ઢોલીવુડ મનોરંજન

આ વર્ષનું ગ્રાન્ડ નવરાત્રી સોન્ગ “મણિયારો”, ધરા શાહના અવાજમાં થયું રિલીઝ, આપણી સંસ્કૃતિની છે ગીતમાં ખરી ઓળખ, વાંચો

કોરોનાકાળમાં ચાલુ વર્ષે નવરાત્રીનો માહોલ દરવર્ષની જેમ નહીં જામે પરંતુ સંગીત નિર્માતાઓ અને ગાયકો આ સમય દરમિયાન પણ ગરબા રસિકોનો આનંદ જળવાઈ રહે તે માટે કંઈક નવું લાવીને આપવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. તો આ દરમિયાન જ ગુજરાતી ગીતો માટે એક ખુબ જ જાણીતો અવાજ ધરા શાહ પણ એક સરસ મઝાનું અને આપણી સંસ્કૃતિની ઓળખ કરાવતું ગીત “મણિયારો” લઈને આવ્યા છે.

મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેતા ગુજરાતના જાણીતાં ગાયિકા ધરા શાહ દર વર્ષે નવરાત્રી પર કઈ હટકે અને યાદ રહી જાય એવા લોકગીતો આપવા માટે જાણીતાં છે અને તેમના લોકગીતો ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે આ નવરાત્રી પર તેમનું ગીત “મણિયારો” આવી ગયું છે. આ ગીતને દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મણિયારોનો કોન્સેપ્ટ ધરા શાહનો છે. જ્યારે સુરતના જિમ્મી દેસાઇ દ્વારા મ્યુઝીક આપવામાં આવ્યું છે. રિશીન સરૈયા અને રાજુ ધુમાલના દેસી ઢોલ અને શેહનાઈએ આ ગીતમાં ગામઠી લઢણથી ચાર ચાંદ લગાવ્યા છે. આ ગીતને અક્ષર ધનાણી દ્વારા ડિરેકટ કરવામાં આવ્યું છે અને સુરતના ચિંતન મેહતા દ્વારા એડિટ કરવામાં આવ્યું છે.

૨૦ – ૨૦ ડાન્સરની ફોજ સાથે આ ગીતને ભાવનગરના રંગરસીયા ગ્રૂપના કર્ણવ વસોયા અને યશ પટેલ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. ગીતની ખાસિયત એ છે કે ધરા શાહએ આ ગીતને એક્દમ દેસી લઢણ અને ગામડાની શેરી ગરબાના રૂપે, ફોક વર્ઝનમાં ચાહકો સમક્ષ રજૂ કર્યું છે.

આ ગીત માટે ધરા શાહ જણાવે છે કે: “તેમને શિહોરના ૧૨૦૦ વર્ષ જૂના સ્થાપત્ય અને ધરોહર  દરબાર ગઢ પર બનાવ્યું છે જેનો પોતાનો એક ઐતિહાસિક વારસો છે.. જે આપણી સંસ્કૃતિને રજૂ કરે છે.”

આગળ ધરા શાહ જણાવે છે કે: “તેઓ ભાવનગર રોયલ ફેમિલી અને ખાસ કરીને મહારાજ કુમારી બ્રીજેશ્વરીકુમારી ગોહિલની ખુબ આભારી છે કેં જેમણે ખાસ સમય ફાળવીને “મણિયારો” પ્રોજેક્ટને સમજીને એમના ઐતિહાસિક ગઢ એવા દરબારગઢમાં શૂટિંગ કરવાની પરવાનગી આપી. કુમારી સાહેબની મહાનતા અને સરળતા એ હતી કે આખા શૂટિંગ દરમિયાન એમણે ખાસ ધ્યાન રાખેલું કે કોઈ અગવડ નથી પડી. હું એમની ખુબ ખુબ આભારી છું. ”

આ ગીતમાં થયેલી મહેનત વિશે પણ ધરા શાહે વાત કરતા કહ્યું: “આ ગીત બનાવવા પાછળ બે મહિનાની મહેનત લાગી છે અને આ ગીત સાથે બહુ બધા લોકો જોડાયેલા છે. જ્યારે આ ગીત આ બધા વગર બનાવવું અશક્ય હતું. અમે આ ગીતમાં ગુજરાતી સંસ્કૃતિને તાજી કરવા માટેના ભરપૂર પ્રયાસ કર્યા છે. જ્યારે લોકડાઉન ખૂલ્યું ત્યારથી જ અમે આ ગીત બનાવવા માટેની શરૂઆત કરી દીધી હતી. આ વર્ષે નવરાત્રી તો નહિ થાય તે માટે દરેક કલાકારો પ્રયાસ કરી રહ્યા છે કે અમે દર્શકોને કશુંક નવું આપીએ. અને મેં પણ એક કલાકાર તરીકે પ્રયાસ કર્યા છે કે હું પણ દર્શકો કઇંક નવું આપું !”

તમે પણ નીચે ક્લિક કરીને નિહાળો ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને રજૂ કરતું આ સરસ મઝાનું ગીત, અને તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવજો !!!!