે.

Image Source

“ હરી તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંય નો જાણું ,
ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામું તાણી, હરિ તું ગાડું મારું ક્યાં…….”
અને કદાચ ઉપર બેઠેલો હરી આ ભજન સાંભળતો હશે તો એ કહેતો પણ હશે કે,,

“બેટા ધનજી જ્યાં સુધી તારી પાસે આ સાત ખાના વાળું ટીફીન છે અને એ ટીફીન દિવસમાં બે વાર પીજીવીસીએલની કચેરીએ આવશે ત્યાં સુધી તો તારું ગાડું ધમધોકાર અને ટોપ ગિયરમાં જ ચાલવાનું છે”
માણસોને ઓળખવા બહુ મુશ્કેલ છે. મોટેભાગે માણસોને બે બાજુઓ હોય છે સારી અને નરસી. લોકો બેય બાજુઓ જોતા હોય છે પણ અમુક લોકો જીવનભર પોતાની સારી બાજુ દેખાડવામાં પાવરધા હોય છે, જગત સમક્ષ એની નરસી બાબતો કયારેય આવતી નથી. લોકો એને સસ્નેહથી ભગત પણ કહેતાં હોય છે.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks