સ્વ. મણિરાજ બારોટની દીકરીઓના લગ્નમાં ગુજરાતી કલાકારોનો જમાવડો, કિંજલ દવે, ગીતાબેન રબારી અને ઉર્વશી રાદડિયાએ આપી હાજરી

ગુજરાતીને ત્યાં કોઈપણ લગ્ન પ્રસંગ હોય કે પછી ગરબા પ્રસંગ હોય, એક ગીત હંમેશા વાગતું હોય છે અને લોકોને ઝુમાવતું હોય છે, આ ગીત છે “સનેડો” માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આ ગીતે તો દુનિયાભરમાં ધૂમ મચાવી છે, બોલીવુડની ફિલ્મોમાં પણ આ ગીતનો ઉપયોગ થતો આપણે જોયો છે, ત્યારે આ ગીતના ગાયકને પણ આપણે જાણીએ જ છીએ.

આ ગીત સ્વ. મણિરાજ બારોટના કંઠે ગવાયું હતું અને લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું. મણિરાજ બારોટ આજે આ દુનિયામાં નથી પરંતુ તેમની અઢળક યાદો ચાહકો અને તેમના પરિવારના દિલમાં રહેલી છે.

ત્યારે હાલમાં જ મણિરાજ બારોટની દીકરીઓના લગ્ન ધામધૂમથી ઉજવાયા હતા, જેમાં ઢોલીવુડના ઘણા બધા સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી, આ લગ્ન પ્રસંગની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે, જેમાં લગ્નની અંદર આમંત્રિત મહેમાનો અને પરિવારનો ઉત્સાહ જોઈ શકાય છે.

મણિરાજ બારોટની દીકરીઓના લગ્નની કેટલીક તસવીરો તેમની દીકરી રાજલ બારોટ દ્વારા શેર કરવામાં આવી છે. રાજલ બારોટે પીઠી પ્રસંગની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં એક મોટો દાખલો બેસાડ્યો છે.

મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી. તેને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટે પણ પિતાના પગલે લોકગાયક બની બહેનોને મોટી કરી હતી. ત્યારે રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું.

સ્વ. મણિરાજ બારોટની દીકરીઓના લગ્ન પ્રસંગમાં જીગ્નેશ કવિરાજથી લઈને માયાભાઈ આહિર સહિતના કલાકારો હાજર રહ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં લોક ગાયિકા ઉર્વશી રાદડિયા, કિંજલ દવે અને ગીતાબેન રબારી પણ જોવા મળ્યા હતા.

કિંજલ દવે પોતાના પરિવાર સાથે આ લગ્નમાં હાજરી આપી હતી, તેમના પિતા લલિત દવે અને તેમનો પરિવાર સોશિયલ મીડિયામાં શેર કરેલી તસ્વીરોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત ગીતાબેન રબારી અને ઉર્વશી રાદડિયાની પણ કેટલીક તસવીરો સામે આવી છે.

રાજલ બારોટની બહેનોના લગ્નની અંદર કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે જોવા મળી હતી. પવન જોશીએ પણ સોશિયલ મીડિયામાં ગરબા પ્રસંગનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં લગ્નની અંદર સૌ ગરબાનો આનંદ લૂંટતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત ઉર્વશી રાદડિયા અને કિંજલ દવે દ્વારા પણ ઘણી બધી તસવીરો તેમના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. આ તસવીરોની અંદર રાજલ બારોટની બહેનોના ધામધૂમથી થતા લગ્નને માણી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે. ત્યારે બહેનોની વિદાયની વેળાએ રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ લગ્નનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

Niraj Patel